SURAT

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં યાર્ન એક્સ્પો 2024નું આયોજનઃ યાર્નના ઉત્પાદનની આંટીઘૂંટી જાણવા મળશે


સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૯થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે
  • યાર્ન એક્ષ્પોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા, સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશ્યલ યાર્નનું પ્રદર્શન કરાશે
  • દેશભરમાંથી ૯ર એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે
  • ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે
  • યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯ર એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, તમિલનાડુ (નમખલ અને કરૂર શહેર), જયપુર, બેંગ્લોર, પાનીપત (હરિયાણા), ચેન્નાઇ અને અને કર્ણાટકાના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે.

કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી રોહિત કંસલ (IAS) ઉપસ્થિત રહેશે. ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પ્રાજક્તા વર્મા (IAS), ડાયરેકટર અનિલ કુમાર (IRS) અને એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે. આ ઉપરાંત અમેરિકા અને ટરકી ખાતેથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવવાની સંભાવના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પો– ર૪ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડા અને કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

દેશના 100થી પણ વધુ શહેરોથી બાયર્સ – વિઝીટર્સ એક્ષ્પોની મુલાકાતે આવશે
યાર્ન એક્ષ્પો– ર૪ના કો–ચેરમેનો પ્રફુલ્લ શાહ, કિરણ ઠુમ્મર અને અશોક રાઠીએ જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત અમદાવાદ, માલેગાવ, હૈદરાબાદ, સિલવાસા, મદુરાઇ, ડીસા, મુંબઇ, વાપી, નવસારી, કોઝીકોડ, વારાણસી, દિલ્હી, કોઇમ્બતુર, ઠાણે, દમણ, વાંકાનેર, ભીલવાડા, સોલાપુર, અંકલેશ્વર, બુરહાનપુર, ઇચ્છલકરંજી, પુણે, ભીવંડી, બેંગ્લોર, જયપુર, ભદોઈ – ઉત્તર પ્રદેશ, નૈરોબી, ધુળે, આંધ્રપ્રદેશ, પાનીપત, બાલાસોર, ડોંબિવલી, કોલકાતા, બેંગ્લુરુ, તમિલનાડુ, લુધિયાના, કેરળ, કુમસી, ગુવાહાટી, હિન્દુપુર, નાગપુર, સોલાપુર, નવી દિલ્હી, ઇન્દોર, ગ્રેટર નોઇડા, જોધપુર, અજમેર, જબલપુર, ડિન્ડીગુલ, ઇરોડ, લુધિયાના, કરૂર – તમિલનાડુ, કોલ્હાપુર, કર્ણાટકા, કલ્યાણ, નમકકલ – તમિલનાડુ, અમૃતસર, જુનાગઢ, કાંબા, ઉલ્હાસનગર, વડનગર, નવાપુર, ઉદયપુર, શોલિંગુર – તમિલનાડુ, કોડા કંડલા – તેલંગાણા, રાજકોટ, કીમ, સાલેમ, ગુંટુર, જેતપુર, મહેસાણા, બોટાદ, સરીગામ, હિંમતનગર, મથુરા, માઉનાથ ભંજન – ઉત્તર પ્રદેશ અને યવતમાળથી બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે
યાર્નનું રો મટિરિયલ્સ પ્લાન્ટ, પ્રાણી અને મેન મેઇડ ફાયબરમાંથી મળે છે. પ્લાન્ટમાં કોટન, બામ્બુ, ફલેકસ, બનાના અને પાણીમાં રહેલી જળકુંભીમાંથી કુદરતી યાર્ન મળે છે. ઘેટા, ઊંટ, સસલા, લામા જેવા પ્રાણીઓના વાળમાંથી કુદરતી યાર્ન બને છે જેવા કે ઉન, અંગોરા, હેર, કકુનમાંથી સિલ્ક બનાવી શકાય છે. યાર્નના રો મટિરિયલ્સ મેળવવાના આ સ્ત્રોતોને એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે મુકવામાં આવશે. મેન મેડ યાર્ન બનાવવાની પ્રોસેસ જેમ કે મેલ્ટ સ્પિનિંગ, વેટ સ્પિનિંગ અને ડ્રાય સ્પિનિંગનો ડેમો પણ થીમ પેવેલિયનમાં મુકવામાં આવશે.

યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) દ્વારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪ દરમ્યાન શનિવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અસિમ પાન ‘Emerging Trends in Polyester by 2030’ વિષે, સેન્ચુરી એન્કા લિમિટેડના સંજય મલ્હોત્રા ‘Emerging Trends in Nylon’ વિષે, મુંબઇના નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના મહેશ માહેશ્વરી ‘Emerging Trends of Fancy Yarns’ વિષે, અદલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના મહેન્દ્ર ઝડફીયા ‘Emerging Trends of Zari in Textile Industries – Shimmering into Textile Segment’ વિષે ટેક્ષટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.

Most Popular

To Top