Gujarat

દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ, 24 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર: અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે, જેના પગલે આગામી 24 કલાકની અંદર સુરત, ડાંગ , તાપી , નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.

જયારે રાજયના અન્ય ભાગો પૈકી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ , નર્મદા, ભરૂચ , જુનાગઢ, અમરેલી, ભાવનગર , ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ માટેનું યલ્લો એલર્ટ જારી કરાયુ છે. આગામી તા.17મી જુલાઈ સુધીમાં રાજયમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે, જેના પગલે ચોમાસુ સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી વકી રહેલી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં શુક્રવારે સાંજે છ વાગ્યા સુધીમાં નવસારી, તાપી, ભાવનગર, સુરત અને વલસાડમાં હળવાથી ભારે વરસાદ થયો છે. ખાસ કરીને ગણદેવીમા 4 ઈંચ , ચીખલીમાં 3 ઈંચ , વ્યારામાં 3 ઈંચ , નવસારીમાં 2.4 ઈંચ , વલ્લભીપુરમાં 2.3 ઈંચ , સુરત મહુવામાં 2.1 ઈંચ , પારડીમાં 2.2 ઈંચ , સોનગઢમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે.રાજયમાં સરેરાશ 128 તાલુકાઓમાં વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 117 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 26.32 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 34.91 ટકા , ઉત્તર ગુજરાતમાં 18.13 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 16.96 ટકા , સૌરાષ્ટ્રમાં 36.29 ટકા , અને દક્ષિણ ગુજરાતમાં 28.66 ટકા જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top