SURAT

સુરતમાં ચોકલેટની લાલચ આપી 4 વર્ષની બાળકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું

સુરત: શહેરમાં ફરી એક માસૂમ બાળકી નરાધમની હવસનો શિકાર બની છે. આ શરમજનક ઘટના શહેરના ચોક બજાર વિસ્તારમાં બની છે. અહીં ગઈકાલે મંગળવારે રાત્રે ચાર વર્ષની બાળકી રમતી હતી ત્યારે તેણીને ચોકલેટ અપાવવાની લાચ આપી અવાવરું જગ્યા પર લઈ જઈ નરાધમે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે.

આ ઘટના ગઈ તા. 20 ફેબ્રુઆરીની રાત્રિની છે. અહીં ચોકબજાર વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી ગૂમ થઈ હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસને મળી હતી. બાળકી ગૂમ હોય પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બાળકીની ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. દરમિયાન પોલીસને બાળકી ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળી હતી. બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેણીની સાથે દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ તપાસમાં અજાણ્યો ઇસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. બાળકીને લઈ જતી વખતે નરાધમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે ફુટેજના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ (ઉ.વ.આ.29) મૂળ શિરસા કાનપુરના વતનીને ઝડપી લેવામાં આવ્યો હતો.

તપાસ કરતા એવી વિગતો બહાર આવી કે નરાધમ અંકિત છેલ્લા 10 વર્ષથી સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરે છે. ગઈકાલે તે પંડોળમાં ફરતો હતો. ત્યારે તેની નજર રમતી બાળકી પર પડી હતી. તેથી ચોકલેટની લાલચ આપી તે અપહરણ કરી બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે બાળકી રડતી છોડી ભાગી ગયો હતો.

આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે. સાથે જ કાયદાના જાણકારોની મદદ લઈને ઝડપથી આરોપીને આકરામાં આકરી સજા મળે તે પ્રકારની દિશામાં કામ કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે જણાવ્યું હતું.

Most Popular

To Top