નડિયાદ: નડિયાદ નગરપાલિકાએ પ્લાનિંગ કમિટિની બેઠકમાં 20 બાંધકામો તોડવા માટે નિર્ણય કર્યો છે. આ 20 પૈકી જે બાંધકામો ઈમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર થઈ શકે તેમ છે, તે બાંધકામોને નોટીસ આપી સમય આપવામાં આવનાર છે. જો કે, બાકીના દબાણો તોડવા માટે આખરી નિર્ણય લઈ લેવાયો છે. 20 પૈકી 2 ગેરકાયદેસર બાંધકામોને તો 4-4 વાર નોટીસો પાઠવી છે. નોટીસો આપ્યે વર્ષ અને 2 વર્ષનો સમય પૂર્ણ થવા છતાં હજુ તોડાયા ન હોવાનું ઉજાગર થયુ છે.
નડિયાદ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ ચેરમેન વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્લાનિંગ કમિટિની બેઠકમાં નગરપાલિકા ટાઉનપ્લાનિંગ એક્ટ અન્વયે નડિયાદ શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવેલા 20 જેટલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાનો નિર્ણય લેવાયો છે. આ 20 પૈકી 4 બાંધકામો જે ઈમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર થઈ શકે તેમ છે, તેમને નોટીસો આપી કાયદેસર કરવા માટે જણાવાશે. જ્યારે કેટલાક હજુ વિચારણા હેઠળ અને બાકીના તોડવા માટે ઠરાવ કરી દેવાયો છે. આ પૈકી 2 બાંધકામોને 4-4 વાર નોટીસ આપી દેવાઈ છે, જ્યારે 12 બાંધકામોને 3-3 વાર અને 6 બાંધકામોને 1 વાર નોટીસ પાઠવવામાં આવી છે. જો કે, મળતી વિગતો મુજબ આ ગેરકાયદેસર બાંધકામોને નોટીસ પાઠવ્યાને 1 વર્ષ ઉપરાંતનો સમય પૂર્ણ થઈ ચુક્યો છે. ત્યારે હજુ સુધી આ બાંધકામો તોડાયા નથી, ત્યારે ફરી એકવાર ઠરાવ કર્યા બાદ બાંધકામો તૂટશે કે માત્ર કાગળ પર જ કાર્યવાહી સિમિત રહેશે તે પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં છે.
1 નોટીસ અપાઈ હોય તેવા બાંધકામ મહેર સાગર સોસાયટી, કપડવંજ રોડના સી.ઓ.પી.માં આવેલ દુકાનોનું બાંધકામ જે અગાઉ નગરપાલિકા દ્વારા દૂર કરાયુ હતુ.
પાર્થ જનરલ સ્ટોર, ભાગ્યકૃપા સોસા. જુના ડુમરાલ રોડ, નડિયાદ
એ/9, જનકલ્યાણ સોસા. સિવિલ રોડ, નડિયાદ.
12, ચંદ્રલોક સોસાયટી, સિવિલ હોસ્પિટલ રોડ, નડિયાદ.
ટી.પી. સ્કીમ નં. 1, ફા.પ્લોટ નં. 347, મકાન નં. 17, સૌરભ સોસાયટીમાં પરવાનગી મેળવ્યા વગરનું બાંધકામ
ટી.પી. સ્કીમ નં. 2, ફા.પ્લોટ.નં. 342માં પરવાનગી કરતા વધારાનું બાંધકામ