Charchapatra

પ્રકૃતિ સાથે ખિલવાડ ન કરો

રવિવારીય પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમમાં દિનેશ પંચાલે પ્રકૃતિ જ ઇશ્વરનો આધારકાર્ડ એ સંદર્ભે વાત દોહરાવી. આ બાબતે વિશેષ લખવાનું કે કુદરત પ્રકૃતિ એવા માધ્યમ છે જેને કોઇ પહોંચી શકયું નથી. વિજ્ઞાન સંશોધને અનેક શોધ કરી, પરંતુ પ્રકૃતિ સુધી પહોંચી શકયા નથી. જેમકે હવા, પાણી એ પ્રકૃતિની રચના છે. કોઇ દર્દીને લોહીની જરૂર હોય તો કોઇ વ્યકિત પાસે જ લેવું પડે છે. કેમકે લોહી કોઇ ફેકટરીમાં બનતું નથી. કોઇ વ્યકિત જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય તેને એર પ્રુફ કાચની કેબીનમાં પુરી દો, છતાં જીવ કયાંથી ગયો તે શોધી શકાયું નથી.

સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. તે સનાતન સત્ય છે. તેને પુરવાર કરવું ન પડે. આજે રેતી અને માટીખનનનો બેનંબરી ગેરકાયદે વેપલો મોટા પાયે ધમધમે છે. લાખો ટન રેતી માટીનું વિરપ્પનોએ ખનન કર્યું. જેથી ધરતીનું બેલેન્સ ખોરવાતાં ધરતીકંપ (ભૂકંપ)ના આંચકા આવે છે. ઊંચા ઊંચા પર્વતો ડુંગરો તોડીને તેના પથ્થરોને કવોરીમાં ક્રસીંગ કરીને કપચી બનાવવામાં જે બાંધકામ ક્ષેત્રે વપરાય છે. જેથી ધરતીનું બેલેન્સ ખોરવાતું જાય છે. આથી પ્રકૃતિ સાથે ખિલવાડ ન કરો. પ્રકૃતિ સાથેની વિકૃતિ,  વિનાશ સર્જે છે.  પ્રકૃતિ એ કુદરતનું પ્રમાણ છે.
તરસાડા   – પ્રવીણસિંહ મહીડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મધ્યમવર્ગે માનસિકતા બદલવી જ પડશે
લગ્ન જેવાં સામાજિક પ્રસંગોને સ્ટેટ્સ બનાવી લોકો લખલૂટ ખર્ચાઓ કરે છે. કોઈને કહી ન શકાય કે આવા ભપકાદાર પ્રસંગો ન કરો! પણ મધ્યમ વર્ગના લોકોએ ખાસ વિચારવું જોઈએ. દેખાદેખી, આંધળા અનુકરણથી બચવું પડશે. આવાં પ્રસંગે સૌથી વધુ કચડાય છે મધ્યમવર્ગ. ક્ષમતા કરતાં વધુ ભપકો દેખાડવાની રેસમાં મિડલ કલાસ નિચોવાય જાય છે. જેમની પાસે અઢળક ધનસંપત્તિ છે તે ભલે દેખાડા કરે, પણ સામાન્ય લોકોએ માનસિકતા બદલવી જ પડશે! દેવું કરીને, એક જ સંતાન છે, પહેલો જ પ્રસંગ છે, લોકો શું કહેશે?જેવી વિચારશરણીમાંથી મક્કમતાથી બહાર આવવું પડશે.

નવો ચીલો ચાતરવો પડશે. ધનવાનો, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઝની વેડીંગ ઈવેન્ટ જોઈને યુવક-યુવતીઓ પણ ભપકાદાર લગ્નના રવાડે ચઢે તો તે પરિવાર માટે જોખમી બની શકે છે!કેટલાક શિક્ષિત,મધ્યમ વર્ગના સંતાનો આંજી નાંખે તેવા લગ્ન માટે પેરન્ટ્સ ને મજબૂર કરે છે. લગ્ન એકવાર કરવાનાં છે, ના નથી,પણ સાદગીપૂર્વક, બિનજરૂરી ખર્ચાઓ ટાળીને, ભવિષ્ય માટે યુવાનોએ વિચારવું જરૂરી છે.દેખાદેખી ખર્ચાઓ ટાળીને સાદગીથી લગ્નની હિમાયત લગ્નોત્સુક યુવક-યુવતીઓ એ કરવી જ પડશે. સામાજિક જ્ઞાતિ મંડળો પણ ચોક્કસ બંધારણ બનાવી ફરજિયાત અમલીકરણ માટે ઝૂંબેશ ચલાવે તો કશું અશકય નથી!બાકી જેમણે કેટરીંગ, મંડપ, વાડી, પાર્ટી પ્લોટ, બેન્ડ,બગી,પાર્લર,મોંધા કપડાં, ફટાકડા,ઘરેણાંની ઉઘાડી લૂંટમાં લૂંટાવાના રવાડે ચઢવું જ છે તેને કોણ રોકી શકે?!
સુરત     – અરૂણ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top