સુરતઃ (Surat) સોલારનો વ્યવસાય કરતાં મુંબઈના વેપારીને (Businessmen of Mumbai) મોટો ઓર્ડર આપવાના બહાને સુરત બોલાવી રેલવે સ્ટેશનથી ઓટો-રિક્ષામાં અપહરણ (Kidnapping) કરી ગ્રામ્ય જેવાં સુમસામ વિસ્તારમાં લઈ જઈ મકાનમાં ગોંધી રાખ્યો હતો. વેપારીને માર મારી તેના ખાતામાંથી ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી બાદમાં રેલ્વે સ્ટેશન પાસે ઉતારી ભાગી ગયાં હતાં. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- મુંબઈના વેપારીનું સુરત રેલ્વે સ્ટેશનથી અપહરણ કરી ૯૦ હજારની લૂંટ
- બે માણસો રિક્ષામાં બેસાડી માર મારી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી પાછા સ્ટેશન ઉતારી નાસી છૂટ્યા
- સોલાર પેનલનો મોટો ઓર્ડર આપવાનાં બહાને સુરત બોલાવ્યો હતો
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈના થાણે સ્થિત ડોંબિવલી મીલાપનગર માઉલી બંગ્લોઝ ખાતે રહેતાં ૬૦ વર્ષીય ચંદ્રકાંત મધુસુદન દાતાર ડોંબિવલીમાં ગ્લોબલ રીચ એન્જિનિયરિંગ નામની મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. છ મહિના પહેલાં તેમના ઉપર તેની કંપનીના સિનિયર અશોક ચિત્રનાઓને એલ.એન્ડ.ટી (પવઈ મુંબઈ)ના કોઈ વ્યકિતના રેફરન્સથી સુરતના ચૌધરીને સોલાર પેલનમાં વપરાતાં પાર્ટનો ૨ હજારનો ઓર્ડર અંગે વાતચીત કરી હતી. જોકે અશોકભાઈનું અવસાન થયાં બાદ છેલ્લા એક મહિનાથી ચૌધરી નામના વ્યક્તિએ ચંદ્રકાંતને ફોન કરી પાર્ટના ઓર્ડર અંગે ડીલ અંગે ચર્ચા કરી હતી. અને સાત દિવસમાં કોટેશન લઈને સુરતમાં કડોદરા ખાતે આવેલી તેની સોલેરીયમ કંપની ખાતે બોલાવ્યો હતો. તથા સુરત રેલવે સ્ટેશન આવો તો કોલ કરજો તેના માણસો તેને પીકઅપ માટે આવી જશે તેમ કહ્યું હતું.
કંપનીનો મોટો ઓર્ડર મળતો હોવાથી ચંદ્રકાંતભાઈ ગત ૨૪મીના રોજ સાંજે મુંબઈથી ટ્રેનમાં બેસી સુરત આવ્યાં હતાં. સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ તેઓએ ફોન કરતાં ઓર્ડર આપનાર ચૌધરી નામના વ્યક્તિએ તેના બે માણસો પીકઅપ કરવા મોકલી આપ્યાં હતાં. તેઓ હોટલમાં જમ્યા બાદ તેઓની સાથે એક ઓટો રિક્ષામાં બેસી ગયાં હતાં. તેમને તેઓ ગામડા વિસ્તારના મકાનમાં લઈ ગયાં હતાં. ત્યાં આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ મોઢા, આંખ અને હાથ પગ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મારમારી પેટીએમમાંથી રૂપિયા ૯૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં હતાં. ચંદ્રકાંતને લૂંટી લીધા બાદ બીજા દિવસે સુરત રેલ્વે સ્ટેશન ખાતે ઉતારી નાસી ગયાં હતાં. પોલીસે ચંદ્રકાંતની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લુંટારઓએ બળજબરી દારૂ પણ પીવડાવ્યો
સોલાર પેનલના પાર્ટનો ઓર્ડરના બહાને સુરત બોલાવી લૂંટી લેનાર ટોળકીએ વૃદ્ધ વેપારીને જબરજસ્તીથી દારૂ પણ પીવડાવ્યો હતો. રો હાઉસના રૂમમાં આંખમાં મરચાની ભુકી નાંખી હતી. તેમજ હાથ પગ બાંધી દીધાં હતાં. અપહરણકારોએ તેમનું મોઢુ પકડી જબરદસ્તીથી અડધી બોટલ આલ્કોહોલ પીવડાવી દીધો હતો.