નવી દિલ્હી: આજે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) માત્ર બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) નથી પરંતુ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ભારતથી લઈને આંતરરાષ્ટ્રીય સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકાએ જ્યારે મિસ વર્લ્ડ 2000નો (Miss World 2000 Controversy) ખિતાબ જીત્યો ત્યારે આખી દુનિયામાં તે ફેમસ થઈ ગઈ હતી. પ્રિયંકાએ વિશ્વની સૌથી જૂની સૌંદર્ય સ્પર્ધા જીતીને પોતાની ઓળખ બનાવી હતી અને અહીંથી તેના માટે ફિલ્મોના દરવાજા ખુલ્યા હતા. પરંતુ હવે પ્રિયંકાની જીત પર મોટો સવાલ ઉઠી રહ્યો છે અને તેનું કારણ પૂર્વ મિસ બાર્બાડોસ લીલાની મેકકોનીનો (Leilani McConney) આરોપ. પ્રિયંકા સાથે મિસ વર્લ્ડ 2000ની રેસમાં રહેલી લીલાની હવે યુટ્યુબર છે. તેના એક વીડિયોમાં તેણે 2000ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં પ્રિયંકાની જીતને ‘ફિક્સ’ ગણાવી છે અને ગંભીર આરોપો લગાવ્યા છે.
લીલાનીએ 22 વર્ષ પછી કેમ લગાવ્યા આરોપ?
મિસ યુએસએ (Miss USA) બ્યુટી પેજન્ટ આજકાલ સ્પર્ધકની જીતને લઈને ઘણા વિવાદોમાં છે. મિસ ટેક્સાસ આર’બોની ગેબ્રિયલ (R’Bonny Gabriel) એ મિસ યુએસએ 2022 નો ખિતાબ જીત્યો ત્યાર બાદ તેણીના ઘણા સાથી સ્પર્ધકો તેણીને અભિનંદન આપવાને બદલે સ્ટેજ પરથી ઉતરી ગયા હતા. મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે અને મિસ યુએસએ પ્રેસિડેન્ટ ક્રિસ્ટલ સ્ટુઅર્ટને સસ્પેન્ડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વિવાદે જોર પકડ્યું છે અને લોકો સૌંદર્ય સ્પર્ધાઓ ‘ફિક્સ’ હોવાની ચર્ચા કરવા લાગ્યા છે. આ દરમિયાન પૂર્વ મિસ બાર્બાડોસ લીલાનીએ આરોપ લગાવ્યો છે કે મિસ વર્લ્ડ 2000માં ભાગ લેનાર મિસ ઈન્ડિયા પ્રિયંકા ચોપરાની તરફેણ કરવામાં આવી રહી હતી અને તેની જીત પહેલાથી નક્કી હતી.
ભારતીય સ્પોન્સરે જીતવાનું નક્કી કર્યું હતું!
લીલાનીએ પ્રિયંકાની જીત પર આરોપ લગાવતા કહ્યું, ‘હું તમને યાદ કરાવી દઉં કે, ગયા વર્ષે પણ મિસ ઈન્ડિયા જીતી હતી. સ્પોન્સર પણ ઝી ટીવી હતું જે એક ભારતીય ચેનલ છે. ઝી ટીવીએ આખી મિસ વર્લ્ડ સ્પોન્સર કરી હતી. કપડાં પર પહેલાં ઝી ટીવી અને ત્યાર બાદ સ્પર્ધકના દેશનું નામ લખવામાં આવ્યું હતું.’
લીલાનીએ પ્રિયંકા સાથેના પક્ષપાત વિશે કહ્યું કે તેણે સ્વિમસૂટ રાઉન્ડમાં ડ્રેસ પહેર્યો હતો. લીલાનીએ કહ્યું, ‘પ્રિયંકા ચોપરા એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ પહેરવાની છૂટ હતી. તે સમયે પ્રિયંકાનો સ્કીન ટોન ઠીક નહોતો, જે સારો કરવા માટે પ્રિયંકા ક્રીમ લગાડી રહી હતી. તેથી તેને સરોગ પહેરવાની છૂટ અપાઈ હતી. જે સ્પર્ધાના નિયમો મુજબ બરાબર નહોતું.
લીલાનીના જણાવ્યા અનુસાર, બાકીના બધાને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાની ક્રીમ કામ કરી રહી નથી તેથી તે સરોંગને હટાવવા માંગતી નથી. તેથી જ જ્યારે સ્વિમસ્યુટ રાઉન્ડનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેણી લગભગ ફૂલ ડ્રેસમાં હતી. તેણે આગળ કહ્યું, ‘જો તમે સ્પર્ધામાં હોવ અને કોઈ તમારી તરફેણ કરી રહ્યું હોય, તો તમે તેના વિશે શું કરી શકો? તમે તેની સાથે કેમ નથી જતા, તમે પણ જીતવા આવ્યા છો.’
લીલાનીને પ્રિયંકા પસંદ ન હતી
વિડિયોમાં એમ પણ કહ્યું હતું કે તે સ્પર્ધામાં પ્રિયંકાને કોઈ પસંદ કરતું ન હતું. લીલાનીએ એમ પણ કહ્યું કે પ્રિયંકાની વર્તણૂંકમાં આયોજકનો પક્ષપાત દેખાતો હતો. હદ તો એ હતી કે જ્યારે બાકીની છોકરીઓ એક જગ્યાએ જમવા આવતી ત્યારે પ્રિયંકાને તેનું ભોજન તેના બેડરૂમમાં મોકલાતું હતું.