Charchapatra

ધરમપુરમાં ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે. ધરમપુર તાલુકો વલસાડ જિલ્લાનો ગીચ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. વલસાડ જિલ્લા મત વિસ્તાર ધરાવતી ધારાસભ્યોની સીટ આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલે કેપ્ચર કરવાની ખ્વાઇશ રાખે છે. થોડા દિવસ અગાઉ જ વનરાજ કોલેજ બામટીના મેદાનમાં જંગી માનવ મેદનીવાળી જાહેર સભા યોજાઇ ગઇ. પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના કેજરીવાલ સભા ગજવી ગયા. અનેક પ્રલોભનકારી ઠાલાં વચનો અપાયાં. જો કે એમનો પ્રચાર પ્રસાર ઓછો હોવા છતાં અંદાજે કહેવાય છે કે એક લાખથી યે વધુ માનવમહેરામણ ઉમટયો હતો. ભાજપ સરકારનું શાસન હોવા છતાં મતદારોને રીઝવવાના જોરદાર પ્રયાસો થઇ રહ્યા છે.

કરમની કહાણી કંઇ અલગ છે. પ્રજા અનેક સગવડ-અગવડોમાં જીવન જીવી રહી છે. ખરાબ રોડ, રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. કોઇ કોઇનું સાંભળવા તૈયાર નથી. પરંતુ પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીના આગમનથી રસ્તાઓ કંઇક અંશે રીપેર થઇ શકયા, બલિહારી આવનાર ચૂંટણીની છે. જોરદાર હલચલ શરૂ થતાં જ નેતાઓ પ્રચાર કરવા કટિબધ્ધ છે. એક તરફ લોનમેળાની શરૂઆત થઇ ચૂકી છે.ગુજરાત તરફ પાછળ ફરીને નજર નહિ કરનારા અચાનક તેમના હૃદયમાં ગુજરાતનું હિત ઉભરાઈ રહ્યું છે. જો કે ગરવી ગુજરાતની શાંતિ, સમૃધ્ધિ, વિકાસ, પ્રગતિ અને સંસ્કૃતિની ભાતીગળ જાહોજલાલી સદાયે આકર્ષતી રહી છે. ચૂંટણીનો સળવળાટ શરૂ થઇ ગયો છે ત્યારે 13.10.22ના રોજ માલનપાડા મુકામે ભગવાન બીરસા મુડા આદિવાસી ગૌરવ યાત્રા આવી ગઇ.

સ્વાગત અને સારો આવકાર મળ્યો. પ્રતિનિધિત્વ કરતાં દિલ્હી સરકારમાં અર્જુન મુડાએ માર્ગદર્શન આપ્યું. સરકારની વિવિધ યોજનાઓનો ખ્યાલ આપ્યો. જો કે ભાજપની સફળતાને શિરમોર બનાવનારા ગુજરાતના પનોતા પુત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ ગણાવી શકાય અને એમની કુનેહનો જાદુ મસમોટા ખેરખાંઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. હજીયે એમના નેતૃત્વનો જાદુ ઓસર્યો નથી. કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાની ચેલેન્જ કરી છે પરંતુ વિચારવાનું એ રહ્યું મતદારો કોણ કયાં છે? સત્તાવીસ વરસનું શાસન ગુજરાત અને દિલ્હી કેન્દ્ર સરકારનું શાસન પ્રજાએ જોઇ લીધું છે. હવે પણ પુન: જોશે એમાં બે મત નથી. પરમાત્મા બધાને સદ્‌બુધ્ધિ આપે.
ધરમપુર – રાયસીંગ ડી. વળવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તહેવારોનો અતિરેક
છેલ્લા કેટલાક દિવસથી હું મુંબઇના એક પરામાં છું. મેં જોયું કે અહીં તો દિવાળી, બેસતા વર્ષના દિવસે પણ દુકાનો ખુલ્લી હતી. જયારે સુરતમાં લાભ પાંચમ સુધી દુકાનો બંધ રહે છે. ઉપરવાળાએ પૈસાનો વેડફાટ કરવાનો ઇજારો સુરતને જ આપ્યો છે! સુરતમાં મોજમજા કરી લેવાનું એક ગાંડપણ વર્ષોથી ચાલતું આવે છે. મુખ્ય તહેવાર પૂરો થાય પછી બીજા દિવસે વાસી તહેવાર ઉજવાય! આમાં લોકોની રોજીરોટી અટવાઇ જાય છે. પાંચ દિવસ સુધી જડબેસલાક બંધ, ઉત્પાદન, પૈસાની હેરાફેરી બંધ, મોટા ભાગના કારવાળા તો બહાર નીકળી ગયા હોય છે, જેમના પર ઘણાં રોજીરોટી માટે આધારિત હોય છે. પાછાં આવીને એ મોંઘવારી વધારવાના છે.

હીરાવાળાઓનું વેકેશન તો વળી 20મીથી શરૂ થઇ ગયું. તે એકાદ મહિનો તો ચાલશે. અર્ધો પગાર મળશે. પરંતુ સૌરાષ્ટ્રનાં ગામોએ પહોંચવા મોંઘા ભાવની બસ ટિકિટો વિગેરે ખર્ચાય. આમાં મોંઘવારીના સમયમાં તમારી જે બચત હોય એ પણ ઘસડાઇ જાય અને ઉપરવાળાને ભરોસે જીવન ચલાવવું પડે એવી હાલત થાય છે. માટે પૈસાની કિંમત સમજો. તહેવારો આવે છે, જાય છે, પરંતુ તમારા પૈસા જે જાય છે તે હંમેશ માટે જાય છે. માટે તહેવારો ઉજવવા આંખ મીંચીને ખર્ચ કરવો જરૂરી નથી. આજના કપરા સમયમાં ઘરવાળી પાસે ખાનગીમાં બચતો રહેવા દેવી જરૂરી છે. નહીં તો મુશ્કેલીના સમયમાં બીજાઓ સામે હાથ લાંબો કરવો મરવા બરાબર થઇ પડે છે. માટે હે સુરતવાસીઓ, તહેવારોની ઉજવણીમાં વિવેક રાખો, બચત કરો નહીં તો તમે અને કુટુંબીઓ અટવાઇ જશો.
સુરત- ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top