Columns

ભાજપ તમામ ૨૬ બેઠકો જીતીને ગુજરાતમાં હેટ-ટ્રિક નોંધાવી શકશે?

૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે સતત ત્રીજી વાર આ સિદ્ધિ હાંસલ કરીને ભાજપ હૅટ-ટ્રિક કરે છે કે નહીં એના પર દેશ આખાની નજર છે. સુરતની બેઠક તો બિનહરીફ મળી ગઈ છે અને હવે બાકીની પચીસ જીતવાની છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી કે દેશના વડા પ્રધાન ન હતા ત્યારે પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપ હંમેશા કોંગ્રેસ પર વિજયી રહી છે. ૧૯૮૯ થી દરેક લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતી છે. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે પણ ભાજપે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો જીતી હતી. ૨૦૧૯માં ભાજપનાં ઉમેદવારોએ ૨૬માંથી ૧૮ બેઠકો તો ૨.૫ લાખથી વધુ મતોના માર્જિન સાથે જીતી હતી.

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ બાદ કોંગ્રેસને આશા છે કે તેને KHAM થિયરીનો ફાયદો થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમુદાયને જોડીને KHAM ફોર્મ્યુલા તૈયાર કરી હતી. આ કારણે કોંગ્રેસે ભાજપને લાંબા સમય સુધી સત્તાથી દૂર રાખ્યો હતો. રૂપાલાના નિવેદન બાદ કોંગ્રેસને આશા છે કે ક્ષત્રિય મતદારો તેની તરફ આવશે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરી વિસ્તારમાં ભાજપની કમિટેડ વોટબૅન્ક છે તો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા અને આણંદ લોકસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ ખરું, પણ આ બેઠકો પર ક્યાંક ક્ષત્રિય આંદોલનની અસર તો ક્યાંક કૉન્ગ્રેસના મજબૂત ઉમેદવાર બરાબરની ટક્કર આપે એવું જણાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની અડધોઅડધ લોકસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વિસ્તાર પ્રમાણે પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, અધર બૅકવર્ડ ક્લાસ સમાજ અને મુસ્લિમ સમાજનું વર્ચસ પણ છે.

ઉત્તર ગુજરાત એટલે ભાજપનો ગઢ. આમ તો આખું ગુજરાત ભાજપનો ગઢ છે એ દુનિયા જાણે છે, પરંતુ આ તો વડનગરમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિસ્તાર. ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે પાટીદાર, ચૌધરી, રબારી, ઠાકોર, ક્ષત્રિય, અધર બૅકવર્ડ ક્લાસ (OBC), આદિવાસી અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ વિસ્તાર મુજબ છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ઉત્તર ગુજરાતની પાંચ લોકસભાની બેઠકો સહેલાઈથી જીતવી મુશ્કેલ જણાઈ રહી છે.

ગાંધીનગર અને મહેસાણા ભાજપનો ગઢ છે  પણ કૉન્ગ્રેસે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ટક્કર ઝીલી શકે એવા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતની લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે. સાબરકાંઠા બેઠક પર પક્ષના અસંતુષ્ટો તેમ જ ક્ષત્રિયોનું ફૅક્ટર અસર કરી શકે છે એવું કહેવાઈ રહ્યું છે. જો મોંઘવારી અને બેરોજગારીનું ફૅક્ટર અસર ન કરે તો ઉત્તર ગુજરાતમાં ‘જય શ્રી રામ ફૅક્ટર’ ફરી વળશે.

આમ તો સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહેલું છે, પરંતુ ક્ષત્રિયોના આંદોલન બાદ હવે અહીં કશ્મકશભર્યો ચૂંટણીજંગ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. સૌની સૌથી પહેલી નજર રાજકોટ બેઠક પર રહેશે કે ક્ષત્રિય આંદોલનની અસર અહીં  કેટલી થશે અને એ જાણવાનો સૌને ઇન્તેજાર છે. સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર આ વખતે રાજપૂત સમાજની નારાજગી પણ મહત્ત્વનું ફૅક્ટર છે.

આ બધું જોતાં સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર આ વખતની ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે આસાન રાહ જણાતી નથી. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામસાહેબના હાથે પાઘડી પહેરીને ભાજપની ‘પાઘડી’ સાચવવાના પ્રયાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતની ગુજરાતની તમામ લોકસભાની બેઠકો માટે માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું અત્યારે લાગી રહ્યું છે.

છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં બેશક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દક્ષિણ ગુજરાતની તમામ પાંચ લોકસભાની બેઠક પર વિજય મેળવ્યો છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ અને વલસાડ લોકસભાની ચૂંટણી પર કશ્મકશભર્યો ચૂંટણીજંગ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. જબરદસ્ત રોમાંચક ચૂંટણીજંગ ખેલાશે એવું જણાઈ રહ્યું છે. ભાજપ હોય કે કૉન્ગ્રેસ, સૌની નજર આ બે બેઠક પર મંડાયેલી છે. શું થશે? કોણ જીતશે? 

બીજી બાજુ ભાજપે તો ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન થાય એ પહેલાં જ ભારતમાં સૌથી પહેલી સુરત લોકસભાની બેઠક વગર મહેનતે બિનહરીફ જીતી લઈને ખાતું ખોલાવ્યું છે. એટલું જ નહીં, નવસારી લોકસભા બેઠક પરથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સતત ત્રણ ટર્મથી માત્ર જીતી રહ્યા છે એટલું પૂરતું નથી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમની જીતમાં જે લીડ મળે છે એમાં સતત વધારો થતો ગયો છે. રહી વાત બારડોલી લોકસભા બેઠકની, તો આ બેઠક પર પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે એ સમજવું મુશ્કેલ છે, કારણ કે મતદારો જાહેરમાં ખાસ કંઈ બોલવા તૈયાર નથી.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં તેમની ચૂંટણી રેલીમાં જનતાને બંધારણની નકલ બતાવતાં કહ્યું હતું કે ભાજપ બંધારણ બદલવા માંગે છે. કોંગ્રેસે કહ્યું છે કે જો ભાજપ ૪૦૦ સીટો જીતશે તો બંધારણે આપેલી અનામત પણ ખતમ થઈ જશે. કોંગ્રેસની KHAM થિયરીમાં આદિવાસી અને હરિજન મતદારો પણ સામેલ છે. ભાજપે જવાબ આપતાં કહ્યું છે કે કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી મુસ્લિમોને આપશે.

ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન ઉપરાંત અનેક મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ વર્ષે માર્ચમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં કોંગ્રેસનો સૌથી મોટો OBC ચહેરો હતો અને લાંબા સમયથી રાજ્યમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલન માટે પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલ અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા. સવાલ એ છે કે શું કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓમાં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવશે અને લોકસભામાં પોતાનું ખાતું ખોલાવી શકશે?

ગુજરાત લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૭ મેના રોજ ૨૫ બેઠકો પર મતદાન યોજાઈ ગયું છે. છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે. તમામે તમામ ૨૬ બેઠકો ભાજપે જીતી કોંગ્રેસનો છેદ ઉડાડ્યો છે. ચૂંટણી ૨૦૨૪ માં ભરુચ અને ભાવનગર બે બેઠકો જે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યું છે એ બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, જેમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ખરાખરીનો જંગ છે.

બનાસકાંઠા બેઠક પર ભાજપનાં રેખાબેન ચૌધરી અને કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર વચચે રસાકસી છે તો રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા ને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ટક્કર આપી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા ચૂંટણી જંગમાં છે. જો ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતી જશે તો વડા પ્રધાન મોદીનો જયજયકાર થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top