ભરૂચ: વાલિયાના (Valiya) રૂંધા ગામના બસ સ્ટેન્ડ (Bus Station) પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી ચાલુ બાઈકે બે ઈસમે યુવતી અને તેના ભાઈ-માતાને માર મારતાં (Beating) નીચે પટકાતાં તેમને ઈજા પહોંચી હતી.
વાલિયા તાલુકાના પથ્થરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતી ૨૬ વર્ષીય હિરલ સુંદર વસાવા ગત તા.૨૯મી મેના રોજ ઝંખવાવ ખાતે મામાના દીકરાનાં લગ્નમાં પોતાના ભાઈ દેવેન્દ્ર વસાવા અને માતા ઇન્દીરા વસાવા સાથે પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા ગામના બસ સ્ટેન્ડ પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી પાછળથી ધસી આવેલા વસંત હરિલાલ વસાવા અને મુકેશ નામના ઇસમે ચાલુ બાઈકે ઇન્દિરાબેનને લાકડીનો સપાટો મારતાં માતા-પુત્રી બાઈક પરથી નીચે પડી થયા હતા.
જેના પગલે ભાઈએ ગાડી ઊભી રાખતાં વસંત હરિલાલ વસાવા અને મુકેશે તેની સાથે ઝપાઝપી કરી હતી. આથી બહેન હિરલે બૂમરાણ મચાવતાં લોકો દોડી આવ્યા હતા. જેથી બંને હુમલાખોર ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાને પગલે ઈજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે હિરલ વસાવાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કામરેજમાં મહિલા બુટલેગર અને તેની પુત્રીનો પૈસા બાબતે મહિલાના ઘર પર પથ્થરમારો
કામરેજ: કામરેજ ચાર રસ્તા પાસે ભૈરવ કોલોનીમાં રહેતી મહિલા બુટલેગર અને તેની પુત્રીએ મહિલાના ઘરે જઈ પૈસા બાબતે બોલાચાલી કરી ઘરના સભ્યોને થપ્પડ મારી ઘર પર છૂટા પથ્થરો માર્યા હતા.
- કામરેજ ચાર રસ્તા રહેતી મહિલાના ઘરે જઈને પરિવારના સભ્યોને થપ્પડ મારી અને ઘર પર પથ્થર ફેંક્યા
કામરેજ ચાર રસ્તા પાસે નેશ ફળિયામાં રહેતી જ્યોતિ ધીરજ પટેલ શેરડી કાપવાની મજૂરી કરે છે. જ્યોતિબેન બે મહિનાથી સુરતના ડિંડોલી ખાતે રહેતી માસી ઊર્મિલાબેનને ત્યાં પરિવારના સભ્યોમાં માતા નર્મદાબેન, ભાઈ રાજેશ, જયેશ અને પુત્ર સ્મીત સાથે રહેવા ગયાં હતાં. કામરેજ ભૈરવ કોલોની ખાતે રહેતી મહિલા બુટલેગર ઉષા વિરસીંગ પટેલને ઘરને તાળું મારવા માટે કહેતાં તાળું મારી દીધું હતું.
મંગળવારે સાંજે 6 કલાકે પોતાના મકાનનું તાળું તોડી ઘરમાં જતાં બુટલેગર ઉષા તેમજ મોટી પુત્રી પદ્માએ ઘરે આવી જ્યોતિબેનની માસી ઊર્મિલાબેન તેમજ મામાની પુત્રી મનિષાની સાથે ગાળાગાળી કરી અમારા પૈસા આપી દો તેવી જોરજોરથી બૂમો પાડી વાત કરતાં ઊર્મિલાબેને જણાવ્યું કે, તમે અમને થોડા પૈસા આપેલા છે? જેને આપ્યા હોય તેની પાસે માંગો. તેમ કહેતાં જ બુટલેગર ઉષાએ ઊર્મિલાબેનને ગાળો આપી થપ્પડ મારી ઝઘડો કરતાં વચ્ચે પડેલી જ્યોતિબેનની મામાની પુત્રીને મનીષાને પણ થપ્પડ મારી દીધી હતી. ઘરની બહાર જઈ બુટલેગર ઉષા અને તેની પુત્રી પદ્મા ઘર પર છૂટ્ટા પથ્થર મારવા લાગી હતી. જે અંગે કામરેજ પોલીસમથકમાં મહિલા બુટલેગર તેમજ તેની પુત્રી સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉષા સામે કામરેજ પોલીસમથકમાં પ્રોહિબિશનના ઘણા ગુના નોંધાયા છે.