Columns

જીવન એક શતરંજ

એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ નક્કી કરી રહ્યા હતા.નારદજી ત્યાં આવ્યા અને પૂછ્યું, ‘શું કરો છો.’ ચિત્રગુપ્તે કહ્યું, ‘બસ, કંઈ નહિ નારદજી, અમે શતરંજ રમી રહ્યા છીએ…’ નારદજીને નવાઈ લાગી કે, ‘અહીં નથી કોઈ શતરંજ બિછાવેલી…નથી કોઈ કાળાં-ધોળાં પ્યાદાં તો પછી આ બધા વિના શતરંજની રમત કઈ રીતે રમી શકાય?’ તેમણે કહ્યું, ‘શા માટે મારી જોડે મજાક કરો છો? અહીં કયાં શતરંજ બિછાવેલી છે કે કયાં કોઈ પ્યાદાં છે તો પછી કઈ રીતે શતરંજ રમી શકાય,તમે શું કરો છો તે તમારે મને ન કહેવું હોય તો ન કહો, પણ આમ ખોટું તો ન બોલો.ન કહેવું હોય તો તમારી મરજી. બાકી મને ખબર છે તમે શતરંજ તો નથી જ રમી રહ્યા….’ આટલું બોલી નારદજી થોડી રીસ સાથે ત્યાંથી જવા લાગ્યા. ચિત્રગુપ્ત અને વિધાતા હસ્યા અને પછી દોડીને નારદજીને અટકાવતા બોલ્યા, ‘દેવર્ષિ, આમ નારાજ ન થાવ.જરા શાંત થઇ બેસો.અમે ખોટું નથી બોલતા.શીતલ જલ પી ને મન શાંત કરો એટલે તમને સમજાવીએ કે અમે સાચે શતરંજ જ રમીએ છીએ.’

નારદજી બેઠા.વિધાતાએ કહ્યું, ‘દેવર્ષિ, તમને સમજાવું આ શતરંજની રમત. આ સૃષ્ટિ આખી શતરંજ છે અને સૃષ્ટિ પર રહેતાં બધાં જીવ પ્યાદાં છે.જીવ – મારી સાથે એટલે કે પોતાના વિધાતા સાથે સતત શતરંજ રમે છે.જીવ જે જે કર્મો કરે છે …જે જે ઈચ્છા કરે છે …જે જે પ્રયત્નો કરે છે …તે બધી તેની શતરંજની ચાલ છે અને જીવ જે જે ચાલ ચાલે છે, જીવનમાં આગળ વધે છે કે સારાં કર્મો કરે છે તે અહીં તેના ખાતામાં પુણ્ય તરીકે લખાય અને જે જે ભૂલો કરે છે..જીવનમાં ખરાબ કર્મો કરે છે તે પાપ કર્મો તરીકે લખાય છે. અને દરેક જીવની તેના જીવનની શતરંજની ચાલ જોઇને અમે સામે અમારી ચાલ ચાલીએ છીએ.અને અમારી ચાલ જ આ દરેક જીવના જીવનની શતરંજની દિશા અને પરિણામ નક્કી કરે છે.જીવ જે ચાલ ચાલે છે તે તેની ઈચ્છા અને પસંદ હોય છે અને અમે સામે જે ચાલ ચાલીએ છીએ તે અમારો ન્યાય અને જીવનનું પરિણામ હોય છે.જોયું દેવર્ષિ, હવે તમને સમજાયું કે અમે ખોટું બોલતા ન હતા.અમે શતરંજ જ રમી રહ્યા હતા.’ ચિત્રગુપ્ત અને વિધાતાએ નારદજીના મનનું સમાધાન કર્યું. જીવનની શતરંજમાં હંમેશા એવી ચાલ ચાલો કે સામે રમનાર વિધાતા સારું પરિણામ આપે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top