National

દેશ વિરુદ્ધ દુષ્પ્રચાર કરતી 8 યુટ્યુબ ચેનલો પર કેન્દ્રનો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) ફરી એકવાર યુટ્યુબ ચેનલો(YouTube Channel) પર સકંજો કસ્યો છે. કેન્દ્રએ 8 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે જે કથિત રીતે દુષ્પ્રચાર કરી રહી હતી. પ્રતિબંધિત 8 ચેનલોમાંથી સાત ભારતીય અને એક ચેનલ પાકિસ્તાની છે. કેન્દ્રએ તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષા(National Security)નો ઉલ્લેખ કર્યો છે. આ પ્રતિબંધો તે યુટ્યુબ ચેનલો પર લાદવામાં આવ્યા છે જે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા પર પ્રચાર કરી રહી હતી. આ નિયંત્રણો IT નિયમો-2021 હેઠળ લાદવામાં આવ્યા છે.

ચેનલોના હતા કરોડો વ્યુઝ
જે ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના 144 કરોડ વ્યુઝ અને 85.73 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે આ ચેનલો દ્વારા ખોટા ભારત વિરોધી સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આમાંથી કેટલીક યુટ્યુબ ચેનલો ભારતમાં ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક પ્રતિબંધિત યુટ્યુબ ચેનલો પર ખોટા દાવાઓ સાથેના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ યુટ્યુબ ચેનલો પર જાહેર કરાયેલ નિવેદન અનુસાર, “ભારત સરકાર ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ આપી શકે છે; ભારત સરકાર દેશમાં ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની છે; “ભારતમાં ધર્મયુદ્ધની શરૂઆત” જેવા શીર્ષકો સાથેની સામગ્રી અપલોડ કરવામાં આવી હતી.

આવી ચેનલો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
આ સિવાય પ્રતિબંધિત યુટ્યુબ ચેનલો ભારતીય સુરક્ષા દળો, જમ્મુ-કાશ્મીર વિશે પ્રચાર કરી રહી હતી. આ ચેનલો પર અપલોડ કરવામાં આવેલી સામગ્રી સંપૂર્ણપણે ખોટી અને સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યું હતું, જે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય દેશો સાથે ભારતના સંબંધોને જોખમમાં મૂકે છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યુટ્યુબ ચેનલોને આઈટી નિયમો-2000ની કલમ 69A હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી છે. આ યુટ્યુબ ચેનલો પર દર્શકોને ગેરમાર્ગે દોરવા નકલી અને સનસનાટીભર્યા થંબનેલ્સ, ન્યૂઝ એન્કરની નકલી તસવીરો, કેટલીક ટીવી સમાચાર સામગ્રી અપલોડ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 102 યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ
જારી કરાયેલા નિવેદનમાં મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ સાથે ડિસેમ્બર 2021થી 102 યુટ્યુબ આધારિત ન્યૂઝ-ચૅનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે 2021-22 દરમિયાન 78 યુટ્યુબ આધારિત ન્યૂઝ-ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે 560 YouTube લિંક્સ બ્લોક કરવામાં આવી હતી. કેન્દ્રીય IT મંત્રી અનુરાગ ઠાકુરે જુલાઈમાં લોકસભામાં જણાવ્યું હતું કે IT નિયમોની કલમ 69Aના ઉલ્લંઘનના આધારે ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Most Popular

To Top