Madhya Gujarat

મહેમદાવાદના 42 શિક્ષકે CCCના બોગસ સર્ટી બનાવ્યાં

નડિયાદ: રાજ્યમાં CCCનું મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે હવે આ કૌભાંડમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ ગોટાળા થયા હોવાનું સામે આવ્યુ છે. મહેમદાવાદ તાલુકામાંCCCના ખોટા પ્રમાણપત્ર મૂકી ઉચ્ચતર લાભ લીધાનો ખુલાસો ખુદ શિક્ષણ વિભાગે કરતા અચરજ વ્યાપી છે. આ અંગે હાલ પ્રા.શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. સમગ્ર મામલે મળતી વિગતો મુજબ રાજ્યભરમાં CCCના બોગસ પ્રમાણપત્ર રજૂ કરી ઉચ્ચતર લાભ મેળવાતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખેડા જિલ્લો તેમાં મોખરે હોવાનો ખુલાસો થયો છે.

જેના કારણે જિલ્લાના શિક્ષણ વિભાગમાં સોંપો પડી ગયો છે અને શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક શિક્ષકો દ્વારા ઉચ્ચતરના લાભ માટે બોગસ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે મહેમદાવાદ તાલુકાના સૌથી વધારે 111થી વધુ શિક્ષકોની સંડોવણીની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપેલી માહિતી મુજબ42થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી માટે ખેડા પ્રા. શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે.તો વળી, કેટલાય શિક્ષકો લાભ લીધા બાદ નિવૃત થઈ ગયા હોવાનું પણ અધિકારીએ જણાવ્યુ છે. તો બીજીતરફ મામલો લાઈમલાઈટમાં આવી જતા કૌભાંડમાં શામેલ કેટલાય શિક્ષકો દ્વારા ખોટા પ્રમાણપત્રને બદલે બીજું સર્ટી મૂકી બચવા પ્રયાસ કરવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે. ખેડા જિલ્લાનું શિક્ષણ વિભાગ અગાઉ ભરતી કૌભાંડને લઇ ખરડાયું છે. બાદમાં હવે ઉચ્ચતર પગાર ધોરણના લાભ માટે પણ બોગસ સર્ટીફિકેટ બનાવવાના કૌભાંડને લઇ ચકચાર મચી છે.

શું છે કૌભાંડ?
ખેડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત પ્રાથમિક શિક્ષકને નોકરીના 9, 20 31 વર્ષ પૂર્ણ થાય એટલે બઢતીની તકો સિમિત હોવાથી એમને 9 વર્ષ, 20 વર્ષ અને 31વર્ષનો લાભ આપવામાં આવતો હોય છે. આ લાભ લેવા માટે એમને હિન્દી વિનીત, CCC પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એ સરકારે નિયત કરેલી એજન્સીઓ એના સાચા પ્રમાણપત્રોના આધારે એમનો ઉચ્ચતર પગારધોરણ નક્કી કરવામાં આવતો હોય છે. અમને અનુભવે 9, 20, 31 વર્ષમાં અગાઉના વર્ષોમાં જે શિક્ષકોએ ઉચ્ચતર પગારધોરણનો લાભ લીધો છે જેમાં તેમને અમાન્ય એજન્સીઓના સર્ટી મુકી ઉચ્ચતર પગારધોરણનો લાભ લીધાનું જાણવા મળ્યુ છે.

આગળ શું થશે?
હાલ આ કૌભાંડની તપાસ ચાલી રહી છે. મહેમદાવાદ સિવાય અન્ય તાલુકાના શિક્ષકોની ખોટા પ્રમાણપત્ર અંગેની કોઈ સંડોવણીની ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ જે-તે તાલુકાના ટીપીઓને તપાસના આદેશ કરાયા છે. મહેમદાવાદમાં દોષિત 42 શિક્ષકો સામે નિયમો પ્રમાણેરિકવરી, ફોજદારી રાહે ઉપરાંત ગુણશિક્ષાના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં ભરાશે.

Most Popular

To Top