Madhya Gujarat

નડિયાદમાં હૃદય – કિડનીની બિમારીવાળા 42 બાળક મળ્યાં

નડિયાદ: નડિયાદ આરોગ્ય તંત્ર દ્વારા વર્ષ 2022માં 5 આરબીએસકે. ટીમ દ્વારા 1.29 લાખ બાળકોના આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર માટે મદદ કરવામાં આવી છે. નડીયાદ આરબીએસકે ટીમે ટીબી, કન્જેનિટલ હાર્ટ ડીસીઝ, કિડની, વિકાસલંબી વિલંબ અને ક્લબફુટ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોના ઘરની મુલાકાત, માતા-પિતાનું કાઉન્સેલિંગથી લઈને હોસ્પીટલમાં ઓપરેશન અને ત્યાર પછીના ફોલો-અપ સુધી તમામ સ્તરે મદદ કરી છે. 

નડિયાદ તાલુકાના 1.50 લાખ બાળકોમાંથી આરબીએસકે ટીમ દ્વારા વર્ષ 2022 દરમિયાન અંદાજીત 1.29 લાખ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં હ્રદયના 28, કિડનીના 14, કેન્સરના 1 સહિત કુલ 43 બાળકોને સુપર સ્પેશિયલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ખોડખાપણ વાળા 188, ખામી વાળા 9694 બાળકો, રોગવાળા 8446 બાળકો, વૃદ્ધિ  વિકાસલક્ષી  વિલંબ  વાળા 525 બાળકો અને સંદર્ભ સેવા હેઠળ 1800 બાળકોની તપાસ કરી સારવાર કરવામાં મદદ કરવામાં આવી હતી. 

આ ઉપરાંત કુપોષિત 824 બાળકો પૈકી 300 બાળકોને વિનામૂલ્યે બાલ સંજીવની કેન્દ્ર અને બાલ સેવા  કેન્દ્ર ખાતે સંસ્થાકીય સારવાર આપવામાં આવી હતી. જેના પરીણામે બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો  થયેલ છે. બાલ સંજીવની કેન્દ્ર ખાતે બાળકોને 14 દિવસ સુધી રાખવામાં આવે છે અને તેને પોષણલક્ષી આહાર આપવામાં આવે છે. બાળક સાથે રહેનાર વાલીને પ્રતિદિન રૂ.100 લેખે 14 દિવસના રૂ.1400 આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકને બાલ સંજીવની કેન્દ્ર સુધી લેવા મૂકવા માટે આરબીએસકે વ્હિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છેે.

Most Popular

To Top