Vadodara

બાપ’ સામે ‘બેટો’ બન્યો કસાઈ, ગાડી અને પૈસા માટે પૂજારી પિતાને ચપ્પુના ઘા ઝીંક્યા

ખોડિયાર નગરમાં કળયુગી પુત્રનો આતંક, પિતાને લોહીલુહાણ કરી એસ.એસ.જી. હોસ્પિટલ ભેગા કર્યા

સિદ્ધેશ્વર હાર્મનીમાં પિતા-પુત્રના સંબંધોમાં મિલકત અને મોજશોખની લાગી આગ, 55 વર્ષીય પૂજારી પિતા પર જીવલેણ હુમલો

(પ્રતિનિધિ), વડોદરા. તા.6

વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા એક કળયુગી પુત્રએ સામાન્ય લાલચમાં આવી પોતાના જ જન્મદાતા પિતા પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગાડી અને પૈસાની માંગણી પૂરી ન થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને ચપ્પુના ઉપરા-છાપરી ઘા મારી ઇજાઓ પહોંચાડી છે.

મળતી વિગત મુજબ, ખોડિયાર નગર સ્થિત ‘સિદ્ધેશ્વર હાર્મની’ ના મકાન નંબર C-102 માં રહેતા 55 વર્ષીય જયંતીલાલ મણીલાલ નાગર વ્યવસાયે પૂજારી છે. ગત રાત્રિના રોજ તેઓ પોતાની પૂજા-પાઠની વિધિ પતાવીને ઘરે પરત ફર્યા હતા. પિતા ઘરે આવતાની સાથે જ પુત્ર હાર્દિકે તેમની પાસે પૈસા અને ગાડીની માંગણી કરી હતી.

પિતા જયંતીલાલે પુત્રની આ જીદ સામે અસમર્થતા દર્શાવી પૈસા આપવાની ના પાડતા હાર્દિક આવેશમાં આવી ગયો હતો. લોહીના સંબંધની મર્યાદા ભૂલી હાર્દિકે ઘરમાં રહેલું ચપ્પુ ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. હાર્દિકે એક પછી એક ચપ્પુના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું, જેમાં જયંતીલાલને પીઠના જમણા ભાગે, ખભા પર અને ગરદન જેવા નાજુક અંગો પર ઇજાઓ પહોંચી હતી.

લોહીલુહાણ હાલતમાં પિતાની ચીસાચીસ સાંભળી પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને હુમલાખોર પુત્રથી પિતાને બચાવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત જયંતીલાલને તાકીદે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પૈસા અને ભૌતિક સુખની લાલસામાં આજે માનવી એટલો આંધળો બની ગયો છે કે તે પોતાના પિતા પર હાથ ઉપાડતા પણ ખચકાતો નથી. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top