SURAT

સુરત શહેર હવે બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત

સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરને હવે વધુ સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે વિશાળ સુરક્ષા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ₹133 કરોડના ખર્ચે આધુનિક CCTV અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.

પોલીસ કમિશનર ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સંકલનથી શહેરમાં ₹133 કરોડનો સુરક્ષા પ્રોજેક્ટ: શહેરમાં વધુ 1400 CCTV કેમેરા,100 નવા ટ્રાફિક સિગ્નલ, AI ટેક્નોલોજીથી સજ્જ સુરક્ષા નેટવર્ક ઉભા કરાશે


શહેરમાં CCTV કેમેરાનો વિશાળ વિસ્તાર
હાલ સુરત શહેરમાં પોલીસ વિભાગના 879 કેમેરા, “વિસ્મ” પ્રોજેક્ટના 1211 કેમેરા અને મહાનગરપાલિકાના 1480 કેમેરા મળી કુલ 3570 CCTV કેમેરા કાર્યરત છે. હવે નવા 1400થી વધુ કેમેરા ઉમેરાતા શહેરમાં કુલ કેમેરાની સંખ્યા લગભગ 4970 સુધી પહોંચશે.આ તમામ કેમેરા AI આધારિત સિસ્ટમ સાથે જોડાશે, જેના કારણે ગુનાખોરી પર ઝડપી નિયંત્રણ, ટ્રાફિક મોનિટરિંગ અને શંકાસ્પદ હલચલ પર તરત કાર્યવાહી શક્ય બનશે.

100 નવા ટ્રાફિક સિગ્નલ પણ લાગશે
વધતા ટ્રાફિક અને નવા વિકસતા વિસ્તારોને ધ્યાનમાં રાખીને શહેરમાં 100 નવા ટ્રાફિક સિગ્નલ પણ સ્થાપિત કરવામાં આવશે. આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે વાહન વ્યવહારને વધુ સુગમ અને નિયંત્રિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

AI ટેક્નોલોજીથી ગુનેગારો પર કડક નજર
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ હવે Artificial Intelligence (AI) ટેક્નોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ કરશે. AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ગુનેગારોની ઓળખ, શંકાસ્પદ ગતિવિધિઓનું ટ્રેકિંગ અને ટ્રાફિક ઉલ્લંઘનો પર ઝડપી કાર્યવાહી શક્ય બનશે.

રેલવે સ્ટેશનો પણ CCTV નેટવર્ક સાથે જોડાશે
ગુનેગારો રેલવે માર્ગનો ઉપયોગ કરીને શહેરમાં પ્રવેશ અથવા ફરાર ન થઈ શકે તે માટે સુરત રેલવે સ્ટેશન સહિત ઉધના, ગોઠાણ, કીમ, કોસંબા, સચિન અને સાયણ જેવા રેલવે સ્ટેશનોને પણ CCTV નેટવર્ક સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે ભારતીય રેલવે સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે અને પશ્ચિમ રેલવેના ડીઆરએમ તેમજ અધિકારીઓ સાથે ચર્ચા પણ થઈ ચૂકી છે.

“વિઝન 2047” અંતર્ગત સ્માર્ટ સુરક્ષા મોડેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિઝન 2047”ને ધ્યાનમાં રાખીને સુરત શહેરને દેશના સૌથી આધુનિક અને સુરક્ષિત શહેરોમાં સ્થાન અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. “પોલીસ અને જન” વચ્ચે વધુ વિશ્વાસ અને ઝડપી સુરક્ષા પ્રતિક્રિયા માટે આ સમગ્ર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે.

સુરત બનશે દેશનું મોડેલ સ્માર્ટ સિટી
ટ્રાફિક મેનેજમેન્ટ, ડિજિટલ સર્વેલન્સ અને AI આધારિત સુરક્ષા સિસ્ટમને કારણે સુરત શહેર દેશના અન્ય શહેરો માટે પણ એક મોડેલ તરીકે ઉભરી શકે છે. શહેરના દરેક મહત્વપૂર્ણ માર્ગ, ચોરાહા અને જાહેર વિસ્તારો હવે હાઈટેક નજર હેઠળ રહેશે.
સુરત શહેરમાં અમલમાં આવનારી આ આધુનિક સુરક્ષા વ્યવસ્થા આગામી સમયમાં ગુનાખોરી નિયંત્રણ, ટ્રાફિક સુવિધામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top