રૂ. 2 લાખના ચેક રિટર્ન કેસમાં ગોધરા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો
ગોધરા |
જામીનગીરી પેટે આપવામાં આવેલા ચેકનો ઉપયોગ કરીને રૂ. 2 લાખના ચેક રિટર્નની ફરિયાદ કરનાર વકીલની ફરિયાદને ગોધરાની કોર્ટે ફગાવી દીધી છે અને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો છે.
ગોધરાના તુલસી સોસાયટી, આઈટીઆઈ પાસે રહેતા એડવોકેટ મહેન્દ્ર પરમાભાઈ ઘાનેકર દ્વારા લુણાવાડાના મધવાસ દરવાજા વિસ્તારમાં રહેતા જમીન-મકાનની લે-વેચ દલાલી કરતા આસીફ શબ્બીર સુરતી સામે ચેક રિટર્ન બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીનો દાવો હતો કે કોવિડ સમયગાળામાં આરોપીને આર્થિક મદદરૂપ થવા રૂ. 2 લાખ રોકડ તૂટક-તૂટક આપી, જેના બદલામાં આરોપીએ તા. 30-09-2023નો SBI લુણાવાડાનો ચેક આપ્યો હતો, જે અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો.
આ કેસમાં આરોપી તરફે એડવોકેટ જે.બી. જોશી હાજર રહ્યા અને મહત્વપૂર્ણ દલીલો રજૂ કરી. આરોપીનો મુખ્ય બચાવ હતો કે તકરારી ચેક કોઈ કાયદેસર દેવા પેટે નહીં પરંતુ પિયુષભાઈના વ્યવહાર માટે જામીનગીરી તરીકે આપવામાં આવ્યો હતો, જે વ્યવહાર પૂર્ણ થઈ ચૂક્યો છે. આ બાબતે એક લખિત કરાર પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી જામીનદાર તરીકે સહીદાર હોવાનું સ્પષ્ટ હતું.
ફરિયાદી પોતાની ઊલટ તપાસમાં સ્વીકાર્યું હતું કે ચેકનો વ્યવહાર ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવવામાં આવ્યો નથી તેમજ આરોપીને બે લાખ રૂપિયા કયા સમયગાળામાં આપ્યા તેની ચોક્કસ વિગતો રજૂ કરી શક્યા નથી.
તમામ દલીલો અને દસ્તાવેજો પર વિચાર કર્યા બાદ ગોધરાના ત્રીજા એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) નિસર્ગ એસ. પટેલે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપીએ ચેક કાયદેસર દેવા કે જવાબદારી પેટે આપ્યો હોવાનું પુરવાર કરી શક્યો નથી. પરિણામે આરોપી આસીફ શબ્બીર સુરતીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટર: આશિષ બારીયા