એક કવિની માતાને દીકરો શેરો-શાયરીમાં લાઇફ વેડફે એ જરા પસંદ નહોતું પણ શાયર માને? માએ કહ્યું: ‘‘શાયરી કરવી હોય તો ઘરમાંથી નીકળી જા!’’ કવિ તો ટ્રેન પકડીને સપનાંઓ પૂરાં કરવા મુંબઈ આવી ગયા ને દિવસો સુધી ભૂખ્યા રહીને ફૂટપાથ પર સૂવું પડતું. એક સવારે જોયું તો એ જ ફૂટપાથમાં પાસે સૂતેલો ગરીબ મજૂર મૃત હાલતમાં પડ્યો હતો. આ જોઈને કવિનું દિલ ભરાઈ આવ્યું ને કવિતા લખી: ‘મઝદૂર કી લાશ’. પછી એક મુશાયરામાં નાટક-ફિલ્મના સફળ અભિનેતા પૃથ્વીરાજ કપૂર આવેલા, જે આ કવિતાથી એટલા પ્રભાવિત થયા કે પુત્ર રાજ કપૂરને મળવા કહ્યું. એ કવિ એટલે ૧૯૫૦થી ૧૯૯૦ સુધી સતત ૪૦ વરસ રોમેંટિક, ઇમોશનલ ને મસ્તીભર્યા સુપરહિટ ગીતો લખનાર: હસરત જયપુરી!

એ ખરેખર દુ:ખની વાત છે કે શૈલેંદ્ર, મજરૂહ કે સાહિર જેવાં મોટાં નામો વચ્ચે ફિલ્મી સંગીતમાં જેનું નામ બહુ ગાજ્યું નહીં એવા અંડર-રેટેડ પણ બહુમુખી પ્રતિભા ધરાવતાં ગીતકાર ભાગ્યે જ કોઇ હશે. હસરત જયપુરી અને શેલેંદ્રે રાજ કપૂરની અનેક ફિલ્મોમાં અને શંકર-જયકિશન સાથે અનેક ફિલ્મોમાં સાથે ગીતો લખ્યાં એટલે એમનું પ્રદાન ઢંકાઇ ગયું અને સતત અન્યાય થયો. એ વખતના ઉર્દૂ સાહિત્યિક શાયરો એમને શાયર-કવિ માનવા તૈયાર નહોતા પણ હસરતે લખેલ ‘બહારો ફૂલ બરસાઓ…’ ગીત બી.બી.સી.ના સર્વે મુજબ રેડિયો પર સૌથી લોકપ્રિય ટોપ ૧૦૦ ગીતોમાં નં.૧ પર આવે છે.
૧૯૪૯-૫૦માં રાજ કપૂરે હસરત પાસે ‘બરસાત’ માટે પહેલું ગીત લખાવ્યું- ‘જીયા બેકરાર હૈ આયી બહાર હૈ’ અને બીજું ‘છોડ ગયે બાલમ’. ‘બરસાત’ના ૧૦માંથી ૬ ગીતો હસરતે લખ્યાં ને બધાં સુપર-હિટ. જોગાનુજોગ સંગીતકાર શંકર-જયકિશનની પણ એ પહેલી ફિલ્મ હતી. ‘બરસાત’ની સફળતા પછી હસરત ફુલટાઈમ બોલીવૂડના સૌથી બિઝી ગીતકાર બની ગયા. બાય ધ વે, ત્યાં સુધી હસરતજી મુંબઇની ‘બેસ્ટ’ બસોમાં કંડક્ટર હતા!
૧૯૨૨માં જયપુરમાં ઇકબાલ હુસૈન તરીકે જન્મેલ હસરતજીના પિતા નાઝિમ હુસેન ફૌજમાં હતા પણ એમના નાના ફિદા હુસેન ઉર્ફ ‘ફિદા’ એ જમાનાના પ્રખ્યાત શાયર હતા એટલે કવિતા વારસામાં મળેલી. હસરત, જેટલા મોટા ગીતકાર હતા એટલા જ મોટા આશિક. જયપુરમાં ઘરની સામે ‘રાધા’ નામની છોકરી સાથે એકતરફી પ્રેમ થઈ ગયેલો ને શાયરાના અંદાજમાં રાધાને પ્રેમપત્ર લખેલો: ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાઝ ના હોના…’ પણ ત્યારે પ્રેમપત્ર આપવાની હિંમત ન ચાલી. વર્ષો પછી ‘સંગમ’ ફિલ્મમાં એ ગીત સુપર-હિટ થયું. એક વાર હસરતનાં પત્ની, નારાજ થઈને ઘર છોડીને જઇ રહ્યાં હતાં ત્યારે હસરતે કહ્યું: ‘અજી, રૂઠ કર અબ કહાં જાઇએગા?’ -પછીથી એ જ પંક્તિઓ ‘આરઝૂ’ ફિલ્મમાં ગીત બનીને આવી.
હસરતજીના ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ના ગીત વિષે પણ એક મજેદાર કિસ્સો છે. આ ગીત શંકર-જયકિશને મૂળ રાજેન્દ્રકુમારની કોઇ ફિલ્મ માટે બનાવેલું પણ રાજેન્દ્રકુમારે “સોરી, હું ડાન્સ નથી કરી શકતો” કહીને ગીત માટે ના પાડી. (થેંક ગોડ!) પછી શમ્મી કપૂરની ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં સુપર-હિટ થયું. એ જ ફિલ્મમાં ‘દિલ કે ઝરોખે મેં તુઝ કો બિઠાકર, યાદોં કો તેરી મૈં દુલ્હન બનાકર, રખુંગા મૈં દિલ કે પાસ…’ જેવું લાંબા છંદવાળું નોનસ્ટોપ ગીત લખ્યું જેમાં એક શાયર તરીકે એમની હથોટી પરખાય છે. તૂટેલા આશિક દિલની વેદનાવાળું એ ગીત દાયકાઓ સુધી નિષ્ફળ પ્રેમીઓ માટે ટોનિક બની ગયેલું. વળી ‘મેરા નામ જોકર’નું, ‘જાને કહાં ગયે વો દિન…’ પણ ઉદાસી ને નોસ્ટાલજીયાનું મહાકાવ્ય છે.
૧૯૮૬ની આસપાસ કોઇએ મજાકમાં હસરતને કહ્યું, ‘‘હવે તમે બુઢ્ઢા થઈ ગયા છો એટલે રોમેન્ટિક ગીત નહીં લખી શકો.’’ હસરતે આ વાતને ચેલેન્જની જેમ લીધી. રાજ કપૂર ત્યારે ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ બનાવી રહ્યા હતા જેમાં ગીત-સંગીત રવિન્દ્ર જૈન આપી રહ્યા હતા. પણ હસરતે રાજ કપૂરને વિનંતી કરી: ‘‘બસ, મને એક રોમેન્ટિક ગીત લખવા આપો!’’ ત્યારે રાજ કપૂરે જ હસરતજીને યાદ અપાવ્યું કે એક વાર રેકોર્ડિંગમાં કોઇ પ્રેમગીતની સરસ ધૂન નહોતી બની રહી ત્યારે હસરતજીએ રાજસાહેબને ‘સુન સાયબા સુન …પ્યાર કી ધૂન! કહીને મજાક કરેલી. બસ પછી હસરતજીએ ત્યારે ને ત્યારે સુપરડુપર હિટ રોમેન્ટિક ગીત લખ્યું- ‘સુન સાહિબા સુન, પ્યાર કી ધૂન, મેંને તુઝે ચુન લિયા, તુ ભી મુઝે ચુન’ લખ્યું. એ ગીતમાં ‘ડાલ દે નિગાહ કર દે પ્યાર કા શગુન’, જેવી પહેલા પ્રેમની નજાકત અને ‘પ્રીત કે યે ધાગે તુ ભી મેરે સંગ બુન’ જેવા ધૂન શબ્દના અદભુત પ્રાસ લખેલા. વળી એ જ ગીતમાં ‘તેરે હી હાથો લિખી શાયદ તબાહી મેરી..’જેવી ઉચ્ચ કક્ષાની કાવ્યાત્મક પંક્તિ લખી જે ફિલ્મની કથામાં આવનારા ડ્રામાને કેટલી બારીકાઇથી સૂચવે છે.
રોમેન્ટિક ગીતોના સુલતાન એવા હસરતે, ઉર્દૂના અઘરા શબ્દો સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા, જેમ કે– ‘એ નરગિસ-એ-મસ્તાના’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો…..ચશ્મ-એ-બદ્દૂર’, ‘એ ગુલબદન’, ‘મેરે યાર શબ-બ-ખૈર’ અને એટલું જ નહીં પણ ‘મૈં કયા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા’, ‘મેરી ભૈંસ કો ડંડા ક્યું મારા’ જેવાં કોમેડી ગીતોમાં હસરત માહિર હતા. ખરા અર્થમાં હસરત ચૌમુખ એટલે કે ઓલરા રાઉંડર જેવી પ્રતિભા ધરાવનારા ગીતકાર હતા. હસરત જયપુરીએ, ૬૩ જેટલા સંગીતકારો માટે ૩૦૦ ફિલ્મોમાં ૨૦૦૦ ગીતો લખ્યાં પણ એમને ફક્ત બે જ વાર ૧૯૭૨માં ‘જિંદગી એક સફર હૈ સુહાના’(અંદાઝ) માટે અને ૧૯૬૭માં ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આય હૈ’ માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળેલો. ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈ’ ગીત તો આજે ૨૦૨૫માં પણ લગ્નમંડપમાં દુલ્હન પ્રવેશે છે ત્યારે વગાડાય છે! હસરતને રાજસ્થાન સરકાર તરફથી ‘રાજસ્થાન શ્રી’ અને ‘રાજસ્થાન રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણીતા સંગીતકાર અનુ મલિક હસરત જયપુરીના ભાણેજ છે, અનુના ભાઇ ડબ્બુ મલિકે, પરેશ રાવલ-સ્વ. મહેંદ્ર જોશી અને સ્વ. કવિ ચંદુ શાહના યાદગાર ગુજરાતી મ્યુઝિકલ નાટક ‘ખેલૈયા’માં હીરો તરીકે કામ પણ કરેલું! તો આજના ગાયક-સંગીતકાર અરમાન મલિક પણ હસરતના ખાનદાનમાંથી જ આવે છે. ૧૭ સપ્ટેમ્બરે ૧૯૯૯ના રોજ હસરતજી ચાલ્યા ગયા પણ એમનાં ગીતો આપણે આજેય ગણગણીએ છીએ. આજે એમનો 104મો જન્મદિવસ છે, ત્યારે હસરતજીનું ગીત યાદ આવ્યું: ‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે,’
(નોંધ: શીર્ષકમાં જાણી કરીને હસરત નામ નથી રાખ્યું)
