Columns

ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતથી યોગી આદિત્યનાથની રાજકીય તાકાત વધી જશે

ભારતની પાંચમા ભાગની વસતિ જ્યાં વસે છે તે ઉત્તર પ્રદેશમાં  ભાજપના વિજયને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને વધુ રાજકીય લાભ થશે. આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭૨ વર્ષની હશે. જો તેઓ ૨૦૨૪માં  ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બને તો ૨૦૨૯માં તેઓ ૭૭ વર્ષના થાય ત્યાં સુધી ગાદી પર બેસી રહે. ભાજપના પોતાના નિયમ મુજબ કોઈ પણ નેતાને ૭૫ વર્ષે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવે છે. નરેન્દ્ર મોદીને અધવચ્ચે નિવૃત્ત કરવાને બદલે ભાજપ ૨૦૨૪માં જ યોગી આદિત્યનાથને વડા પ્રધાન બનાવી શકે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી એક રીતે ભાજપ અને વિપક્ષો વચ્ચેનો જંગ નહોતો પણ મોદી અને યોગી વચ્ચેનો જંગ હતો. જો આ ચૂંટણી યોગી હારી ગયા હોત તો તેમની રાજકીય કારકીર્દિ ડામાડોળ થઈ જાત. હવે ઉત્તર પ્રદેશમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તેનો યશ મોદીની નેતાગીરી કરતાં યોગીની કામગીરીને ફાળે જાય છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લાં ૩૦ વર્ષથી સત્તાધારક પાર્ટી હારતી આવી છે. કોઈ પણ પક્ષ પાંચ વર્ષ સત્તામાં રહે તે પછી તેણે પાંચ વર્ષ વિપક્ષમાં બેસવું પડે તેવો સિલસિલો ખાસ કરીને સપા અને બસપા વચ્ચે ચાલતો હતો. આ સિલસિલો ભાજપે તોડ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ભાજપ ૨૭૪ બેઠકો પર આગળ છે અને તે ૩૦૦નો જાદુઈ ફિગર પસાર કરશે તો પણ નવાઈ નહીં લાગે. ભાજપને ૨૦૧૭માં જેટલા મતો મળ્યા હતા તેના કરતાં પ્રારંભિક ગણતરીમાં પાંચ ટકા મતો વધુ મળતા દેખાઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ બીજી વખત સોગંદ લેશે તે પણ નક્કી છે. ઉત્તર પ્રદેશ રાજ્યના ૭૦ વર્ષના ઇતિહાસમાં પાંચ વર્ષની મુદ્દત પૂરી કરનારા નેતા ફરી મુખ્ય પ્રધાન બને તેવું પહેલી વખત બની રહ્યું છે. આ વિજય યોગી આદિત્યનાથ બ્રાન્ડના કટ્ટર હિન્દુત્વનો વિજય ગણાય છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક પરિસ્થિતિ પેદા થઈ હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કિસાન આંદોલનને કારણે નારાજ થયેલા જાટ મતદારો ભાજપની નાવડીને ઉથલાવી પાડવાની ક્ષમતા ધરાવતા હતા. જાટ નેતા જયંત ચૌધરીએ સમાજવાદી પક્ષ સાથે ચૂંટણી સમજૂતી કરી તેથી ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે રઘવાયા બનીને જયંત ચૌધરીને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, પણ તેમણે તે ઠુકરાવી દીધું હતું.

ભાજપ માટે ઉત્તર પ્રદેશના નાતજાતનાં સમીકરણો જોખમી બની ગયાં હતાં. યાદવ મતદારો અને ઓબીસી સમાજવાદી પક્ષનો સાથ આપે તેમાં કોઈને શંકા નહોતી. મુસ્લિમો કોઈ સંયોગોમાં ભાજપની તરફેણમાં મતદાન ન કરે તે નક્કી હતું. ભાજપની ઓબીસી પૈકી અત્યંત પછાત મતબેન્ક પણ ઝૂંટવી લેવાની કરામત સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કરી હતી. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ જેવા ઓબીસી નેતાઓ ચૂંટણી પહેલા સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં બીજાં રાજ્યો છોડીને ઉત્તર પ્રદેશમાં આવેલા મૂળ રહેવાસીઓને રોજીરોટી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ તેનો પણ પ્રજામાં ધૂંધવાટ હતો. ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં કોઈ મોજું દેખાતું નહોતું. તેમ છતાં યોગી આદિત્યનાથે ચમત્કાર કરીને બહુમતી હાંસલ કરી છે.

ભાજપના ઉધાર પાસે જ્ઞાતિવાદી સમીકરણો હતાં તો જમા પાસે યોગી આદિત્યનાથનું કડક અનુશાસન અને જ્વલંત હિન્દુત્વની છબી હતી. ૨૦૧૭માં યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા તે પછી તેમણે ગુંડાઓ સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું. પોલિસો દ્વારા બનાવટી કે સાચુકલા એન્કાઉન્ટરમાં સેંકડો ગુંડાઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમાં માથાભારે મુસ્લિમ ગુંડાઓ પણ સાફ  થઈ ગયા હતા. વળી કોરોનાને કારણે બેકાર બની ગયેલા લોકો માટે સરકારે મફતમાં અનાજ, કઠોળ, તેલ વગેરેની ખેરાત મોટા પાયે ચાલુ કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે રખડતી ગાયો માટે ઠેકઠેકાણે પાંજરાપોળો બનાવી હતી. પોલિસને રખડતાં ઢોરોની કામગીરી તાકીદના ધોરણે સોંપવામાં આવી હતી. યોગી આદિત્યનાથ તેમની ઝડપી કામ કરવાની ક્ષમતાને કારણે જાણીતા બન્યા હતા. ભાજપે હિન્દુત્વનો ભરપૂર ઉપયોગ કરીને અયોધ્યામાં રામ મંદિર ઉપરાંત મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો પણ ઉછાળ્યો હતો. રામ જન્મભૂમિની જેમ કૃષ્ણ જન્મભૂમિને પણ મુક્ત કરવાના નિર્દેશો આપ્યા હતા. વળી કાશી વિશ્વનાથની પણ કાયાપલટ કરી હતી. ઉત્તરાખંડમાં ચાર ધામનો કોરિડોર પણ હિન્દુ મતદારો માટે લોભામણો થતાં તેમણે ભાજપને સાથ આપ્યો હતો.

ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો પુરવાર કરે છે કે મતદારો માટે રોટી, કપડાં અને મકાન કરતાં પણ ધર્મ, સુશાસન અને નાતજાતનાં સમીકરણો વધુ મહત્ત્વનાં છે. આ કારણે હવે સંઘપરિવાર પણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ માટે પોતાની રણનીતિ બદલે તે સંભવિત છે. સંઘપરિવાર માટે હિન્દુત્વને નામે મતો રળી આપે તેવા મોદી પછીના નેતા યોગી છે. મોદીની ઉંમર ૭૦ વર્ષની છે, જ્યારે યોગી હજુ ૪૯ વર્ષના જ છે. તેમની કારકીર્દિમાં હજુ ૨૫ વર્ષ બાકી છે. જો સંઘપરિવાર ૨૦૨૪ની ચૂંટણી કટ્ટર હિન્દુત્વના એજન્ડા પર જીતવા માગતો હોય તો તેમને યોગી કરતાં બીજો મોટો નેતા મળી શકે તેમ નથી. યોગીએ મુસ્લિમ અસામાજીક તત્ત્વોને દબાવીને ઉત્તર પ્રદેશમાં કોમી રમખાણો બંધ કરાવી દીધાં છે. તેને કારણે હિન્દુઓ તેમની ઇજ્જત કરવા લાગ્યા છે. યોગી દ્વારા મદ્રેસાઓને આપવામાં આવતું દાન બંધ કરીને હિન્દુત્વવાદીઓને રાજી કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપને ઝળહળતો વિજય મળતાં હવે મોદી અને યોગી વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બનશે. નરેન્દ્ર મોદીએ પોતાના વિશ્વાસુ આનંદી બહેન પટેલને ઉત્તર પ્રદેશનાં ગવર્નર બનાવ્યા તેનો હેતુ પણ યોગી પર અંકુશ રાખવાનો હતો. ગયાં વર્ષના નવેમ્બરમાં ભાજપે જ્યારે ગુજરાતમાં અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનો બન્યા ત્યારે તેનો ઇરાદો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ બદલી કાઢવાનો હતો. આ વાતની ગંધ યોગીને આવી જતાં તેમણે હાઇ કમાન્ડની મંજૂરી વગર પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાની યોજના ઘડી કાઢી હતી.

આ વાતની જાણ ગવર્નર આનંદીબહેન પટેલને થતાં તેઓ મારતાં વિમાને દિલ્હી પહોંચી ગયાં હતાં. દિલ્હીમાં તેમણે મોદી અને અમિત શાહ સાથે મીટિંગો કરી હતી. મોદી મુખ્ય પ્રધાન બદલવા તૈયાર થઈ ગયા હતા, પણ સંઘપરિવારે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું, જેમાં ચૂંટણી જીતવાની જવાબદારી યોગીના શિરે નાખી દેવામાં આવી હતી. જો યોગી ચૂંટણી હારી જાય તો તેમનું પત્તું કાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે યોગીએ પોતાની તાકાત પુરવાર કરી આપતાં પહેલો રાઉન્ડ તેઓ જીત્યા છે. ભારતમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ તે પૈકી ચારમાં ભાજપની સરકાર હતી. પંજાબમાં કોંગ્રેસની સરકારનો ધબડકો થયો છે, જેમાં આમ આદમી પાર્ટીને તક મળી ગઈ છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ ભાજપની સરકાર જ બનશે, તેમ લાગે છે. રાષ્ટ્રીય સ્તરે આ વિજયથી નરેન્દ્ર મોદીની તાકાત વધશે. દુનિયામાં જ્યારે મોટી ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી ભારતને ટોચ ઉપર લઈ જવામાં સફળ થાય છે કે કેમ? તે જોવાનું રહે છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top