World

વિશ્વ બેન્કના અધ્યક્ષ પદના ઉમેદવાર અજય બંગાને કોરોના થતા ભારતની મુલાકાત રદ

નવી દિલ્હી: વિશ્વ બેન્કના (World Bank) અધ્યક્ષ માટે અમેરિકી ઉમેદવાર અજય બંગા કોવિડ-19 (Corona) માટે પોઝિટીવ આવ્યા છે, જેના પગલે તેમની બે દિવસની ભારત (India) મુલાકાત દરમિયાન યોજાનારી બેઠકો રદ કરવામાં આવી છે. નાણા મંત્રાલયના નિવેદન મુજબ નિર્મલા સીતારમણ સાથે બંગાની મુલાકાત થશે નહીં કારણ કે તેઓ ક્વોરેન્ટાઇનમાં છે.

નિયમિત ટેસ્ટ દરમિયાન અજય બંગાનો કોવિડ-19 માટેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો પણ તેમનામાં લક્ષણ નથી. સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરતા તેઓ ક્વોરેન્ટાઇન થયા છે, એમ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું. કેન્દ્રીય નાણા મંત્રી સાથેની મુલાકાત ઉપરાંત બંગા 23થી 24 માર્ચની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને ટોચના અધિકારીઓને મળવાના હતા.

  • વિશ્વ બેન્કના અધ્યક્ષ પદ માટે તેમની ઉમેદવારી માટે સમર્થન મેળવવા તેમણે આફ્રિકાથી પ્રવાસ શરૂ કર્યો હતો
  • બંગા 23થી 24 માર્ચની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને ટોચના અધિકારીઓને મળવાના હતા

બંગાની નવી દિલ્હીની મુલાકાત એ તેમના ત્રણ સપ્તાહના વૈશ્વિક પ્રવાસનો અંતિમ સ્ટોપ છે, વિશ્વ બેન્કના ટોચના પદ માટે તેમની ઉમેદવારી માટે સમર્થન મેળવવા માટે તેણણે આફ્રિકાથી પ્રવાસ શરૂ કર્યો હતો ત્યારબાદ યુરોપ, લેટિન અમેરિકા અને એશિયામાં તેમનો પ્રવાસ હતો. ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

યુએસ ટ્રેઝરી ખાતાના નિવેદન મુજબ અજય બંગા તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારતીય નેતાઓ સાથે ભારતની વિકાસ પ્રાથમિકતાઓ, વિશ્વ બેન્ક અને વૈશ્વિક આર્થિક વિકાસના પડકારો અંગે ચર્ચા કરવાના હતા.
બંગાની ઉમેદવારી જાહેર થઈ તેના તુરંત બાદ ભારતે તેમને સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશ, કોલમ્બિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઘાના, ઇટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, કોરિયા અને બ્રિટન સહિત અન્ય દેશોએ બંગા માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top