Sports

એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ, પણ ભારતની મેચ અન્ય સ્થળે રમાવાના અહેવાલ

નવી દિલ્હી: એશિયા કપની (Asia Cup) યજમાની પાકિસ્તાન (Pakistan) પાસે જ રહે અને ભારતીય ટીમ (Indian Team) પણ એ ટૂર્નામન્ટમાં ભાગ લે તે માટે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે અને તે અનુસાર એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ થશે, પણ ભારતીય ટીમ તેમાં જેટલી પણ મેચ રમવાની છે તે પાકિસ્તાનમાં નહીં પણ વિદેશના અન્ય કોઇ મેદાન પર રમાશે. પાકિસ્તાન ન જવાના ભારતની મક્કમતા અને એશિયા કપની યજમાની ન છોડવાના પાકિસ્તાનના વલણ વચ્ચે પહેલીવાર ટ ટૂર્નામેન્ટમાં આ પ્રકારનું આમૂલ પરિવર્તન જોવા મળી શકે છે.

  • ભારતની મેચો વિદેશમાં ક્યાં રમાશે તે નક્કી નથી
  • ઇંગ્લેન્ડ, ઓમાન, યુઇએ તેમજ શ્રીલંકામાંથી કોઇ એકની પસંદગી થશે
  • એશિયા કપની યજમાની ન છોડવાના પાકિસ્તાનના વલણ વચ્ચે પહેલીવાર ટૂર્નામેન્ટમાં આ પ્રકારનું આમૂલ પરિવર્તન જોવા મળશે

જો મીડિયા સૂત્રોની વાત માનવામાં આવે તો એશિયા કપ 2023 માત્ર પાકિસ્તાનમાં જ રમાશે, પરંતુ ભારતની તમામ મેચ અલગ વિદેશી સ્થળ પર રમાશે. તેના માટેના વિદેશી સ્થળોની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ તેમાં યુએઇ, ઓમાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડના નામ સંભવિત દાવેદારોમાં સામેલ છે. જ્યાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ઓછામાં ઓછી બે સહિત પાંચ મેચોની યજમાની થશે. પાકિસ્તાનની બહાર મેચો માટે અલગ સ્થળ નક્કી કરવામાં હવામાન મુખ્ય ભૂમિકા ભજવશે.
યુએઈમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં તાપમાન સામાન્ય રીતે 40 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ હોય છે. ઓમાનની રાજધાની મસ્કતમાં તાપમાન નીચું છે. ઈંગ્લેન્ડ પણ એક મોટા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. છ દેશોની આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપનો ભાગ છે. ફાઈનલ સહિત 13 દિવસમાં કુલ 13 મેચો રમાશે. 2022 એશિયા કપના ફોર્મેટની જેમ, દરેક જૂથમાંથી ટોપ-2 ટીમો સુપર 4માં આગળ વધશે અને ત્યાંથી ટોપ-2 ટીમો ફાઇનલમાં રમશે. ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન ઓછામાં ઓછા ત્રણ વખત ટકરાય તેવી શક્યતા છે.

Most Popular

To Top