Sports

યુપીને હરાવી મુંબઇ WPLની ફાઇનલમાં, રવિવારે દિલ્હી સામે જંગ

નવી મુંબઇ : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની આજે શુક્રવારે અહીં રમાયેલી એલિમિનેટરમાં મુંબઇ ઇન્ડિયન્સે નતાલી સ્કીવર બ્રન્ટની 38 બોલમાં 72 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવીને મૂકેલા 183 રનના લક્ષ્યાંક સામે યુપી વોરિયર્સ મુંબઇના બોલરોની ઘાતક બોલિંગને કારણે 110 રનમાં ઓલઆઉટ થઇ જતાં મુંબઇએ 72 રને મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે ફાઇનલ રમાશે.

યુપી વોરિયર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સ વતી નતાલી સ્કીવરે આક્રમક બેટીંગ કરીને મુંબઇને મોટા સ્કોર ભણી આગળ વધાર્યું હતું. તેની બેટીંગને કારણે જ મુંબઇએ અંતિમ પાંચ ઓવરમાં 66 રન ઉમેર્યા હતા. યુપી વોરિયર્સને નતાલી સ્કીવરને 6 રને જીવતદાન આપવાનું ભારે પડ્યું હતું. લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી યુપી વોરિયર્સ 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. કિરણ નવગીરેએ ટીમને જીતાડવા એકલા હાથે લડત લડી હતી પણ તે 43રન કરીને આઉટ થઇ તે પછી તેમની ઇનિંગ લથડી પડી હતી અને અંતે તેઓ 110 રને ઓલઆઉટ થયા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની ઈસી વોંગ WPLમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની
મુંબઈ : મુંબઈ ઈન્ડિયન્સની ઝડપી બોલર ઈસી વોંગે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)માં ઈતિહાસ રચ્યો હતો. તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં હેટ્રિક વિકેટ લેનારી પ્રથમ બોલર બની ગઈ છે. ટુર્નામેન્ટની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો યુપી વોરિયર્સ સામે થયો હતો. ઇસી વોંગે ઘાતક બોલિંગ કરી અને યુપીની ત્રણ બેટરોને સતત ત્રણ બોલે આઉટ કરીને હેટ્રિક પુરી કરી હતી. 13મી ઓવર ફેંકવા આવેલી વોંગે ઓવરના બીજા બોલ પર કિરણ નવગીરેને મિડવિકેટ પર નેટ સ્કીવરના હાથે કેચ આઉટ કરાવી હતી. તે પછીના બોલે સિમરન શેખને બોલ્ડ કરી હતી અને તે પછીના બોલે સોફી એક્લેસ્ટોનને બોલ્ડ કરીને તેણે પોતાની હેટ્રિક પૂરી કરી હતી. મહિલા પ્રીમિયર લીગની આ પહેલી હેટ્રિક રહી હતી.

Most Popular

To Top