Sports

World Cup: સાઉથ આફ્રિકાએ શ્રીલંકા વિરૂદ્ધ 428 રનનો વિશ્વકપના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

ભારતમાં (India) ચાલી રહેલા ODI વર્લ્ડ કપની (World Cup) ચોથી મેચમાં રેકોર્ડનો ધમધમાટ સર્જાયો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવીને ઘણા રેકોર્ડ (Record) તોડ્યા હતા. આ વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર હતો. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેણે 2015 વર્લ્ડ કપમાં પર્થમાં અફઘાનિસ્તાન સામે 50 ઓવરમાં સાત વિકેટે 417 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં ત્રીજી વખત 400+ રન બનાવ્યા છે. આવું કરનારી આ ટીમ પ્રથમ ટીમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે જેમણે એક-એક વાર આવું કર્યું છે.

  • દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રન બનાવ્યા
  • સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો, માર્કરમે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી
  • ODI વર્લ્ડ કપમાં તોડ્યો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ

બીજી તરફ આફ્રિકાના ખેલાડી એડન માર્કરમે શ્રીલંકા સામે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી સૌથી ઝડપી સદી પૂરી કરવાનો ઇતિહાસ બનાવી દીધો હતો. આ ઇનિંગમાં તેણે 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. માર્કરમે આ રેકોર્ડમાં આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયનને પાછળ છોડી દીધો છે. ઓ બ્રાયને આ રેકોર્ડ 2011ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે માર્કરમે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી છે.

જ્યારે શ્રીલંકા ODI વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ રમવા આવી હતી ત્યારે તેણે વિચાર્યું પણ નહીં હોય કે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય આટલો ખતરનાક સાબિત થશે. એશિયાની ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમના બોલરોને દક્ષિણ આફ્રિકાના સિંહોએ એવી રીતે પરાજય આપ્યો કે વર્લ્ડ કપના તમામ રેકોર્ડ તુટી પડ્યા. 3 બેટ્સમેનોએ સદી ફટકારી અને દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાના વિશ્વકપમાં સૌથી વધુ 417 રનના રેકોર્ડને તોડી નાખ્યો. તેણે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 428 રન બનાવ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને 10 પર પ્રથમ આંચકો લાગ્યો હતો. કેપ્ટન તેમ્બા બાવુમા પાંચ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ક્વિન્ટન ડી કોક અને રસી વાન ડર ડુસેને બીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે.

ODI ક્રિકેટમાં આ આઠમી વખત હતું જ્યારે દક્ષિણ આફ્રિકાએ 400થી વધુ રન બનાવ્યા હતા. ભારત આ યાદીમાં છ વખત સાથે બીજા સ્થાને છે અને પાંચ વખત ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. 428નો સ્કોર દક્ષિણ આફ્રિકાનો વનડેમાં ત્રીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 439 રન બનાવ્યા હતા. 2006માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 438/6 રન બનાવ્યા હતા, જ્યારે 2015માં પણ ભારત સામે 438/4 રન બનાવ્યા હતા. 428 રન શ્રીલંકા વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. દક્ષિણ આફ્રિકાએ આ મામલે ભારતને પાછળ છોડી દીધું છે. ભારતીય ટીમે 2009માં રાજકોટમાં શ્રીલંકા સામે 414/7 રન બનાવ્યા હતા. ભારતની કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ બીજો સર્વોચ્ચ સ્કોર પણ છે.

દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી હતી. તેમાં ક્વિન્ટન ડી કોક (100 રન), રસી વાન ડર ડ્યુસેન (108 રન) અને એડન માર્કરમ (106 રન)નો સમાવેશ થાય છે. ODI વર્લ્ડ કપમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે એક મેચની એક ઇનિંગમાં ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી હોય. વનડેમાં કુલ ચાર વખત આવું બન્યું છે.

  • વનડેની એક ઇનિંગમાં ત્રણ સદી
  • દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2015
  • દક્ષિણ આફ્રિકા વિ ભારત, વાનખેડે, 2015
  • ઇંગ્લેન્ડ વિ નેધરલેન્ડ્સ, એમ્સ્ટેલવીન, 2022
  • દક્ષિણ આફ્રિકા વિ શ્રીલંકા, દિલ્હી 2023*

Most Popular

To Top