Columns

પરિવર્તનની કેડી પર રાજકીય પક્ષો ફેરવિચારણા કરશે?

વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર પોતાનાં ખર્ચા-પાણી નિભાવે છે. પરિણામે આજે થોડી ઘણી રાજકીય ગડમથલ ઊભી થતાં રૂપિયો ડગમગી જાય છે. આપણું પોતીકું અર્થતંત્ર બીજાના આધારે ટેકાયેલું હોઈ વૈશ્વિક મંદીની અસર ગરીબોની રોજીરોટીને સહેલાઇથી કોતરી નાખે છે. આવળ-બાવળ ને સીસમ-સુખડના ઝાડ વહોરી આપણે વેલાના બગીચા બાંધ્યા તે આજે યુરોપ અને અમેરિકાના ટેકે ઊભા રાખવાનો સમય આવ્યો છે.

આ સ્થિતિ વચ્ચે દેશની ગરીબી, વસ્તીવધારો, પાણીની અછત, ખારાશવૃદ્ધિને લગતા ભૂસ્તરીય પ્રશ્નો, સરહદ ઉપર ઘુસણખોરી અને આતંક્વાદી પ્રવૃત્તિ સાથે એઇડસ, ટી.બી. અને તમાકુથી થતા રોગો, સાથોસાથ પ્રદૂષણના પ્રશ્નો વધુ ગંભીર બની રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષોની લોકરંજનવૃત્તિના કારણે આજે લાંબા ગાળાનાં હિતોની વંચના થતી રહે છે અને રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. રાષ્ટ્રની આવી નાજુક સ્થિતિએ પોતાનો સ્વાર્થ સાધવા બેઠેલા રાજકર્તાઓના સ્થાને ભારતીયતા અને રાષ્ટ્રીય ગૌરવની અસ્મિતાને ફરી બુલંદ બનાવનાર શાસકો અનિવાર્ય જણાય છે.

દેશની આમજનતા આ સ્થિતિ ઝંખે છે, પરંતુ પ્રશ્ન છે, કોનામાં વિશ્વાસ મૂકવો? આજે રાષ્ટ્રના યુવાનો પોતાની શરીરશક્તિને લોકોપયોગી કામોમાં ખર્ચવા માગે છે, પણ આ યુવાનો ક્યાં જઈને ફના થાય? દેશના ૪૦% મધ્યમ વર્ગનાં લોકો પોતાના પરિશ્રમના આધારે પ્રામાણિક્તાથી વિકસવા માગે છે, પણ તેમને સ્થિરતા આપે તેવું કોઈ છે? વિકાસની હરોળમાં એક કદમ પાછળ ચૂકી ગયેલાં ગરીબો-ચૂંટણી ઢંઢેરાના વાયદાઓથી ત્રાસી ગયા છે. તેઓ કાયમી (sustainable) વિકાસને ઝંખે છે અને દલિતો ક્યાં જઈ ભરોસો ટાંગે? આ સ્થિતિનો ઉકેલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વરેલા પક્ષો પાસે મળશે તેવી આશા બંધાય!
ભારતવર્ષની સંસ્કૃતિમાં રાજા ચંદ્રગુપ્ત અને રાજા અશોકના સમયના સમૃદ્ધ ભારતનો આશાવાદ છે, જે વર્તમાન સમયમાં ફળીભૂત કરવા માટે યુવાનોમાં જોમ દેખાય છે.

પરંતુ રાજકીય પક્ષોએ સ્વીકારવું રહ્યું કે કોઈ પણ સમાજ માટે બદલાવ છોડી દેવાનું શક્ય નથી, તેમ પારંપારિક અપેક્ષાઓવશાત્ આમસમાજ આધુનિક્તા છોડી પરંપરાગત રહન-સહન તરફ જઈ શકે એવું પણ બનતું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી હેડગેવારજીએ કહેલું કે, ર૧મી સદીમાં ભારતવર્ષમાં જનસંઘ ફેલાયેલો હશે. આ સાક્ષાત્કારને હવે મૂર્ત થવાનો સમય પાકી ગયો છે. સમયનો તકાજો સંઘના કાર્યકરોને એકજૂથ થવા એલાન આપે છે, રાજકીય રીતે પક્ષનો સંકલિત પુરુષાર્થ માત્ર ભાવનાત્મક ન બની જાય તે માટે રાષ્ટ્રઘડતર માટેના બૌદ્ધિક કાર્યક્રમોને મૂર્ત કરવા ગંભીરતાથી વિચારણા કરવી અનિવાર્ય બને છે.

મધ્યમ વર્ગનાં હિતોની જાળવણી માટે Middle Level Technology નો અને સ્વદેશીનો આર્થિક અભિગમ ચરિતાર્થ કરવો પડશે. રશિયાના વિભાજન પછી વિશ્વમાં મુસ્લિમવાદ નવું સમીકરણ બની રહ્યો છે. આથી વૈશ્વિક કલ્યાણના વિચાર માટે Protestant (વિકાસ-વ્યવસ્થા) વિચારધારાના મિત્ર બનવું પડશે. સંચાર માધ્યમોના પ્રસારના કારણે આજે આમપ્રજાનાં અરમાનો ખીલી ઊઠયાં છે. ટી.વી., કમ્પ્યૂટર અને મોબાઇલ જેવી અદ્દભુત ટેકનોલોજીના વ્યાપક પ્રસારથી રાષ્ટ્રીય સ્તરે મહત્તમ આર્થિક લાભનું સમીકરણ લગભગ સર્વસ્વીકૃત બની ચૂક્યું છે, ત્યારે રાજય સંચાલનમાં નિર્ણય પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ થાય, અમલીકરણની સત્તા વિકેન્દ્રિત રીતે અસરકારી બને તે જરૂરી બને છે.

રાજકીય ફલક ઉપર પ્રાદેશિક પ્રશ્નોની અગત્ય વધી રહી છે, તે વેળાએ રાષ્ટ્રને ૫૪-૫૫ રાજ્યોમાં વહેંચી વહીવટને વધુ સરળ, લોકોપયોગી અને ત્વરિત કરવાનો સમય પાકી ગયો છે. આ કાર્ય સંપન્ન કરવાની હામ માત્ર NDA દ્વારા જ નહીં, પણ તમામ રાજકીય પક્ષોએ ભીડવી પડશે. ભારતવર્ષનું ગૌરવ તેના ભવ્ય ભૂતકાળમાં રહ્યું છે તે સાચું, આમ છતાં, હવે ઈતિહાસના ગર્તમાં પુન:પ્રવેશ શક્ય નથી. આથી નવી પેઢી માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથેનું શિક્ષણ ફરજિયાત બને તેવો નિરધાર રાજકીય પક્ષોએ તેના Manifest માં સામેલ કરવો પડશે.

રાષ્ટ્રીય ફલક ઉપર નબળા પડી ચૂકેલા છતાં રજવાડાંની યાદ આપતા ગઢના કિલ્લા સમાન કોંગ્રેસની વાત કરીએ તો રાજીવ ગાંધીની શહીદી પછી તેમના સહાધ્યાયી ફિલ્મ કલાકાર સિમ્મી ગરેવાલે રાજીવ ગાંધી ઉપર બે ભાગમાં ફિલ્મનું નિર્માણ કરેલું. રાજીવજીની જીવનઝરમરના ચિત્રાંકનમાં એક મધ્યવિચાર તેમનાં ધર્મપત્નીનો રાજકારણ પ્રત્યેનો દુર્ભાવ દર્શાવવામાં આવેલો અને હાલના કોંગ્રેસ અધ્યક્ષ શ્રી સોનિયાજીની નારાજગી વચ્ચે રાજીવજીએ રાષ્ટ્રીય કામોમાં ઝંપલાવી તેમનાં માતુશ્રીની માફક શહીદી વહોરી લીધી તે વાતને ફિલ્માવવામાં આવેલ. આ સ્થિતિ સોનિયાજીના મનોભાવથી વિપરીત રહેતાં કોઈ પત્રકારે સોનિયાજીને પૂછેલું, ‘રાજીવજીની શહીદી અંગે આપનું શું કહેવું છે?’ પોતાને અત્યંત લાચાર સ્થિતિમાં અનુભવતાં સોનિયાજીએ કહ્યું, ‘મને તેનો અફસોસ છે.’

સોનિયાજીના પતિપ્રેમ માટે રાષ્ટ્રની સહાનુભૂતિ તેમની પડખે છે, પરંતુ હિંદુસ્તાનની વીરાંગનાઓ કદી પોતાના પતિ પાછળ રહી નથી. રાણી પદ્માવતી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે અહલ્યાબાઈથી માંડી અનેક વીરાંગનાઓએ રાષ્ટ્રને સમૃદ્ધિ આપી છે. જયારે તે પરિસ્થિતિ પાસે હારી જનાર ઇટાલીનાં સોનિયાજીનાં ચરણોમાં કોંગ્રેસ પોતાનું સવાસો વર્ષ જૂનું આયુષ્ય ધરી દેવા માગે છે. આ બાબત સ્વયં કોંગ્રેસીજનો અને તેના ભવ્ય ભૂતકાળ માટે શરમજનક બને છે. અહીં પ્રાણપ્રશ્ન એ છે કે દેશની જનતા આ વાત સ્વીકારશે? એટલું જ નહીં પણ હવે રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની લગામ સોંપવામાં આવી રહી છે, ત્યારે રાજાશાહી પ્રકારની કોંગ્રેસી વર્તણૂકને દેશની આમજનતા સ્વીકારશે ?

દેશના પંગુ રાજકર્તાઓના કારોબારની લગામ હાથમાં ઝાલી બેઠેલા IAS અધિકારીઓ સ્વયં લાંચિયા છે. બંધારણીય રીતે રક્ષણનું કવચ ધારણ કરી બેઠેલા સરકારી અમલદારોને આમપ્રજા હાથ પણ લગાડી શક્તી નથી કે તેમના વહીવટ-ગેરવહીવટ અને તુમારશાહી અંગેના પ્રશ્નોનો જવાબ સુધ્ધાં મળતો નથી. તેથી વિશેષ કેટલાંક રાજયોની સરકારમાં તો પ્રધાનોનાં ખાતાંઓની ફાળવણીમાં હવે રાજના નોકરો ચાવીરૂપ ભૂમિકા ભજવતા થયા છે? પાકિસ્તાને લશ્કરી અધિકારીઓ પાસે રાષ્ટ્ર ગીરે મૂકયું છે, તેમ આપણે સરકારી નોકરોના ખોળામાં માથું ઢાળ્યું છે, જે બાબતોને ગંભીરતાથી લેવી પડશે. ભારતની સમૃદ્ધ લોકશાહીને આવાં પરિવર્તનો ખપશે?

દેશની આમજનતા જે પ્રકારે સમસ્યાઓનો સામનો કરે છે અને રાજકીય પક્ષો અને નોકરશાહી જે સ્થિતિમાં પસાર થઈ રહી છે તે તમામને ભારતની લોકશાહીના સ્વાસ્થ્યની મર્યાદા સમજીને રાજ્યો અને સ્થાનિક પ્રજાતંત્રની ચૂંટણીનો પડકાર ઝીલી લે અને પરિવર્તનની પહેલ કરવા આમજનતા પોતાના મતાધિકાર વાપરે તો જ ઉજળા ભવિષ્ય સાથેના ભારતવર્ષને ગૌરવ આપી શકાશે. અત્યારે તો ડામાડોળ દરિયામાં રાષ્ટ્રની નાવને ધીરગંભીર હૈયે હાંકનાર નાવિકને મદદ કરવાની જરૂર છે. ત્યારે આશા રાખીએ કે પક્ષો અને વિપક્ષો પોતાનું બળ ઠરેલા રાજકીય પક્ષ તરીકે દર્શાવશે અને ભારતના ૧૦૫ અબજ મતદાતા પ્રાદેશિક પક્ષોમાંથી વીણી-વીણી રાષ્ટ્રીયતાનો માપદંડ હાથમાં રાખી પ્રાદેશિક પક્ષોમાંથી પણ ખરા ઉતરનાર વ્યકિતને પસંદ કરશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top