Gujarat Election - 2022

શું નીતિન પટેલ અને વિજય રૂપાણીની નારાજગી ભાજપ માટે નુકસાનકારક બનશે?

ગુજરાતના ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપને (BJP) લાગેવળગે છે ત્યાં સુધી બે વાતોની ચર્ચા છે. એક નીતિન પટેલના (Nitin Patel) નિવેદનો અને વિજય રૂપાણીની (Vijay Rupani) નજરે ના પડતી નારાજગી. આ બંને નેતાઓએ પક્ષ માટે અને પક્ષે એના માટે શું શું કર્યું એ જાણીતી વાત છે. પણ બંનેની સરકારને જે રીતે દૂર કરવામાં આવી એ સામાન્ય વાત નથી. બંને અગ્રિમ નેતાઓ છે અને એમણે દૂર કરવા હતા તો પણ પણ દૂર કરવાની પદ્ધતિ અયોગ્ય હતી એવું તો એના વિરોધીઓ પણ માને છે. અને હવે બંનેને ટિકિટ આપવામાં આવી નથી એનો મતલબ સાફ છે કે, ભાજપ આ બંને નેતાઓની પક્ષમાં જુદી જ ભૂમિકા ઈચ્છે છે.

આ બંને નેતાઓ સાવ નીચેથી ઉપર આવ્યા છે. વિજય રૂપાણીની વાત કરીએ તો એ રાજકોટ મહાપાલિકામાં સભ્ય બન્યા, મેયર બન્યા. રાજ્યસભાના સભ્ય બન્યા. પક્ષમાં વિવિધ હોદાઓ પર પણ રહ્યા. વજુભાઈ વાળાને કર્ણાટકના ગવર્નર બનાવાયા બાદ વિજયભાઈ એ બેઠક પરથી લડ્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. પાંચ વર્ષ એમની સરકાર રહી. એમાં કામ નથી થયા એમ પણ કોઈ કહી ના શકે. શાળાઓમાં ફી બાંધણું, મહેસૂલી સુધારાથી માંડી સૌરાષ્ટ્રને એમણે જે અપાવ્યું એ નોંધપાત્ર છે. હા, એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. એમના નજીકના સાથીદારો શંકાના ઘેરામાં રહ્યાં. અને આખરે એમને દૂર કરાયાં.

અને આ માણસે એક શબ્દ બોલ્યા વિના પક્ષના હુકમને માથે ચઢાવી ખુરશી ખાલી કરી દીધી. એ પછી એમની રાજકીય અવગણના થતી હોય એવું લાગતું હતું. પણ પછી એમને પક્ષની કોર કમિટીમાં લેવામાં આવ્યા. જો કે બાદમાં એમને પંજાબ અને ચંડીગઢમાં પ્રભારી બનાવી જાણે એમનો ગુજરાતમાંથી એકડો કાઢી નાખવો હોય એવી છાપ ઉપસી. વિજયભાઈ કર્મઠ કાર્યકર્તા છે. એમણે સંઘમાં, વિદ્યાર્થી પરિષદ, ભાજપમાં કામ કર્યું છે. અને એમની છાપ એવી છે કે, પક્ષ જે જવાબદારી આપે એ સુપેરે નિભાવવી. વજુભાઈ વાળા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી સતત સાત વાર જીત્યા અને વિજયભાઈ એમના ડમી ઉમેદવાર તરીકે ફોરમ ભરતા રહ્યાં. વજુભાઈને કર્ણાટક મૂકવામાં આવ્યા એ પછી વિજયભાઈનો વારો આવ્યો.

સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી સંગઠનની દ્રષ્ટિએ વિજયભાઈએ ઘણું બધુ કામ કર્યું છે. સૌરાષ્ટ્રમાં એ ભાજપની જવાબદારી નિભાવતા આવ્યા છે. એ બાય ડિફોલ્ટ મુખ્યમંત્રી બન્યા એ જુદી વાત છે. પણ એમને ટિકિટ આપવામાં ના આવે અને એવો પત્ર લખાવી લેવાય કે એ ચૂંટણી લડવા ઇચ્છુક નથી. આ જરા વધુ પડતું ગણાય. એટલું જ નહીં રાજકોટની ચારેય બેઠકો પર એમના ટેકેદારો પૈકી કોઈને ટિકિટ અપાઈ નથી. આટલી હદે પક્ષ અન્યાય કરે તો એ નારાજ થઈ શકે છે.

અલબત, તેઓ પ્રચારમાં સક્રિય છે. પણ કદાચ સૌરાષ્ટ્ર આખાની જવાબદારી એમને સોંપવામાં આવી નથી. પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે એમની સાથે વાતચીત તો કરી છે પણ વિજયભાઇની નારાજગી દૂર થઈ છે કે કેમ એ કોઈ નિશ્ચિતપણે કોઈ કહી ના શકે. એ પક્ષ બોલાવે એ કાર્યક્રમમાં જરૂર જાય છે. એ વાત પણ ચોક્કસ કે, એ પક્ષ સામે પડે એવા નેતા નથી. એ પક્ષને વફાદાર છે. એમ તો એમના પત્ની અંજલીબેન વિજયભાઈ જે બેઠક પર લડ્યા એના નવા ઉમેદવાર ડૉ. દર્શિતાબેન શાહના પ્રચારમાં પગપાળા નજરે પડે છે. પણ વિજયભાઈના નજીકના સાથીદારો નારાજ તો છે જ. એની કેટલી અસર પડશે એ કહેવું મુશ્કેલ છે. પણ નારાજગી છે તો છે.

વિજયભાઈની જેમ નીતિન પટેલ પણ નારાજ છે. ફરક એટલો છે કે, વિજયભાઈની નારાજગી જાહેરમાં નજરે પડતી નથી. નીતિન પટેલની નારાજગી જાહેરમાં વ્યક્ત થાય છે. એ પણ કડી નગરપાલિકામાં ચૂંટાયા, પછી ધારાસભામાં. કડીમાંથી અને બાદમાં મહેસાણામાંથી એ ચૂંટાતા આવે છે. જુદા આજુદા ખાતામાં મંત્રી રહ્યા બાદ એ જ મુખ્યમંત્રી બનશે એવું નક્કી થઈ ગયું હતું. નીતિનભાઈના ઘરે ટીવીવાળા પહોંચી ગયાને મીઠા મોઢાની વ્યવસ્થા થઈ ચૂકી હતી અને છેલ્લી ઘડીએ વિજયભાઈનું નામ નક્કી થયું. નીતિનભાઈ નારાજ થયા. પણ બાદમાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં ખાતું આપઇ એમને મનાવી લેવાય પણ સચિવાલયમાં વિજયભાઈ અને નીતિનભાઈ એમ બે જૂથ પડી ગયા. અને આજે એમને પણ ટિકિટ આપવામાં આવી નથી.

એ સમયમાં પાટીદાર આંદોલન અને પછી હાર્દિક પટેલે કહેલું ય ખરું કે, કાકા આવી જાવ આઅ બાજુ મુખ્યમંત્રી બનાવીશું. પણ આજે તો હાર્દિક જ ભાજપમાં આવી ગયો છે. અને ચૂંટણી લડે છે. પણ નિતીનભાઈ બોલકા છે. એમણે અનેક એવા નિવેદનો કર્યા છે જે ચર્ચામાં રહ્યા છે. અને હમણાં જે એમની નિવેદન આવ્યું એ દર્શાવે છે કે એ નારાજ છે. એમણે કહ્યું કે, એમનું ટાઈટલ ક્લિયર છે. કોઈ કેસ એમની સામે નથી તો ય ટિકિટ તો કપાઈ. મહેસાણા અને કડી વિસ્તારમાં એમનો દબદબો આજે ય છે. પછી એ રાજકીય હોય કે સહકારી ક્ષેત્ર. એમની નારાજગી ભાજપને નડે તો ખરી જ. હા, એ ખરું કે, નિતીનભાઈ કે પછી વિજયભાઈ એ બંનેમાંથી કોઈ પક્ષ સામે બળવો કરે એવા નથી. પણ એમની નારાજગીની અસર તો વર્તાય . એની અસર એમની સક્રિયતા પર પડે તો ખરી. એ કેટલઇ ભાજપ માટે નુકસાનકારક નીવડે છે એ જ જોવાનું છે. 

Most Popular

To Top