ડરપોક સરકાર પોતાના જ પ્રધાનો પર કેમ જાસૂસી કરે છે?

જો તમે સંદેશવ્યવહાર માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હો તો તમારી કોઈ વાત ખાનગી રહી નહીં શકે. ઇઝરાયલી કંપની દ્વારા બનાવવામાં આવેલું પેગાસસ નામનું જાસૂસી સોફ્ટવેર તમારા ફોનમાં નાખી દેવામાં આવે તો તમારી બધી માહિતી હેક થઈ શકે છે. તેમાં તમારા ફોન કોલ, મેસેજ અને ઇમેઇલનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે એનએસઓ નામની ઇઝરાયલી કંપની આ સ્પાયવેર માત્ર સરકારી તંત્રને જ વેચે છે, જેનો હેતુ આતંકવાદીઓ અને દેશદ્રોહીઓ પર નજર રાખવાનો છે. કમનસીબે આપણી સરકાર તેનો ઉપયોગ રાજકારણીઓ ઉપરાંત પત્રકારો, ઉદ્યોગપતિઓ, સુપ્રિમ કોર્ટના જજો અને પ્રધાનો ઉપર જાસૂસી કરવા માટે પણ કરવામાં આવે છે. ભારતના વડા પ્રધાનને પોતાના પ્રધાનો ઉપર પણ ભરોસો નથી;  જેને કારણે તેઓ પેગાસસનો ઉપયોગ પોતાના સાથીદારોની વાતચીત ઉપર નજર રાખવા માટે કરે છે.

ઇન્સ્ટાસેફ નામની સાઇબર સિક્યુરિટી કંપનીના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસરની વાત માનીએ તો ઇઝરાયલની કંપનીના સ્પાયવેરનો ઉપયોગ ભારતના ૪૦ પત્રકારો પર જાસૂસી કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. તેમાં ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયા ટુ ડે, હિન્દુ અને નેટવર્ક ૧૮ જેવાં પ્રકાશનોનો સમાવેશ થાય છે. આ પત્રકારોની જાસૂસી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીના ગાળામાં કરવામાં આવી હતી. તમારા મોબાઇલ ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવા માટે તમને કોઈ લિન્ક મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો તમે આ લિન્ક પર ક્લિક કરશો તો તમારા ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે. કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરતાં જ પેગાસસ તમારા ફોનમાં દાખલ થઈ જાય છે, જે તેનો તમામ ડેટા જાસૂસી સંસ્થાને પહોંચાડે છે. ભારતની જે જાસૂસી સંસ્થાઓ છે તે ડાયરેક્ટ વડા પ્રધાનના કાર્યાલયની હેઠળમાં કામ કરે છે. તેમની કોઈ પણ પ્રવૃત્તિઓ માટે તેઓ સંસદને કે અદાલતને પણ જવાબદાર નથી.

ઇઝરાયલી કંપની દ્વારા બનાવવામાં આવેલું સ્પાયવેર બહુ ખર્ચાળ છે. જો કોઈ એજન્સી ૫૦ ફોન નંબરો ઉપર એક વર્ષ માટે જાસૂસી કરવા માગતી હોય તો તેનો ખર્ચો ૬૦ કરોડ રૂપિયા જેટલો આવે છે. આ કંપનીના ૪૦ દેશોમાં ૬૦ ગ્રાહકો છે, જેમાં ભારતના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. આ સ્પાયવેર એટલું મોંઘું છે કે સરકારી સંસ્થા સિવાય તે કોઈને પરવડે તેવું પણ નથી. તેના મોટા  ભાગના ગ્રાહકો સરકારી છે. ઇઝરાયલી કંપની કહે છે કે ઇઝરાયલની સરકાર દ્વારા જેમની ચકાસણી કરવામાં આવે તેને જ તેઓ પોતાનું સ્પાયવેર વેચે છે. જો કોઈ એજન્સી સ્પાયવેરનો દુરુપયોગ કરતી જણાય તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. તેમણે છેલ્લા ૧૨ મહિનામાં બે ગ્રાહકોને બ્લેકલિસ્ટ કર્યા હતા. પેગાસસ સ્પાયવેરની ખાસિયત એ છે કે જો તેને કોઈના ફોનમાં એક વખત ઇન્સ્ટોલ કરી દેવામાં આવે તો તે કોઈ રીતે અનઇન્સ્ટોલ થતું નથી. ફોનને ફેક્ટરી સેટિંગ પર લઇ જવામાં આવે તો પણ સ્પાયવેર તેમાંથી નીકળતું નથી. જો કોઈ રીતે તેને અનઇન્સ્ટોલ કરવામાં સફળતા મળી જાય તો પણ તે કામ કરતું રહે છે અને તમારા ફોનનો ડેટા જાસૂસી કરનારને મોકલ્યા કરે છે.

ભારતના જે ૪૦ પત્રકારો પર સરકાર જાસૂસી કરી રહી છે તેમાં ‘ધ વાયર’ ના સંપાદક સિદ્ધાર્થ વરદરાજન અને ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીના ભૂતપૂર્વ સંપાદક પ્રાંજોય ગુહા ઠાકુર્તાનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલાં ઇસ્તમ્બુલના સાઉદી દૂતાલયમાં જે અમેરિકાના પત્રકારની હત્યા થઇ તેની નજીકની બે મહિલાઓ પર પણ જાસૂસી કરવામાં આવી હતી. ફાઇનાન્સિયલ ટાઇમ્સ, સીએનએન, ન્યુ યોર્ક ટાઇમ્સ અને અલ જજીરા જેવી ચેનલના પત્રકારો ઉપર પણ જાસૂસી કરવામાં આવી હતી. ભારતની સુપ્રિમ કોર્ટના એક સીટિંગ જજના ફોનનું પણ રેકોર્ડિંગ કરવામાં આવતું હતું. તેમને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે તે ફોનનો જ ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. કેટલાક સોશ્યલ વર્કરોના ફોન પણ ટેપ કરવામાં આવતા હતા.

ભારતના ઘણા પ્રધાનોને ખબર છે કે તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. આ કારણે તેઓ ફોન પર કોઈ પણ ખાનગી વાત કરતા હોય ત્યારે બહુ સજાગ થઈ જાય છે. સિદ્ધાર્થ વરદરાજન કોઈ પ્રધાનનો ઇન્ટરવ્યૂ લેવાના હતા. તે પ્રધાને વારંવાર મુલાકાતનું સ્થળ બદલ્યું હતું. પછી જ્યારે મુલાકાત ચાલુ થઈ ત્યારે તેમણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો અને વરદરાજનને પણ તેમ કરવાનું કહ્યું હતું. તેમ છતાં પણ જ્યારે મુલાકાત લેવાઈ રહી હતી ત્યારે તેમણે રૂમમાં સંગીત વગાડવાનું ચાલુ રાખ્યું હતું; જેથી રેકોર્ડિંગ ચાલુ હોય તો પણ વાત બહાર જાય નહીં.

આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં પણ ઇઝરાયલી સ્પાયવેરનો ઉપયોગ કરીને કરવામાં આવતી જાસૂસીની વાત બહાર આવી ત્યારે ખળભળાટ થયો હતો. આ વખતે ગાર્ડિયન અખબાર અને બીજા ૧૬ મીડિયા ગૃહોના પત્રકારો દ્વારા આ વાત બહાર પાડવામાં આવી છે. બહાર આવેલી માહિતી મુજબ ૨૦૧૬ થી લઇને અત્યાર સુધીમાં પેગાસસ બનાવતી કંપનીને રેકોર્ડ કરવા માટે વિવિધ દેશોના આશરે ૫૦,૦૦૦ ફોન નંબરો આપવામાં આવ્યા હતા. જો કે તેમાંના કેટલા ફોન ખરેખર હેક કરવામાં આવ્યા હતા તે જાણી શકાયું નહોતું. ભારતના લગભગ ૩૦૦ નંબરો હેક કરવાની યાદીમાં હતા. તેમાંના કેટલા હેક કરવામાં આવ્યા તે જાણી શકાયું નહોતું. કોઈ પણ ફોન હેક કરાયો છે કે નહીં, તે જાણવા માટે ફોનનું ફોરેન્સિક પરીક્ષણ કરવું જરૂરી બની જાય છે.  જે ૬૭ ફોનનું પરીક્ષણ કરવામાં આવ્યું તેમાંના ૩૭ હેક થયા હતા, જેમાં ૧૦ ભારતના ફોન હતા.

ઇઝરાયલી સ્પાયવેરનો ઉપયોગ કરીને ને દેશોના ફોન ટેપ કરવામાં આવતા હતા તેમાં ભારત ઉપરાંત બહેરીન, સાઉદી અરેબિયા, મેક્સિકો, અઝરબૈજાન, યુનાઇટેડ આરબ અમીરાત, મોરોક્કો, રવાન્ડા, હંગેરી અને કઝાખસ્તાનનો સમાવેશ થાય છે. ૨૦૧૯ માં પહેલી વખત આ કૌભાંડ બહાર આવ્યું તે પછી કેનેડામાં વ્હોટ્સ એપ કંપની તરફથી ઇઝરાયલી કંપની સામે ખટલો પણ દાખલ કરવામાં આવ્યો છે. વ્હોટ્સ એપ દ્વારા દાવો કરવામાં આવે છે કે તેમના સંદેશાઓ એક છેડેથી બીજા છેડા સુધી સાંકેતિક ભાષામાં મોકલવામાં આવતા હોવાથી તેને વાંચી શકાતા નથી. ઇઝરાયલી કંપનીના સ્પાયવેરનો ઉપયોગ કરીને આવા ખાનગી સંદેશાઓ પણ વાંચી શકાય છે.

ઇઝરાયલી કંપની દ્વારા જાસૂસીના સમાચાર બહાર આવ્યા તે પછી ભારત સરકાર દ્વારા તરત ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે તેના દ્વારા કોઈના ફોન બિનઅધિકૃત રીતે ટેપ કરવામાં આવ્યા નથી. આ ખુલાસામાં ‘બિનઅધિકૃત’ શબ્દ બહુ અગત્યનો છે. ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ કાયદા મુજબ સરકારની મંજૂરી વિના કોઈ પણ નાગરિકના ફોન ટેપ કરવા તે ગુનો બને છે. ભારત સરકાર દ્વારા જો ઇઝરાયલના સ્પાયવેરનો ઉપયોગ કરીને કોઈના ફોન ટેપ કરવામાં આવ્યા હોય તો તે કાયદેસર જ કરવામાં આવ્યા હશે. સરકાર એમ પણ કહી શકે છે કે દેશની સલામતીને ધ્યાનમાં રાખીને તે ફોન ટેપ કરવામાં આવ્યા હતા; માટે તેની વિગતો બહાર પાડી શકાય તેમ નથી. જો ઇઝરાયલી સ્પાયવેરનો ઉપયોગ કરીને ફોન ટેપ થઈ શકતા હોય અને કોઈ આતંકવાદી સંગઠનના હાથમાં તેવું સ્પાયવેર આવી જાય તો દેશની સલામતી પણ ખતરામાં આવી શકે છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts