Charchapatra

મહિલા ખેલાડીઓને ન્યાય ક્યારે મળશે?

દિલ્હીમાં અનેક આશા–અપેક્ષાઓ સાથે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ માટેના નવા સંસદભવનનું આ માસના અંત ભાગમાં આપણા વડાપ્રધાન દ્વારા  ઉદ્ઘાટન થનાર છે.  આ સાથે જ દરેક વસ્તુમાં નવીનતા અને ઉત્સુકતાનું તત્ત્વ ઉમેરવા માટે જાણીતા આપણા  દેશના પ્રધાનમંત્રીને અનુસરી દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા આવતા વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડમાં મહિલાઓને મહત્તમ પ્રતિનિધિત્વ મળી રહે એવા આદેશ અલગ અલગ મંત્રાલયને મોકલવામાં આવી રહ્યા છે.  જેથી દેશ, દુનિયા અને સમાજમાં મહિલાઓનો સ્વીકાર અને મહત્ત્વ વધે તેમજ મહિલાઓ જે તે ક્ષેત્રમાં એમનું કૌશલ વધારવા અને એ રીતે દેશનું નામ રોશન કરવામાં પુરુષોની સહભાગી બની રહે.

આ આવકાર્ય વિચાર છે જેનું સ્વાગત થવું જ જોઇએ પરંતુ દિલ્હીના જંતરમંતર પર જે મહિલાઓએ ઓલિમ્પિકમાં મેડલો જીતી દેશનું ગૌરવ વધાર્યું જેમનું દેશના પ્રધાનમંત્રી દ્વારા સન્માન કરવામાં આવેલ એ જ મહિલાઓએ યૌન શોષણનો આરોપ જેના પર મૂક્યો છે એ ભારતના કુસ્તી (રેસલીંગ) ફેડરેશનના પ્રમુખ અને સાંસદ બ્રીજભૂષણસિંહને પદભ્રષ્ટ કરવાની માંગણી સાથે આ મહિલાઓ  આજે લગભગ એક મહિનાથી ધરણાં પર બેઠી છે. એમની ફરિયાદને અગ્રતાક્રમ આપી એની સામે પગલાં લેવા બાબતે દેશનો સત્તાપક્ષ  સંપૂર્ણ ચુપકી સાધીને બેઠો છે ત્યારે સ્વાભાવિકપણે એવો વિચાર આવે કે આ મહિલાઓ મેડલ જીતીને આવી ત્યારે એમનું સ્વાગત કરી દેશભરમાં વાહવાહ થયેલ એ મહિલા એમની સાથે થયેલ દુર્વ્યવહારને લઇને ધરણા પર બેઠી છે.

એમને ન્યાય અપાવવામાં/ એમની વ્યાજબી માંગણીને અગ્રતાક્રમ આપવામાં કે પછી એમની માંગણી ખોટી હોય તો એ બાબતે ચોખવટ કરવામાં કે ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં એમનું સ્વાગત કરવામાં અગ્રસ્થાને રહેલ નેતાગણ આજે કેમ ચુપકીદી સાધી બેઠું છે? આ ચુપકીદી ઘણા સવાલો પેદા કરે છે કે કાયદો શું ફક્ત અને ફક્ત સામાન્ય પ્રજાજન માટે જ છે? સત્તાસ્થાને બેઠેલા શું કાયદાથી પર છે? દરેક વ્યાજબી બાબતો માટે પણ લોકોએ કોર્ટનો આશરો જ લેવાનો? આ સવાલો સામાન્ય પ્રજાજનનાં મનમાં ઊઠે એ સ્વાભાવિક છે, જેને કારણે જ આજે દિલ્હીનું જંતરમંતર ન્યાયપ્રિય લોકોથી ઉભરાવા માંડ્યુ છે. આશા રાખીએ કે સરકાર પીડિત મહિલાઓ અને લોકોની ધીરજની પરીક્ષા લેવાને બદલે જરૂરી કાર્યવાહી કરી પીડિત મહિલાઓની માંગણીઓનું સમાધાન કરે જેથી દેશના લોકોને વિશ્વાસ બેસે કે કાયદો બધા માટે સમાન છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top