Health

શું છે ‘પામી (PAAMI)’ અને હાર્ટઅટેકના શરૂઆતના કલાકો?

એક સરકારી અધિકારી જેઓ આમ જુઓ તો તંદુરસ્ત અને કોઈ ખાસ તકલીફ નહીં. એક સવારે જ્યારે તેઓ તેમની કચેરી જતા હતા ત્યારે અચાનક તેમને હૃદયનો અસહ્ય દુખાવો ઉપડ્યો. તેમણે સૂઝબૂઝ વાપરીને તેમના ડ્રાઇવરને કહ્યું કે કાર પાછી લઈ લો અને તેમના ફિઝિશ્યન મિત્રની નજીકની હોસ્પિટલ તરફ લેવા જણાવ્યું. સાથે સાથે તેમણે સમય વ્યય કર્યા વિના તેમના પત્ની અને બાળકોને હોસ્પિટલ પહોંચવા જણાવ્યું. હોસ્પિટલ પહોંચતા ECG કરી એમના ફિઝિશ્યન તબીબે કહ્યું ભાઈસાહેબ આપ કઈ રીતે આવ્યા? લિફ્ટથી કે દાદર ચઢીને? આપને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવું લાગે છે. હવે અહીંથી વ્હીલચેરમાં જજો. દુખાવા સિવાય કોઈ ચિહ્નો ખાસ નહોતા તેથી આ દર્દી હોસ્પિટલ પણ દાદર ચઢીને ગયા હતા. કોઈ પણ વધુ ચર્ચા અને સમય બરબાદ કર્યા વિના આ તબીબે એમને ત્વરિત એન્જિયોગ્રાફી અને કાર્ડિયોલોજીસ્ટને જરૂર લાગે તો ‘પામી’ કરાવી લેવા અભિપ્રાય આપી નજીકની હાર્ટની ખાનગી હોસ્પિટલમાં જવા સૂચવ્યું. 

હૃદયનો અસહ્ય દુખાવો થયાના 80 મિનિટની અંદરમાં દર્દી કેથલેબ સુધી સફર કરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી અર્થાત્ ‘પામી’ કરાવી ચૂક્યું હતું. પામી PAAMI એટલે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી ઈન એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (primary angioplasty in  acute myocardial infarction)અને સ્પષ્ટ ગુજરાતીમાં કહું તો હાર્ટઅટેક આવે ને ત્વરિત પ્રાથમિક ધોરણે જે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે એ! આ બનાવ બીજે ક્યાંય અમેરિકાનો નથી, સુરતનો જ છે. આના પરથી પાછલા અંકમાં જણાવેલું એમ આજે ત્રણ વસ્તુ સમજીશું. એક તો હાર્ટઅટેકના ચિહ્નો, બીજું આ હુમલો આવે ત્યારે હૃદય અને શરીરમાં શું ફેરફાર થાય છે અને તે કેમ જીવલેણ સાબિત થઇ શકે અને ત્રીજું એ ફેરફારોને જો રિવર્સ કરવા હોય તો કેટલો સમયગાળો છે અને એમાં શું કરવું જરૂરી છે?

શું છે હાર્ટઅટેકના ચિહ્નો?
છાતીમાં દુખાવો કે છાતીમાં કંઈક અસ્વસ્થતા અનુભવવી, શ્વાસ લેવામાં તકલીફ, ગળા કે ખભા કે જડબામાં દુખાવો, પીઠના ઉપરના ભાગમાં દુખાવો, થાક લાગવો કે ચક્કર આવવા કે માથું હળવું થઇ ગયાનો અનુભવ થવો, પરસેવો થવો વગેરે ચિહ્નોનો સમાવેશ થાય છે. ફક્ત ગરમીના લીધે ડિહાઇડ્રેશન થવું કે માથું દુખવું કે પરસેવો થવો વગેરેને અનુલક્ષી જાતે જાતે નિદાન કરવાનું ટાળવું. હંમેશાં જે ચિહ્નો છે એ માટે તમારા ફિઝિશ્યન કે જરૂર મુજબ કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું રાખો. ફિઝિશ્યનનો અર્થ અહીં MD કે DNB મેડિસિન તબીબ થાય.

શું છે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને કઈ રીતે જીવલેણ બને છે?
જ્યારે હૃદયમાં લોહીનો પ્રવાહ આંશિક કે સંપૂર્ણ રીતે થંભી જાય એટલે કે પ્રતિબંધિત થઇ જાય છે ત્યારે હૃદય તેને પોતાને જરૂરી લોહી અને ઓક્સિજન મેળવવા અસક્ષમ બને છે. લોહીનો પ્રવાહ આંશિક રીતે ઘટતા છાતીમાં દુખાવો ઉપડવાની આ ઘટના મ્યોકાર્ડિયલ ઇસ્કેમિયા અને લોહીનો પ્રવાહ સંપૂર્ણ પ્રતિબંધિત થતાં કે પ્લેક તૂટતાં નળી સંપૂર્ણ બ્લોક થતાં, લાંબા સમય સુધી અને સારવાર ન કરાયેલ મ્યોકાર્ડિયલ ઇસ્કેમિયાના પરિણામે હૃદયના સ્નાયુઓ કાયમ માટે મૃત થવાની ઘટના હૃદયરોગનો હુમલો એટલે કે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન તરીકે ઓળખાય છે. આ સમયે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને જેટલો લાંબો સમય પૂરતા લોહી અને ઓક્સિજન વિના જાય છે એટલું જ હૃદયના સ્નાયુને વધુ નુકસાન થતું હોય છે.

એવું ક્યારે થાય?
 તો જ્યારે લોહીના પ્રવાહમાં ચરબી કે કોલેસ્ટરોલ વધવા લાગે છે ત્યારે નુક્સાનકારક પદાર્થ પ્લેક બનવાનું શરૂ થતા એ નળીઓને સાંકડી કરે છે. શરીરના તમામ અંગોને લોહીના પ્રવાહ થકી મળતા ઓક્સિજનમાં ઘટાડો કરે છે. આ તમામ અંગોમાં હૃદય પણ આવી ગયું. જ્યારે કોરોનરી ધમનીઓમાં આ પ્લેક તૂટવા લાગે છે કે પછી જેઓને આ પ્લેક છે જ નહીં અને ઘણા ધૂમ્રપાન કરે છે તેઓમાં આ નળીઓના સ્પાઝ્મને લીધે લોહીનો પ્રવાહ બ્લોક થાય છે અને જ્યારે હૃદયના કોષોને નુકસાન પહોંચવાનું શરૂ થાય છે ત્યારે ચોક્કસ પ્રકારના પ્રોટિન મુક્ત કરવા હૃદય ટ્રીગર થાય છે. જ્યારે આ હૃદય યોગ્ય રીતે કાર્ય કરી ન શકતું હોય ત્યારે શરીરના મહત્ત્વના અંગો બ્રેઈન, ફેફસાં, કિડની, લીવર વગેરેને જરૂરી ઓક્સિજન અને પોષક તત્ત્વો ના મળતા તેઓને પણ નુકસાન પહોંચવાનું શરૂ થાય છે અને જો આ લાંબો સમય રહે તો આ અંગોને કાયમી નુકસાન થઈ શકે અને મૃત્યુ થઈ શકે. જેટલો વધુ બ્લોક હોય અને જેટલો વધુ સમય સારવાર લેવામાં કરો એટલું જલ્દી આ તમામ અંગોને નુકસાન પહોંચવાનું શરૂ થતું હોય છે.

શું છે પામી, PAAMI?
હાર્ટઅટેક આવ્યાના પ્રથમ કલાકને ગોલ્ડ અવર (સોનેરી કલાક) કહેવાય છે. આમ તો છ કલાક પણ શ્રેષ્ઠ રીતે ચાર કલાકની અંદર જો (હાર્ટઅટેક આવ્યાના સમયથી) પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે તો હૃદયના સ્નાયુઓને કાયમ રીતે નુકસાન પહોંચતું અટકાવી શકાય છે. બાકી આ સમય મર્યાદા બહાર જ્યારે હૃદયના સ્નાયુઓને કાયમી નુકસાન પહોંચે ત્યારે એટલો સ્નાયુ કે એટલા કોષો કાયમ માટે મૃત જ રહે છે. સમયસર લીધેલા ECG દ્વારા યોગ્ય રીતે નિદાન કરી સારવાર લેવામાં આવે તો આ ઇસ્કેમિયાને રિવર્સ કરી શકાય છે. આ ઇસ્કેમિયાને ડિટેક્ટ કે નિદાન કરવા ECG, કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ અને ત્યાર બાદ એન્જિયોગ્રાફી વગેરે પરીક્ષણ ઉપલબ્ધ છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જ નિદાન થઈ ગયું હોય તો એમાં સ્ટ્રેસ ટેસ્ટ કરવો અયોગ્ય છે. ક્યારેય ન થાય!

આ બનાવ પરથી સૌથી મહત્ત્વની વાત અહીં જે ટેક-અવે સંદેશા તરીકે સમજવાની જરૂર છે એ ગોલ્ડ અવર અને આપના તબીબ પર વિશ્વાસ મૂકી જે તે પરીક્ષણ કે પ્રોસીજર માટે ત્વરિત અનુમતિ આપવી એ છે. આ દર્દીએ એમના તબીબ પર વિશ્વાસ ના રાખ્યો હોત તો?? વિચારવામાં જો આખો દિવસ લઈ એવું ધારીએ કે દવા આપતા દર્દીને સારું થઈ રહ્યું છે અને એને તો કંઈ નથી થયું તો જીવનભર માટેનું હૃદયને પહોંચતું નુકસાન એ તમારી પોતાની જાત સાથે ચેડા કરવા બરાબર છે. દવાથી આવી જશે કે એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે એ તબીબને નક્કી કરવા દો. ઇન્ફાર્કટ થઈ ગયેલું હૃદય જીવનભર ઘણા ગંભીર કોમ્પ્લિકેશન નોતરે છે. જે હૃદય આપણા માટે અવિરત પંપ કરતું રહે એના માટે આટલો નિર્ણય ત્વરિત લઈ જ શકીએ ને, આ જિંદગી પર એ હૃદયનું ઋણ ચૂકવવા!

Most Popular

To Top