Comments

ભારતની રાજનીતિનું વર્તમાન ચિત્ર શું સૂચવે છે?

દેશમાં જુદાં જુદાં રાજયોની વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ ફરી એક વાર સાબિત કર્યું કે ભાજપ અને કોંગ્રેસ એ બે પક્ષો વચ્ચે સત્તાની ખેંચ હોય તો ભાજપ જીતે છે! અને ભાજપના વિકલ્પે બીજો કોઇ પક્ષ પ્રજા પાસે હોય તો ભાજપને બદલે કોંગ્રેસને પસંદ કરવાને બદલે આ નવા વિકલ્પને જ પ્રજા પસંદ કરે છે! ભારતના રાજકીય ચિત્રમાં કેન્દ્રમાં સત્તા ભાજપની છે પરંતુ દિલ્હી અને હવે પંજાબમાં રાજય વિધાનસભામાં ‘આમ આદમી પાર્ટી’ની સરકાર છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ છે તો રાજસ્થાનમાં કોંગ્રેસ છે. બિહારમાં નીતીશકુમારની જનતા દળની સરકાર છે, જેને ટેકો ભાજપનો છે. દક્ષિણનાં રાજયોમાં તો પ્રાદેશિક પક્ષો જ છે. મતલબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પસંદગી કરવાની થાય તો ભાજપ જીતે છે. પણ સ્થાનિક પક્ષ સક્ષમ વિકલ્પ પૂરો પાડે તો ભાજપ જીતી શકતું નથી.

તાજેતરમાં આવેલાં ચૂંટણી પરિણામોમાં એક વાત સ્પષ્ટ થાય છે કે કયાંક ને કયાંક ભાજપ સામે કોંગ્રેસ થોડા માટે પાછી પડે છે! ગોવામાં શાસન ભાજપનું જ હતું. કેન્દ્રમાં પણ ભાજપ છે, છતાં ચાલીસ બેઠકોવાળી વિધાનસભામાં બહુ મોટી બહુમતી મળી નથી. રાજકીય વિશ્લેષણમાં જો સતત જીતેલી બેઠકોના આંકડાને જ ધ્યાનમાં લઇએ તો સાચો અંદાજ મેળવવામાં ભૂલ પણ થાય. કારણ કે મતોના માર્જીન તથા કુલ મળેલા મતની ટકાવારી પણ લાંબા ગાળાની રાજનીતિને સમજવા મદદરૂપ થાય છે! કોંગ્રેસ આ હિસાબે હજુ 25% થી 35% મત જાળવી શકયું છે. જયાં ભાજપ અને અન્ય જીતનાર પક્ષ સાથેનું તેનું મતોનું અંતર 9% થી 12% છે. પક્ષીય રાજનીતિમાં વ્યૂહ રચનાકારે વિચારવાનું હોય તો એ વિચારવાનું છે કે આ 9% થી 12% નું અંતર કેવી કેવી રીતે ઘટે!

ઉત્તર પ્રદેશમાં આ વખતે અખિલેશે બીજેપીને સારી લડત આપી. પણ માયાવતીના કમીટેડ મતદારો સપા તરફ જવાને બદલે ભાજપ તરફ ઢળ્યા હોય તેમ લાગે છે. જેણે ભાજપાને જીત અપાવી. બે – ત્રણ વિકલ્પ હોય ત્યાં કોંગ્રેસ ચોથા સ્થાને પણ નથી રહેતી તે વિચારવા જેવું છે! ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસને વોટ શેરની રીતે પણ સમર્થન નથી! લાગે છે ઉત્તર ભાજપના આખા પટ્ટામાં ભાજપા નહીં તો બીજું કોઇ પણ કોંગ્રેસ તો નહીં જ! આવી માનસિકતા ઘડાતી જાય છે! સત્તામાં આવ્યા પછી પણ કોંગ્રેસ સત્તા જાળવી શકતી નથી. એ પક્ષ તરીકે તેણે વિચારવાનો અને તેનામાં વિશ્વાસ મૂકતા લોકોએ વિચારવાનો સમય છે! રાજકીય પરિપકવતા અને સમજણના મામલે ઉત્તર કરતાં દક્ષિણના મતદારો વધારે જાગૃત થતાં જાય છે! અને કેન્દ્રમાં બે – બે ટર્મ રહ્યા પછી પણ ભાજપ દક્ષિણમાં કર્ણાટકથી આગળ વધતું નથી. તે તેને માટે પણ વિચારવાનો મુદ્દો છે.

ભારતની રાજનીતિમાં વ્યકિતવાદી રાજનીતિનું પ્રભુત્વ વધતું જાય છે. એક સંપૂર્ણ પક્ષ તરીકે અત્યારે માત્ર ભાજપ છે. એ સિવાયના પક્ષો વ્યકિતકેન્દ્રી છે. સંપૂર્ણ પાર્ટી તરીકે. કોંગ્રેસ વિચારધારા સાથેની સંપૂર્ણ પાર્ટી છે જ! પણ હાલ તો આખી રાજનીતિ કોંગ્રેસના વિરોધની જ ચાલે છે! માટે સત્તામાં તો એક ભાજપ જ છે જે કેડરબેજ પાર્ટી છે! બાકી તૃણમૂલ કોંગ્રેસ એટલે મમતા બેનર્જી. સમાજવાદી પાર્ટી એટલે અખિલેશ યાદવ. બહુજન સમાજ પક્ષ એટલે માયાવતી. આપ એટલે અરવિંદ કેજરીવાલ! આમ, ભારતીય રાજનીતિનું ચિત્ર કેટલીક ચિંતા ઉપજાવનારુ છે. આમાં લોકશાહીના સમયગત પરિવર્તનો. ભવિષ્ય માટે જરૂરી કાયદાઓનો વિચાર લાંબા ગાળાની આર્થિક – સામાજિક વ્યૂહરચના અને ખાસ તો વ્યવસ્થા પરિવર્તનની કયાંય વાત થતી નથી. ચૂંટણી વ્યકિતવાદી અને લાગણીઓના મુદ્દાઓ ઉપર લડાય છે એટલે વૈચારિક અને વાસ્તવિક ચિંતાઓની કયાંય નિસ્બત જ દેખાતી નથી! આ ચિત્ર સારું નથી!  
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top