Comments

કોઈને ડરાવવા હોય અને કોઈને ડરવું હોય તો આપણને કયાં વાંધો છે

થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની બહુમતી છે માટે કાયદો અને વ્યવસ્થા છે. જે દિવસે ભારતમાં મુસ્લિમોની બહુમતી થઈ જશે તે દિવસે દેશના બંધારણનો અંત આવશે. કાયદાનું શાસન ખત્મ થઈ જશે. નીતિન પટેલનું આ નિવેદન સાંભળી રહેલાં લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા. નીતિન પટેલના નિવેદનનો ટાઈમીંગ બહુ અગત્યનો છે. ગુજરાતમાં કોરોનાને કારણે જે સ્થિતિ ઊભી થઈ તેના કારણે લોકો નારાજ થવા સ્વાભાવિક છે અને આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આમ તો ચૂંટણી 22 ડિસેમ્બરમાં છે, પણ નીતિન પટેલનું નિવેદન જોતાં લાગી રહ્યું છે ચૂંટણી વહેલી આવે તો નવાઈ નહીં. ખેર, ચૂંટણી કયારે આવશે અને કોણ જીતશે તે અલગ પ્રશ્ન, પરંતુ નીતિનભાઈએ જે ચિંતા જાહેરમાં વ્યકત કરી તે મુદ્દો ચૂંટણી કરતાં મોટો અને ગંભીર છે. હું નીતિન પટેલને છેલ્લા ત્રણ દાયકાથી વ્યકિતગત રીતે ઓળખું છું.એટલે ખાતરીપૂર્વક કહી શકું કે નીતિન પટેલ માત્ર હિન્દુત્વના મુદ્દે જ નથી કોઈ પણ મુદ્દે કયારેય અંતિમવાદી મત ધરાવતી વ્યકિત નથી.

નીતિનભાઈ જે વિસ્તારમાંથી આવે છે તેવા ઉત્તર ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા પણ નોંધપાત્ર છે. 2002 નાં તોફાનો બાદ કરતાં ઉત્તર ગુજરાતમાં હિન્દુ મુસ્લિમનો તનાવ મોટાં શહેરો જેવો રહ્યો નથી. આ  વિસ્તારમાં માણસ માણસની નજીક રહ્યો છે.તેમને મન જ્ઞાતિ અને ધર્મ વ્યકિતગત બાબત છે. તેઓ સમૂહ જીવનમાં પોતાની જ્ઞાતિ અને ધર્મને હાવી થવા દેતા નથી, જયારે પ્રજા જ સહિષ્ણુ હોય ત્યારે તેમનો લોક પ્રતિનિધિ કેવી રીતે અંતિમવાદી હોય? નીતિનભાઈ પટેલે આ નિવેદન કર્યું એટલે તેનું જૂદું મહત્ત્વ છે કારણ તેઓ જે માનતા નથી તેવું નિવેદન તેમને કરવાની ફરજ પડી છે. મારો વ્યકિતગત મત છે કે નિવેદન નીતિનભાઈએ કર્યું હોવા છતાં સ્ક્રીપ્ટ રાઈટર જુદો છે. નીતિનભાઈએ તો માત્ર સ્ક્રીપ્ટનું પઠન કર્યું છે, પણ આવું નીતિનભાઈ શું કામ કરે તે પણ એક પ્રશ્ન છે. 2017 ની ચૂંટણીમાં નીતિનભાઈ મુખ્ય મંત્રી થાય છે તેવું નક્કી જ હતું, પણ છેલ્લી ઘડીએ આદેશ બદલાઈ ગયો અને વિજય રૂપાણી મુખ્ય મંત્રી થયા. નીતિનભાઈ ખાસ્સા નારાજ પણ થયા.

પણ સામા પ્રવાહે તરવાની તેમની તૈયારી ન્હોતી અને નથી. બીજી તરફ નારાજ નીતિનભાઈને નાયબ મુખ્ય મંત્રી પદ આપવું પડયું તે પણ સિનિયર નેતાઓની મજબુરી હતી કારણ કે નીતિનભાઈને નુકસાન કરવાનો અર્થ થતો હતો કે પાટીદાર વોટ બેન્કને નારાજ કરવી, સાસુ-વહુના ઝઘડા પછી દીકરાએ મા-બાપ સાથે રહેવું પડે તેવી જ સ્થિતિ નીતિનભાઈ અને પાર્ટીની રહી છે. અનેક વખત નીતિનભાઈ રાજકારણ પૂરું કરવાનો પ્રયત્ન અને પેંતરા થયા, પણ દર વખતે કંઈક એવી સ્થિતિ નિર્માણ થઈ કે નીતિનભાઈને રાજકીય જીવતદાન મળ્યું. હવે ગુજરાતમાં પાર્ટીના કર્તાહર્તા સી. આર. પાટીલ છે. તેમણે કોર્પોરેશનની ચૂંટણીમાં મોટી સફાઈ કરી. હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેવું જ કંઈક થવાનો આશાર છે. 182 માંથી 100 કરતાં વધુ નવા ચહેરા આવે તો નવાઈ નહીં, તેવા સંજોગોમાં નીતિનભાઈએ ગુજરાતના લોકોને મુસ્લિમોનો ડર બતાડી બંધારણ ખતરામાં હોવાની ચેતવણી આપી છે. 2002 ના તોફાન વખતે મારો દીકરો પાંચ વર્ષનો હતો. તેણે સ્કૂલમાં સાંભળેલો ડર મારી સામે વ્યકત કર્યો.

મારા દીકરાએ કહ્યું, આજે જુહાપુરાથી બે ટ્રક ભરી મુસલમાનો આવવાના છે. હું ત્યારે નારણપુરા રહેતા જુહાપુરાથી લગભગ સાત આઠ કિલોમીટર દૂર વચ્ચે ચિક્કાર હિન્દુ વસ્તી, આ વસ્તી પાર કરી  મુસ્લિમો આમને મારી નાખશે તેવો તેને ડર હતો. આ ડર તેને કોઈકની પાસેથી મળ્યો હતો. આ વાતને 19 વર્ષ થઈ ગયાં, હજી પેલી બે ટ્રકો નારણપુરા સુધી આવી નથી. આવું જ નિતીનભાઈના નિવેદનનું છે. ભારતમાં મોગલ સામ્રાજયનો પ્રારંભ 1192 માં થયો અને 1857 સુધી અલગ અલગ મોગલ શાસનકર્તા ભારતમાં રહ્યા. તેમના ઉદ્દેશમાં એક ઈસ્લામનો પ્રસાર પણ હતો, ઈસ્લામના પ્રસાર માટે તેમણે તલવારનો પણ ઉપયોગ કર્યો. આમ ભારતમાં સાડા છસો વર્ષ સુધી મોગલો રહ્યા, છતાં ભારતનું ઈસ્લામીકરણ થયું અને હિન્દુઓની સંખ્યા ઘટી નહીં. આમ સાડા છસો વર્ષ સુધી આ દેશનાં લોકો લડયાં અને પોતાનાપણું જાળવી રાખ્યું, પણ દેશ આઝાદ થયાના 70 વર્ષમાં દેશનું ઈસ્લામીકરણ થઈ જશે તેવો ડર લાગી રહ્યો છે. ડર કોઈ સામાન્ય માણસને લાગે તો સમજાય, પણ નીતિનભાઈ તો શાસક છે. શાસકને કેવી રીતે ડર લાગે.

આ દેશની મઝા જ એવી છે કે સાડા છસો વર્ષ સુધી ઈસ્લામિક શાસક રહ્યા છતાં દેશના હિન્દુઓની સંખ્યા ઘટી નહીં. અંગ્રેજી શાસન વખતે અને ત્યાર બાદ પશ્ચીમીકરણનો પવન ફૂંકાયો. દેશના એક મોટા વર્ગને પશ્ચિમના દેશો સોનાની નગરી લાગ્યા. તેઓ દાયકા પહેલાં ત્યાં ગયા અને વસ્યા, છતાં તેમનું મન તો ભારતમાં જ રહ્યું. ત્યાં જન્મ લેનાર પોતાનાં બાળકોને પોતાની પરંપરા ભૂલે નહીં તેની ચિંતા અને દરકાર રાખે છે. આમ આખરે કંઈ જ બદલાયું નહીં.આમ તમે કોઈને ડર બતાડો કે ધ્યાન રાખજે, તારા શરીરમાંથી તારું કોઈ લોહી બદલી નાખશે તેના જેવો આ ડર છે. હમણાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અમદાવાદ આવ્યા હતા. તેમણે પણ કહ્યું, ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી જશે તેવું કયારેય થવાનું નથી, પણ ચૂંટણી આવી રહી છે એટલે નીતિનભાઈ પાર્ટી લાઈન પ્રમાણે નિવેદન કરે તો વાંધો નથી, કારણે ગંદાએ હે પર ધંધાએ જેવું છે, કોઈને ડરાવવા હોય અને કોઈને ડરવું જ હોય તો આપણને વાંધો નથી કારણ આપણે વાંધો લેનાર કોણ છીએ.   
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top