Editorial

તાલિબાનોને પાકિસ્તાન મદદ કરી રહ્યું છે તે હવે જગજાહેર થઇ ગયું છે

ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની કાબૂલમાં પ્રવેશ કરીને આખી દુનિયાને અચંબામાં મૂકી દીધી હતી. આમ તો અમેરિકી દળો પાછા ખેંચાવાની જાહેરાત થઇ તે સાથે જે કેટલાક દિવસથી અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાં તાલિબાનોની આગેકુચ ચાલુ હતી અને તેઓ એક પછી એક પ્રાંતો કબજે કરી રહ્યા હતા, પણ આટલી ઝડપથી અને વિના વિરોધે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ફતેહ મેળવશે અને તે સાથે લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવશે એવું અમેરિકાએ પણ ધાર્યુ ન હતું.

તાલિબાનોની આ અણધારી આગેકૂચથી ઘણાને આશ્ચર્ય થયું હતું પણ એક નિષ્ણાત અભિપ્રાય જણાવે છે કે આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પાકિસ્તાનની તાલિબાનોને દેખીતી મદદથી તાલિબાનોનો જુસ્સો બુલંદી પર હતો અને અફઘાન દળો હતોત્સાહ થઇ ગયા હતા અને ખૂબ સરળતાથી શરણે થઇ જતા હતા. તાલિબાન સંગઠનને પાકિસ્તાન મદદ કરી રહ્યું છે તેવા આક્ષેપો આમ તો લાંબા સમયથી થતા હતા અને પાકિસ્તાન આ આક્ષેપો નકારતું આવ્યું હતું પણ છેલ્લા કેટલાક સમયમાં આ આક્ષેપોને બળ આપે તેવી કેટલીક ઘટનાઓ બની જ ગઇ છે. તાલિબાનો જ્યારે આગેકૂચ કરી રહ્યા હતા તે જ સમયે એવા અહેવાલ બહાર આવ્યા હતા કે કંદહારમાં તાલિબાનો પર હવાઇ હુમલો કરવા ગયેલા અફઘાન હવાઇ દળના વિમાનને પાકિસ્તાનના ફાઇટર વિમાનોએ ધસી આવીને, ડરાવીને ભગાવી દીધું હતું. દેખીતી રીતે આવા બનાવોથી અફઘાન દળોનું મનોબળ તૂટી જ જાય, કારણ કે પાકિસ્તાનના લશ્કર સામે અફઘાન સેના સાવ નબળી છે.

તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવી લીધો અને તેમની સરકાર રચાય તે નક્કી થઇ ગયું, તે પછી તાલિબાનોના વિવિધ જૂથો વચ્ચે સરકાર રચના અંગે મતભેદોની વાતો બહાર આવી અને આને કારણે સરકાર રચના વિલંબમાં પડતી ગઇ, તે સમયે સૌને આશ્ચર્યમાં મૂકી દે તેવા ઘટનાક્મમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના વડા કાબુલ પહોંચી ગયા. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ(આઇએસઆઇ)ના ડિરેકટર જનરલ લેફ. જનરલ ફૈઝ હામિદ ગયા સપ્તાહે કાબુલની અઘોષિત મુલાકાતે પહોંચ્યા હતા. મધ્ય ઓગસ્ટમાં તાલિબાનોએ અફઘાન રાજધાની કબજે કરી તે પછી આ દેશની મુલાકાતે જનાર તેઓ એક માત્ર હાઇ-રેન્કિંગ વિદેશી અધિકારી છે.

એવા અહેવાલો બહાર આવ્યા કે તાલિબાનોને સરકાર રચવામાં મદદ કરવા જ હામિદ અધિકારીઓની ટીમ સાથે કાબુલ પહોંચ્યા હતા. કાબુલમાં સોમવારે એક પત્રકાર પરિષદમાં તાલિબાન પ્રવકતા મુજાહિદે એ વાતને સમર્થન આપ્યું હતું કે આઇએસઆઇના વડા પોતાની કાબુલની મુલાકાત દરમ્યાન મુલ્લા બરાદરને મળ્યા હતા એમ બીબીસી ઉર્દુએ અહેવાલ આપ્યો હતો. હિઝબ-એ-ઇસ્લામી પક્ષના વડા ગુલબુદ્દીન હિકમત્યારની નજીકના સૂત્રોને ટાંકીને બીબીસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગુપ્તચર વડા હિકમત્યારને પણ મળ્યા હતા અને દેશની હાલની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ અહેવાલો સ્પષ્ટ સૂચવે છે કે અફઘાનિસ્તાનમાં સરકાર રચનામાં પાકિસ્તાન સીધો રસ લઇ રહ્યું છે.

આ પછી સોમવારે પંજશીર ખીણ પણ પોતે કબજે કરી હોવાના તાલિબાનના દાવાના અહેવાલો આવ્યા. આ સાથે એવા અહેવાલો પણ આવ્યા કે તાલિબાનોને બરાબર ટક્કર આપી રહેલા પંજશીરના લડવૈયાઓને હરાવવા માટે પાકિસ્તાનનું હવાઇદળ તાલિબાનોની મદદે આવ્યું હતું અને પાક હવાઇદળના વિમાનોએ પંજશીર ખીણમાં બોંબ વરસાવ્યા હતા જેનાથી ત્યાંના લડવૈયાઓની હાલત બગડી ગઇ હતી. પંજશીર ખીણ અજેય ગણાતી હતી અને ત્યાંના ખૂંખાર લડાકુઓ તાલિબાનોને ગાંઠે તેવા ન હતા. ભૂતપૂર્વ ઉપપ્રમુખ સાલેહ અને પ્રસિદ્ધ તાલિબાન વિરોધી યોદ્ધા અહમદશાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળ તાલિબાન વિરોધી દળો લડી રહ્યા હતા. આ પંજશીર ખીણમાં સ્થાનિક લડવૈયાઓએ ૧૯૮૦ના સમયમાં સોવિયેટ દળોને પણ ઘેરી લીધા હતા અને તેના એક દાયકા પછી તાલિબાનોને પણ ઘેરી લીધા હતા.

આવા લડાકુઓ સામે તાલિબાનો જીતી નહીં જ શકે એવું પાકિસ્તાનને કદાચ લાગ્યુ હશે, તાલિબાનોએ કદાચ મદદ પણ માગી હોય અને પાકિસ્તાનના હવાઇ દળના જેટ વિમાનો પંજશીર સુધી પહોંચી ગયા અને બોમ્બમારો કર્યો અને પોતાના મિત્રો તાલિબાનોને જીતાડ્યા. આ વખતે તાલિબાનોની બાબતમાં નવી બાબત એ છે કે તેમનું એક સ્પેશ્યલ ફોર્સ પણ છે જે પુરી રીતે તાલીમબદ્ધ અને વિવિધ પ્રકારના સરંજામથી સજ્જ છે. બદરી-૩૧૩ નામનું આ સ્પેશ્યલ ફોર્સ રચવામાં પણ તાલિબાન સંગઠનને પાકિસ્તાને જ મદદ કરી હોવાનું કહેવાય છે. આ બધી બાબતો પરથી એ હવે સ્પષ્ટ થતું જાય છે કે તાલિબાનોને પાકિસ્તાન સીધી મદદ કરી રહ્યું છે.

Most Popular

To Top