Comments

પાક. તાલિબાનોના પડખામાં: ભારતે શું કરવું?

પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ વીજળી વેગે અને સ્તબ્ધ કરી દે તેવા લશ્કરી બળવામાં અફઘાનિસ્તાનનો કબજો લઇ લીધો. અમેરિકા આગેવાની હેઠળનાં વિદેશી દળો 20 વર્ષ પછી અચાનક બહાર ચાલ્યા ગયા. સ્વાભાવિક રીતે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા ચાલ્યું જતાં ભારત અને અન્ય પડોશી દેશો અસલામતી અને ચિંતામાં મુકાઇ ગયા છે.

ભારતને જેની સાથે ગાઢ સંબંધ હતા તે રાષ્ટ્ર પ્રમુખ અશરફ ગની તાલિબાનોએ રાજધાની કાબુલને ઘેરી લેતાં ભાગી ગયા છે. અફઘાનિસ્તાનની પશ્ચિમી દેશોના ટેકાવાળી સરકાર તા. 15 મી ઓગસ્ટે ઓચિંતી તૂટી પડતાં પશ્ચિમી દેશો માટે કામ કરનાર રાજદ્વારીઓ, વિદેશી સહાયતા કાર્યકરો અને અફઘાન નાગરિકોની અભૂતપૂર્વ હિજરત શરૂ થઇ. અફઘાનિસ્તાનમાં પોતાની એલચી કચેરી બંધ કરી પોતાના કર્મચારીઓ અને નાગરિકોને પાછા લાવનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

છેલ્લાં વીસ વર્ષોમાં ભારતે વિકાસ યોજનામાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને અફઘાન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપી છે અને નવ કરોડ ડોલરના ખર્ચે સંસદ ભવન બાંધવામાં મદદ કરી છે, જેનાથી તે દેશમાં ભારતની પ્રતિષ્ઠામાં ખાસ્સો વધારો થયો છે. આપણે જાણીએ છીએ કે જે કંઇ બન્યું છે તે તાલિબાન અને અમેરિકા વચ્ચે 2020 ના ફેબ્રુઆરીમાં થયેલા કરારની નીપજ છે.

કેટલાક લોકો દલીલ કરે છે કે પોતાના હિતોની રક્ષા કરવામાં તાલિબાન પાસે પહોંચવામાં ભારતે મોડું કર્યું છે પણ હકીકત એ છે કે તાલિબાનો પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ- આઇ.એસ.આઇ.ના ખોળામાં હોવાથી ભારત સાવધ છે. હવે પાકિસ્તાનના જાસૂસી વડા ફૈઝ હમીદની કાબુલ મુલાકાતે સાબિત કરી દીધું છે કે તાલિબાનો પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના કઠપૂતળી માત્ર છે. અફઘાનિસ્તાનમાં હવે પાકિસ્તાન તરફી સરકાર છે એ બાબતમાં કોઇ શંકા નથી. પરિણામે પાકિસ્તાન અને તેના નિકટના મિત્ર તેમજ ભારતના કટ્ટર હરીફ ચીનને અફઘાનિસ્તાનમાં મોટી ભૂમિકા ભજવવાની તક મળશે.

તાલિબાનોએ સત્તાનું હસ્તાંતરણ કરી લીધું હોવાથી ભારત વિરોધી ત્રાસવાદી જૂથો સહિતના પ્રાદેશિક ઉદ્દામવાદીઓ એક થઇ જશે, અલબત્ત, ભારતે સૌથી પહેલાં એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે અફઘાન ધરતીનો ભારત વિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ નહીં થાય. સુન્ની અને વહાબી ત્રાસવાદી જૂથો તાલિબાનોને માથે હાથ ફેરવી દે તેવી ભીતિ વચ્ચે અફઘાનિસ્તાન ઇસ્લામી ત્રાસવાદનું કેન્દ્ર બની જાય તેની ભારતને ખાસ્સી ચિંતા છે. આથી ભારતે જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં વધતી સુરક્ષા ચિંતા વચ્ચે સુરક્ષા વ્યવસ્થા વધારવી જ રહી.

1996-2001 વચ્ચેના પોતાના પહેલા સત્તારોહણ દરમ્યાન તાલિબાનો આંતરરાષ્ટ્રીય રીતે વિખૂટાં પડી ગયાં હતાં કારણ કે માત્ર ત્રણ જ દેશો પાકિસ્તાન, સાઉદી અરબિયા અને સંયુકત આરબ અમીરાતે જ તેને માન્યતા આપી હતી પણ આ વખતે પરિસ્થિતિ જુદી લાગે છે કારણ કે ચીન, રશિયા અને ઇરાન જેવી પ્રાદેશિક સત્તાઓએ એવો નિર્દેશ આપ્યો છે કે અમે અમારા હિતોની સલામતી માટે તાલિબાનો સાથે કામ કરીશું? તેનું કારણ એ પણ છે કે અફઘાનિસ્તાનની આસપાસના મોટા ભાગના દેશો બળવાખોરીનો સામનો કરી રહ્યા છે. તેથી તેમણે તાલિબાનોને તેમનો ટેકો આપ્યો હોઇ શકે પણ અંદરથી તેઓ પોતાના દેશોની બળવાખોરીથી ચિંતિત થઇ શકે. ચીન માટે બાદાકશાન પ્રાંત માથાનો દુખાવો છે. ત્યાં ઇસ્ટર્ન તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટના યોદ્ધાઓએ અમેરિકા અને તેના સાથીઓ સામે ખભેખભા મિલાવીને લડત આપી છે. આ યોદ્ધાઓ ચીનના શિન્ઝીયાંગ પ્રાંતના ઉઇગર મુસ્લિમો માટે પણ લડે છે. બાદાકશાન શિન્ઝીયાંગ પ્રાંત સાથે 95 કિલોમીટરની સરહદ ધરાવે છે એ રીતે એચેનના કોકેસસ અમીરાત યોદ્ધાઓ રશિયા માટે ચિંતાનું કારણ બની રહ્યા છે.

પાકિસ્તાનમાં તેહરીફ-એ-પાકિસ્તાનની હકૂમતનો વિરોધ કરતાં જાહેર સ્થળોએ બોંબધડાકાને કારણે અને ધાર્મિક સ્થળોએ પણ બોંબધડાકા થવાથી ચિંતાનું કારણ બની છે. ભારત માટે તેનો મતલબ શું થાય? અફઘાનિસ્તાનમાં છેલ્લા તાલિબાની શાસન દરમ્યાન કંદહારમાં 1999 ના એરવિંડિયાના અપહૃત વિમાનના ઉતારુઓના બદલામાં કાશ્મીરમાં પ્રવૃત્ત ત્રણ ઉગ્રવાદીઓને છોડવા પડયા હતા. તેમાં જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો પણ સમાવેશ થતો હતો. અઝહરના છૂટકારાથી ઉગ્રવાદીઓને પુનર્ગઠન અને ભારત સામે વ્યૂહરચના કરવામાં મદદ મળી હતી, એ કાશ્મીરની બળવાખોરીમાં ટેકો મેળવવા અઝહર તાલિબાનો સાથે મસલત કરે છે. તેણે કંદહાર જઇને તાલિબાન નેતાઓને, તેમની અમેરિકા પરના વિજયની જાહેરાત પછી તરત જ મુલાકાત કરી.

મસૂદ અઝહર જેવા લોકો કાશ્મીરના યુવકો પર અસર કરી શકે છે. 2000 ની સાલમાં શ્રીનગરના લશ્કરી થાણા પર હુમલો કરવા માટે શ્રીનગરના એક યુવકને તૈયાર કરી અઝહરના જૈશે ફિદાયીન એટલે કે આત્મઘાતી હુમલાની શરૂઆત કરી હતી. તાલિબાનોએ કહ્યું છે કે કાશ્મીર સહિતના વિશ્વભરમાં મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અમારો હક્ક છે, એનો અર્થ એ થાય કે ભારતે ઝડપથી વિચારવું પડશે. ભારતે તાલિબાનો સાથે સંબંધો સારા રાખવા સાથે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું પડશે, કેટલાક રાજકીય પક્ષો અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પુનરાગમનને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને અન્ય રાજયોમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે ત્યારે આ મુદ્દો બનશે જ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top