Comments

ચોમાસામાં ચાલવું પણ એક કળા છે!

બોસ..! અભિમાન તો કરવું નથી, પણ બગીચાની લોન ઉપર ચોમાસામાં ચાલવું એટલે કરીના કપૂરની કેડમાં હાથ વીંટાળીને, ‘કેટવોક’ કરતા હોય એવી ગલીપચી થાય…! પણ આડેધડ કાદવ-કીચડ હોય, એમાં ગૌધન પરિવારની શૌચક્રિયા ભળી હોય ને પોતાની વાઈફ સાથે જ હટાણું કરવા જવું હોય તો, કમર પકડાઈ જાય..! એ વાત અલગ છે કે, વાઈફની પ્રોક્ષીમાં બીજું હોય તો ઠેકડા મારવાની પણ મૌજ આવે..! બાકી જો એક વાર કાદવમાં ફસાયા તો શોધેલાં જોડા-ચંપલ પણ નહિ મળે. ઉઘાડે પગે જ હટાણાની યાત્રા કરવી પડે..!

પાડ માનો કે, બીજા પ્રદેશની માફક આપણે ત્યાં મહાકાય કાદવ-કીચડ જનમ લેતા નથી, બાકી એક વાર જો એવા કીચડમાં વાઈફ  ફસાઈ ગઈ તો વાઈફને ત્યાં જ છોડી દેવી પડે..! સાલું, ચોમાસામાં ચાલવું પણ એક ‘આર્ટ’ છે. એ આર્ટનાં કોઈ તાલીમ કેન્દ્રો દેશમાં ચાલતાં નથી, એ આપણી કમનસીબી છે..! સાલું ભગવાન આગળ ઉપજતું નથી એટલે ને..? બાકી આ છત્રી, રેઈનકોટ, વાછટ, રેલ, કાદવ-કીચડ ને વાવાઝોડાના ધાંધિયાની માથાકૂટ જોઈએ શું કામ યાર..? ચોમાસાને એક બે વર્ષના ‘ડ્રોપ’ આપવા જ ભગવાનને અરજ કરીએ. પીવાના પાણીના બાટલા ‘રેડીમેઈડ’ ખુલ્લેઆમ મળે જ છે ને..? એગ્રીકલ્ચરના ઉત્પાદન માટે ઓવરહેડ વોટર પાઈપ લાઈન રાખી હોય તો, સ્ટોરેજ કરીને નદી-તળાવ-સરોવર બધું સંભાળ્યા કરે..! ?

ગમે તે કરો યાર, પણ કાદવ કીચડમાં રસ્તા નહિ બગાડો..! જોઈએ તો ચોમાસામાં રસ્તાને પણ ‘ડાયપર’ પહેરાવો, પણ અમારા ઘૂંટણની ઢાંકણી બચાવો..! શહેરીલાલાઓને માંડ બે ચાર કુંડાના છોડવાં કે બગીચા પલાળવાના હોય..! એટલા માટે આખું ચોમાસું થોડું વેડફી નંખાય..? ચોમાસું પણ ચાર વરસે લીપ ઈયરની માફક પ્રગટ થવું જોઈએ. ચાર વર્ષ પિયરમાં રહીને જેમ વાઈફ હબ્ધી બનીને આવે એમ, પછી જુઓ ચોમાસું પણ કેવું પાવરફુલ વરસે કે નહિ..! અરે, એક સાલ પણ ચોમાસું ડ્રોપ લે તો એની ઈમ્યુનીટી વધી જાય..!  ઉનાળાના મહિના વધી જતાં, ટેસથી ધાબે ચઢીને ગરમીને બોનસમાં નહિ ભોગવીએ..?

બધું બરાબર, પણ સમજે કોણ ..? આજકાલ તો ચોમાસું પણ ઓન લાઈન મંગાવેલા જોડા જેવું થઇ ગયું. ઓન લાઈનમાં આવેલો જોડો જેમ ટૂંકો પડે, કે લાંબો પડે એમ, ચોમાસું પણ માપમાં નહિ આવે. ચોમાસું પંચાંગમાં જ સારું લાગે, બાકી પાકિસ્તાનની માફક શાંતિથી ઘરમાં બેઠાં હોઈએ તો પણ અકળાવીને ઊંચા નીચા કરી નાંખે..! ઉપદ્રવી સાસુને સામે ચાલીને વસાવી હોય એટલો આકરો લાગે..! સાલું  વેઠવાનું જ વધારે આવે .! એકવાર ‘છીઈઈમ..છીઈઈમ’ કરવાનું ચાલુ કરે એટલે ફીઈઈણ..ફીઈઈણ નીકળવા માંડે…!

એના કપાળમાં કાંદા ફોડું,  જીવતરની આખી સ્ટાઈલ બદલી નાંખે..! કોરોનામાં માસ્કથી મોંઢા ઢાંકી-ઢાંકીને કંટાળ્યા હોય, એમાં વરસાદ પડે એટલે, છત્રી-રેઇનકોટથી મોંઢા ઢાંકવાનાં. ગંગારામ જાણે આપણા વિજ્ઞાનીઓ શું ઉકાળે છે, પણ એકેય વિજ્ઞાનીએ એક રેઇન કોટમાં બબ્બેને સમાવવાની શોધ હજી કરી નથી..!. એટલે વાઈફ માટે બીજો રેઈનકોટ તો લેવો જ પડે. જો કે આપણે પણ સીધી લીટીના માનવી નહિ ને..? એક રેઇનકોટમાં બે ને સમાવવાની સવલત આવે એટલે એવા દયાના સાગર થઇ જઈએ કે, કોઈ બેન પલળતી હોય તો, ઋજુ હૃદય વલવલવા માંડે. તરત કહે કે, ‘આવી જા બેન, ખોટી શું કામ ભીંજાય છે? મારો રેઇન કોટ ડબલ સવારીવાળો જ છે..!’ બીજું કે, વાઈફ માટે જુદો રેઇનકોટ લેવાનો આવે તો તો લોહી જ પી જવાય યાર..! રેઇનકોટ પણ મેચિંગ અને પાછળ બટનવાળો શોધે..! રેઇનકોટના ખિસ્સા ફંફોસીને પણ જોઈ લે કે, કંપની વાળાએ ગીફ્ટમાં કાંસકો કે માથાનું બક્કલ તો મૂક્યું નથી ને..?

 બંદાને ચોમાસાનો બીજો કોઈ પ્રોબ્લેમ નહિ, પણ ચોમાસામાં ચાલવાની ચાલ તો બદલવી જ પડે. ઋતુ પ્રમાણે કપડાં બદલાય,  ખોરાક બદલાય, મૌજ બદલાય, એમ રસ્તા ઉપર ચાલવાની ચાલ પણ બદલાય..! જેવો વરસાદ પડે એટલે મારી બકી, કારેલાને પંપાળવા માંડે. ગંગારામ જાણે એ કોણ કહી ગયેલું કે, ‘આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ, ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક..!’ વરસાદ પડ્યો નથી ને, બકી ગુણચા ભરીને કારેલા લાવી નથી. વિચાર કરો કે, કડવા કારેલા જેવા માણસનું મોંઢું જોવાનું ગમતું ના હોય, એને ભર ચોમાસામાં કારેલા ચાવવાના આવે એની વલે શું થાય..? અઠવાડિયામાં  છ દિવસ બકી કારેલું ખવડાવે, ને એક દિવસ કારેલું પચાવવા ભૂખો રાખે..! એના કપાળમાં કાંદા ફોડું..!

કસ્સ્મથી કહું કે, તમે ભલભલા રસ્તાઓ ખૂંદી નાંખ્યા હશે, ને ચાલવાના સોલ્લીડ અનુભવી પણ હશે, પરંતુ ઋતુ પ્રમાણે ચાલવાનો લહેકો તો બદલવો જ પડે. જે રસ્તાઓ ચોમાસા સિવાયની ઋતુમાં ‘સુવર્ણમૃગ’ જેવા લાગતા, એ કાદવ-કીચડમાં સુર્પણખા જેવા બની જાય. પેટછૂટી વાત કરું તો, એકની એક વાઈફની સિલ્લક ઉપર જિંદગી કાઢવી સહેલી, બાકી ઋતુ પ્રમાણે ચાલ તો બદલવી જ પડે..!

શિયાળામાં ધોતિયું કે લુંગી પહેરીને કાદવ-કીચડ સાથે યુદ્ધ કરવા નહિ જવાય..! વાઈફ ના ખભે હાથ નાંખીને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરીને ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ ગાવા રસ્તા ઉપર જઈએ તો કાદવ-કીચડ આડો આવે..!  વાઈફને સાચવવા જઈએ કે, કીચડથી બચવા જઈએ? એમાં સાઈકલ તો મુદ્દલે નહિ ચલાવાય. શ્રીશ્રી ભગો એક વાર પડેલો એમાં  ઘૂંટણની ઢાંકણીનું આખું સેટિંગ ખોરવી આવેલો. હજી સમારકામ ચાલે છે બોલ્લો..! ભેરવાઈ જવાય યાર..!

લાસ્ટ ધ બોલ– લોકડાઉનની લહેર સાલી પૂરી થતી જ નથી. લોકડાઉનમાં એટલી વાર ઊંઘવાનું આવ્યું કે, સ્વપ્નાંઓ પણ રીપીટ થવા માંડ્યાં. રાતે આવે એ જ દિવસે પણ આવે. ત્યાં સુધી કે બે સ્વપ્ના વચ્ચે હવે તો કમર્સિયલ જાહેરાતો પણ ચાલુ થઇ ગઈ..! એના કપાળમાં કાંદા ફોડું…!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top