Comments

ચેતજો! શિક્ષણના નિર્ણયો વેપારીઓના લાભાર્થે થાય છે!

શિક્ષણ જ્યારે મેળવવું હોય, જેને મેળવવું હોય ત્યારે અને તેને મળવું જોઈએ! આ આદર્શ વાત છે. જ્ઞાન મુક્ત છે અને તે નિયમોના બંધનમાં, સમયપત્રકોના બંધનમાં બંધાયેલું ન હોય એ જ શ્રેષ્ઠ… પણ આ આદર્શ વિદ્યાર્થી બાજુએ અમલમાં મૂકાય તો સારું પણ ખાનગીકરણના યુગમાં, શિક્ષણના બજારમાં શિક્ષણની દુકાનો ખોલીને બેઠેલાં લોકો પોતાની શાળા-કોલેજની ખાલી પડેલી બેઠકો ભરવા માટે આવી સૂફિયાણી વાતો કરે તો ચેતજો..

‘‘હવે આર્ટસનો વિદ્યાર્થી પણ મેડીકલમાં પ્રવેશ મેળવી શકશે!’’ – આવનારાં વર્ષોમાં આવું સાંભળવા મળે તો રાજી ના થતાં. ચેતજો! વિચારજો કે હવે મેડીકલ કોલેજોમાં પણ બેઠકો ખાલી પડવા લાગી! સંચાલકો એટલા પાવરફુલ થઈ ગયા કે એડમિશન પ્રક્રિયાના નિર્ણય કરનારા પણ એમના કહેવા મુજબ નિર્ણય  કરવા લાગ્યા! બજાર હોય કે લોકશાહી, ગ્રાહક હોય કે નાગરિક… જાગૃતિ જ વ્યક્તિને બચાવે છે.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ બાદ જે જે નિર્ણયો લેવાયા છે. જે જે નિયમો બદલાયા છે તે ધ્યાનથી જુઓ તો સમજાશે કે શિક્ષણ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળું બનાવે કે ન બનાવે. શિક્ષણ સંસ્થાના (વેપારીઓ) સંચાલકોના વર્તમાનને માલામાલ જરૂર બાનાવે છે! જરા છેલ્લાં વર્ષોમાં લેવાયેલા નિર્ણયો પર નજર નાખો…

થોડાક નમૂના… પ્રથમ તો એ યાદ કરો કે વર્ષ 2000 પહેલાં ગુજરાતના શાળાકીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં દસમા પછી બે પ્રવાહ હતા. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ. જે વિદ્યાર્થી વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે મેડીકલ, એજિન્યિરીંગ ફાર્મસી જેવાં ક્ષેત્રોમાં આગળ અભ્યાસ કરવા માંગતા હોય તો દસમા પછી વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા અને આ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનનાં ત્રણ મુખ્ય પાસાં સૌ એ ભણવાનાં હતાં.

આ વર્ષોમાં વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ખૂબ ઓછું આવતું. સરેરાશ 50% વિદ્યાર્થીઓ માંડ પાસ થતાં. મોટા ભાગના ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં નપાસ થાય, પણ પછી ખાનગી એજિનિયરીંગ કોલેજો ખૂલી.. ધડાધડ ખૂલી.. અને શરૂઆતમાં એડમિશન માટે પડાપડી થતી, ડોનેશન લેવાતાં, પણ એકાદ-બે વર્ષમાં એટલી બધી એન્જિનિયરીંગ સંસ્થાઓ ખૂલી કે બેઠકો ખાલી રહેવા લાગી.

કોલેજોનાં મૂડીરોકાણ માથે પડવા લાગ્યાં અને શિક્ષણવિભાગે નિયમ બદલ્યો. વિજ્ઞાનપ્રવાહમાં પણ બે ભાગ પાડ્યા. એ ગૃપ અને બી ગૃપ. જેમને મેડીકલ કે ફાર્મસી જેવાં ક્ષેત્રોમાં જવું છે તે ગણિત ન લે તો ચાલે, જેમને એન્જિનિયરીંગમાં જવું છે તે જીવવિજ્ઞાન ન ભણે તો ચાલે!(એકમાંથી તર્ક ગયો.. બીજામાંથી સંવેદના કાઢી) વિદ્યાર્થીઓને ભારણ ઘટ્યું! ગણિતમાં નપાસ થનારાએ ગણિત છોડ્યું. જીવવિજ્ઞાનમાં કાચાએ એને છોડ્યું અને બારમા સાયન્સનું બમ્પર પરિણામ આવવાનું શરૂ થયું.

વળી એન્જિનિયરીંગ કોલેજોમાં, ફાર્મસી કોલેજોમાં પડાપડી થઈ વળી. દસમા-બારમાની પરીક્ષા પધ્ધતિ પણ સરળ કરી, મૂલ્યાંકન પણ હળવું કર્યું અને બાકી હતું તો ગ્રેસીંગ કરીને પણ વિદ્યાર્થીઓને પાસ કર્યા! જો વિદ્યાર્થીઓને ખૂબ ઊંચા ટકા ન આવે પણ પાસ થાય, સાઈઠ પાસઠ ટકા આવે તો ઉજ્જવળ ભવિષ્યની લાલચે ખાનગી કોલેજોમાં એડમિશન લઇ જ લે.. આ પણ એક લાલચ જ છે. જે આપવામાં આવી. ફાર્મસી અને એન્જિનિયરીંગમાં વર્ષ ત્રીસ-ત્રીસ હજાર ભણવા લાગ્યા.

પણ બીજી તકલીફ થઈ. એડમિશન લેનારા પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષની પરીક્ષામાં જ નપાસ થવા લાગ્યા. કોલેજમાં પ્રથમ વર્ષ એડમિશન થાય પણ બીજા અને ત્રીજા વર્ષ કે સેમેસ્ટરમાં સંખ્યા ઘટી જાય…વળી નિયમ બદલાયા.. પ્રથમ, બીજા, ત્રીજા કોઈ પણ સેમેસ્ટરમાં નપાસ હોય એ પણ આગળના સેમેસ્ટરમાં એડમિશન લઈ શકશે. વિદ્યાર્થી પાછલા સેમેસ્ટરની પરીક્ષાઓ ટ્રાયલ દ્વારા પાસ કરી શકશે.(જૂના કોલેજ શિક્ષણમાં જે ATKT)કહેવાતું. વળી સંખ્યા વધી. બજાર આગળ ચાલ્યું. પછી પાછું થોડાં વર્ષોમાં એન્જિનિયરીંગનો ક્રેઝ ઘટ્યો.. બેઠકો ખાલી પડી.. તો નિયમ બદલાયો. હવે બી ગૃપવાળા વિદ્યાર્થીઓ મતલબ જેમણે અગિયાર-બારમાં મેથ્સ નથી લીધું તે પણ એન્જિનિયરીંગમાં એડમિશન લઈ શકશે. વળી, એ ગૃપવાળા જે જીવવિજ્ઞાન નથી ભણ્યા તે ફાર્મસીમાં એડમિશન લઈ શકશે…‘‘ શિક્ષણ મરો.. વાલી મરો.. પણ બેઠકો ભરો..’’ માત્ર એન્જિનિયરીંગ નહિ, શિક્ષણના ક્ષેત્રે તમામ નિર્ણયો જુઓ અને તપાસો તો સમજાશે કે આખો ખેલ સંચાલકોના લાભાર્થે જ ચાલી રહ્યો છે. મતલબ કે સ્થાપિત હિતો શિક્ષણનો નિર્ણય કરનારી અગત્યની બોડીમાં મોટી વગ ધરાવે છે.

પહેલાં એંસી ટકાએ પણ જ્યાં એડમિશન ન મળે ત્યાં હવે ચાલીસ ટકાએ કે બે-ત્રણ ટ્રાયલે પણ એડમિશન મળે છે. એન્જિનિયરીંગ કોલેજો કરતાં પણ ખરાબ હાલત બી.એડ. કોલેજોની છે. પહેલાં કોલેજો બેઠક ભરવા બીજા રાજ્યના વિદ્યાર્થીઓને એડમિશન આપતી. હવે તો યુનિ. એ જ નિયમ બનાવ્યો કે બી.એડ. માં બીજા રાજ્યના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાશે! ટકા પણ ફાળવી આપ્યા. આ યોજના બહુ સરસ છે. બી.એડ. કોલેજના સંચાલકો પગારદાર એજન્ટ રાખે છે. દૂરના વિસ્તાર કે બીજા સમયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીને ‘‘કોલેજમાં નિયમિત હાજર નહિ રહેવું પડે. ખાલી ફી ભરો, પરીક્ષા આપો.’’ મુજબ લલચાવી લાવે છે.

ટૂંકમાં શિક્ષણક્ષેત્રના મોટા ભાગના નિર્ણયો જાણે કે ખાનગી શિક્ષણ સંસ્થાની બેઠકો ભરવા લેવાતા હોય એમ લાગે છે. જ્યાં શિક્ષણશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ કે માનસશાસ્ત્રીઓના મતની કોઈ પરવા જ નથી. બાકી વિજ્ઞાનપ્રવાહમાંથી ગણિત કાઢો તો બાકી શું બચે! મૂળભૂત રીતે વિજ્ઞાન એટલે ભૌતિકવિજ્ઞાન પછી એના અભ્યાસ માટે ભાગ પડે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર. એમાં ગણિત એટલે આંકડા નહિ. ગણિત એટલે તર્ક! ગણના. વિજ્ઞાનના પાયામાં જ તર્ક છે. જિજ્ઞાસા છે, પ્રશ્ન છે અને માટે જ પ્રયોગ છે, સાબિતી છે!

તમે બાળકનો તર્ક જ છીનવી લો છો! પણ આ બધું વિચારવાનો સમય કયો છે! રાજનેતાઓએ જ કોલેજ ખોલી હોય. રાજનેતાઓએ જ નિર્ણાયક કમિટીમાં નિમણૂક કરી હોય! ત્યાં શિક્ષણનો વિચાર કોણ કરે! હવે જાણવાનું, સમજવાનું માત્ર વાલીઓએ છે. છેલ્લી અને અગત્યની વાત છે તે આ છે કે બજારમાં વેપારીઓ બધી જ ચાલાકી કરે, પણ તેમા ફસાવું કે નહિ એ ગ્રાહકે જોવાનું છે. સંચાલકો તો કહેશે કે ત્રણ વર્ષનાં બાળકોને પણ ભણવા મૂકો. એ લોકો તો કહેશે કે આર્ટસમાં ભણેલાં પણ એન્જિનિયરીંગમાં એડમિશન લો. એ તો એવો નિયમ પણ બનાવશે કે પચાસ વર્ષે પણ ભણી શકાય માટે એડમિશન લો! પણ વિચારવાનું આપણે છે કે આપણું બાળક આ પાર પાડી શકશે! આપણે કે આપણાં બાળકે ભણવાનું છે તે કોના માટે આપણા જ્ઞાન માટે કે સંચાલકોના નફા માટે!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top