Business

ગૌતમ અદાણીએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું, કરોડોનો સોદો કર્યો

નવી દિલ્હી: અદાણી (Adani) ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે અને આ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. સિમેન્ટ (Cement) સેક્ટરમાં તેના વર્ચસ્વને વધુ મજબૂત બનાવતા તેમની કંપની અંબુજા (Ambuja) સિમેન્ટ તમિલનાડુના (Tamilnadu) તુતીકોરિનમાં (TutiKoran) સ્થિત માય હોમ ગ્રૂપનું સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ હસ્તગત કરશે. આ ડીલ 400 કરોડ રૂપિયાથી વધુની છે.

અંબુજા સિમેન્ટ જે સિમેન્ટ ગ્રાઇન્ડર યુનિટ હસ્તગત કરવા જઈ રહી છે તેની ક્ષમતા 1.5 MTPA છે. આ યુનિટ અદાણી ગ્રુપની કંપની 413.75 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલ બાદ અદાણી ગ્રૂપને તમિલનાડુ અને કેરળના માર્કેટમાં તેનો બિઝનેસ વધારવામાં મદદ મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિગ્રહણ બાદ કંપની વર્તમાન કર્મચારીઓને જાળવી રાખશે.

તમિલનાડુના તુતીકોરિન બંદરનો આ સિમેન્ટ ગ્રાઇન્ડિંગ પ્લાન્ટ 61 એકરમાં ફેલાયેલો છે. અદાણી ગ્રુપનું સિમેન્ટ સેક્ટર પર ખાસ ફોકસ છે અને તેથી જ કંપની એક પછી એક ડીલ કરી રહી છે. ગયા વર્ષની શરૂઆતમાં, અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ દ્વારા સાંઘી સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો અને હવે તેણે માય હોમ ગ્રૂપના યુનિટને હસ્તગત કરવાની તૈયારી કરીને આ ક્ષેત્રમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંબુજા આંતરિક સ્ત્રોતોમાંથી એક્વિઝિશન માટે ભંડોળ એકત્ર કરશે.

અંબુજા સિમેન્ટનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.33 લાખ કરોડ છે અને સોમવારે અંબુજા સિમેન્ટનો શેર 608ના સ્તરે બંધ થયો હતો. અદાણીના આ શેરે એક વર્ષમાં તેના રોકાણકારોને 55 ટકાથી વધુ વળતર આપ્યું છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 640 રૂપિયા પ્રતિ શેર છે.

અદાણી અમીરોની યાદીમાં 14માં સ્થાને છે
ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ બે કંપનીઓ સિમેન્ટ ક્ષેત્ર સાથે સંબંધિત છે. તેમાંથી એક અંબુજા સિમેન્ટ અને બીજી એસીસી સિમેન્ટ છે. ACC સિમેન્ટનું માર્કેટ કેપિટલાઇઝેશન 45840 કરોડ છે અને સોમવારે તેના શેર 2441 પર બંધ થયા છે. ઉલ્લેખનીય છે કે અદાણી વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ $99.5 બિલિયન છે અને તે 14માં સૌથી ધનિક વ્યક્તિ છે.

Most Popular

To Top