Dakshin Gujarat

વ્યારામાં નજીવી બાબતે મહિલા ઉપર પથ્થરથી હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

વ્યારા: (Vyara) ડોલવણ ઉમરાવદુર સ્વરાજ્ય ફળિયામાં જેઠાણીએ કચરાનો ઢગલો કર્યો હોય ત્યાં દેરાણીએ લીલો ચારો કાપી કચરાના ઢગલાની બાજુમાં નાંખતાં બબાલ થઈ હતી. જેઠાણીએ પતિને બોલાવતાં તેણે આ દેરાણીના ઘરે જઇ તેના માથામાં પથ્થર (Stone) મારી દીધો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકીઓ (Threat) આપી, ઢીક્કામુક્કીનો માર મારી ગાળો પણ આપી હતી. આ મામલે ભોગ બનનાર જેઠાણીએ દેરાણી સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.

ડોલવણના સ્વરાજ ફળિયામાં રહેતી અને પોતાના વિસ્તારમાં આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતી રીના વિનોદ ચૌધરી (ઉં.વ.૪૨) કેન્દ્રમાંથી બપોરે બે વાગે ઘરે આવી હતી. તેને ઘરે લીપણકામ કરવાનું હોવાથી ઘર પાછળ ગઈ તે વખતે તેણે કચરો ભેગો કરીને ઢગલો કર્યો હતો. તેની બાજુમાં રહેતા તેનાં દેરાણી મમતાબેન લીલો ચારો કાપીને નાંખતા હોવાથી તેમણે દેરાણીને કહ્યું કે, તને દેખાતું નથી કે કચરો ઢગલો કર્યો હતો. જે સળગાવ્યા પછી તમારે અહીં ચારો નાંખવાનો હતો. મમતાબેને કહ્યું કે, આ મારી જગ્યા છે. હું જ્યાં ચારો નાંખું ત્યાં તમારે શું લેવાદેવા, કહી ચારો લાવી નાંખ્યા જ કરતાં હતાં. દેરાણી મમતાબેને તેના પતિ નીલેશને ફોન કરી આ વાતની જાણ કરી હતી.

ત્યારબાદ આશરે અઢી વાગેના સુમારે આ મમતાબેનના પતિ નિલેશે રીનાના ઘરે જઈ ગાળો આપી હતી. સાથે પથ્થરથી રીનાના માથામાં ડાબી બાજુએ બે વખત પથ્થર મારી દીધો હતો. એ વેળા દેરાણી મમતા તથા તેની કાકી સાસુ તારાબેન શાંતિલાલ ચૌધરી બંને ઢીક્કામુક્કીનો માર મારી ગાળો બોલી કહેતાં હતાં કે તારી અહીં જગ્યા નથી. તમને જગ્યા આપી છે ત્યાં તમારું ઘર બનાવો. આ વખતે નિલેશે “આજે તો જીવતી બચી ગઇ છે, હવે પછી એકલી મળશે તો જીવતી નહીં રહેવા દઇએ” તેવું કહેતાં રીના ચૌધરીએ નિલેશ શાંતિલાલ ચૌધરી, મમતા, તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે નજીવા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું
ભરૂચ: ભરૂચના સ્ટેશન સર્કલ પાસે બે જૂથ વચ્ચે હંગામો સર્જાતાં મામલો ગરમાયો હતો અને લોકટોળું એકત્ર થઇ ગયું હતું. બબાલના પગલે પોલીસે તુરંત ઘટના સ્થળે ધસી જઈ વાત વધુ વણસતા અટકાવી હતી. મામલે સામસામી ફરિયાદો નોંધાઈ છે.

ભરૂચની વસીલા સોસાયટી ખાતે રહેતા અબ્દુલ્લા મકસુદખાન પઠાણ મોફેસર જીન કંપાઉન્ડ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા. એ વેળા તેમના મિત્ર યાહ્યા ઉર્ફે મોઇન મન્સુરીએ ફોન કર્યો હતો કે, રાજધાની હોટલ પાસે કેટલાક શખ્સો તેને માર મારી રહ્યા છે. જેથી તે તેના મિત્રો સાથે તુરંત સ્થળ પર જઇ હુમલો કરનારને ‘શું થયું કેમ મારો છો’ તેમ પૂછવા જતાં તેમને પણ હુમલાખોરોએ માર્યો હતો. જો કે, તે તેમના ચુંગાલમાંથી છૂટી દૂર ગયા બાદ તેમને લોખંડનો પાઇપ લઇ મોઇનને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં હુમલાખોરો તેઓ ઇકો કારમાં બેસી ભાગવા જતાં તેણે કારના કાચ પર પાઇપ મારી પડકાર્યા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચતાં તમામને પકડીને લઇ ગઈ હતી. અબ્દુલ્લા પઠાણે હુમલો કરનારા ભાવીન કાયસ્થ, રશ્મીકાંત કાયસ્થ, ધવલ કાયસ્થ તેમજ નીલેશ કાયસ્થ સામે આક્ષેપો કર્યા હતા.

આ ઘટનામાં સામે પક્ષે ભાવીને નોંધાવેલી ફરિયાદ અનુસાર તે તેના ભાઇ ધવલ, પિતા રશ્મીકાંત તેમજ મામા નીલેશ સાથે રાજધાની હોટલમાં ખાવા ગયા હતા. જ્યાં તેઓ કાર રિવર્સ લેતા હતા, ત્યારે એક શખ્સે તેમની કારનો કાચ પાઇપ મારી તોડી નાંખ્યો હતો. ઉપરાંત તેમને કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો.

Most Popular

To Top