Dakshin Gujarat

“તું બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે..” વ્યારામાં નાની ચીખલી ગામે પ્રેમ સંબંધને લઈ યુવક પર હુમલો

વ્યારા: (Vyara) વ્યારા નાની ચીખલી ગામે બસ સ્ટેન્ડ પાસે તું બહેન સાથે કેમ પ્રેમ સંબંધ (Love Affairs) રાખે છે કહી ઢીક મુકીનો માર મારી ગાળો આપી લોખંડના સળીયા વડે હુમલો કરતાં યુવક ઘવાયો હતો. પોલીસે આ મામલે બે વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • વ્યારા નાની ચીખલી ગામે પ્રેમ સંબંધને લઈ હુમલો, યુવક ઘવાયો
  • “તું બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે” કહી ઢીક મુકીનો માર માર્યો

વ્યારા નાની ચીખલી ગામે મોટુ ફળિયામાં રહેતા નિકુમ સુરેશભાઈ ગામીત (ઉ.વ.૨૪) ગત તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે બારેક વાગે પોતાની મોટરસાયકલ લઇ બંધારપાડા ગામે ગીધમાળના મેળામાં ફરવા ગયો હતો. બપોરના આશરે ત્રણેક વાગે પરત ઘરે આવ્યા બાદ આશરે ચારેક વાગે બસસ્ટેશન પાસે પ્રદીપ મનુભાઈ ગામીતની દુકાને કોઇ કામ અર્થે ગયો હતો. ત્યારે બપોરના આશરે સાડા ચારેક વાગે જીતેશ માધુભાઇ ગામીત તથા કલ્પેશ લાલુભાઇ ગામીત (બંને રહે.નાની ચીખલી, મોટુ ફળિયા, વ્યારા)નાઓએ”તું બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે” કહી ઢીક મુકીનો માર મારી ગાળો આપી હતી.

કલ્પેશએ લોખંડના સળીયા વડે નિકુમ ગામીતનાં માથામાં બે ત્રણ સપાટા મારી ઇજા પહોંચાડી હતી. જો બહેન સાથે પ્રેમસંબંધ રાખશે તો તને જીવતો નહી છોડીએ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત નિકુમ ગામીતને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. નિકુમનાં જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી તેનો યુવતિ સાથે પ્રેમસંબંધ ચાલતો હોય તેની અદાવત રાખી જીતેશ અને કલ્પેશનાઓએ પ્રેમસંબંધ બાબતે હુમલો કર્યો હતો. આ બંને વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે.

Most Popular

To Top