SURAT

વરાછામાં 15,000 લોકો નરક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર, વિપક્ષનો મનપા પર હલ્લાબોલ

સુરત(Surat): પાયાની સુવિધા નહીં હોવાની ફરિયાદ સાથે આજે વરાછાના વોર્ડ નં. 14ના રહીશો અને વિપક્ષના કોર્પોરેટરોએ હંગામો મચાવ્યો હતો. શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગંદકી દૂર કરવા સાથે પીવા માટે સારું પાણી ઉપલ્બ્ધ કરાવવા માંગણી કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના (SMC) વરાછા (Varacha) વિસ્તારના વોર્ડ નં.14 માં આવેલા ઉઘરસ ભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને મુળ પાયાની સુવિધાઓ મળી રહી નથી. અહીંના રહીશો નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યાં છે. આ વિસ્તારના રહીશોને હજુ મૂળ પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓ મળી નથી.

આ વિસ્તારમાં 15000ની વસ્તી છે. આ વિસ્તારમાં ઠેરઠેર જાહેરમાં ગટરના દુર્ગંધ મારતા પાણી વહે છે. જાહેર રોડ પર આંતરિક ગટરલાઇનોના અભાવે દૂષિત પાણી વહી રહ્યાં છે, જેના કારણે આ વિસ્તારના રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. તેઓ પર હંમેશા રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે. તેમ છતાં નિષ્ઠુર શાસકોના પેટનું પાણી હલતું નથી.

આ વિસ્તારના રહીશોની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી સાથે આજે પાલિકાના વિપક્ષના નેતાઓએ મોરચો કાઢ્યો હતો. પાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, સુરત મહાનગરપાલિકાને તાજેતરમાં જ નંબર વન ક્લીન સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ આ વિસ્તારની કફોડી સ્થિતિ આ ઉપલબ્ધિ સામે પ્રશ્નાર્થ સર્જે છે.

સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડમાં જયારે આપણે એકતરફ સ્વચ્છતાની વાત કરવામાં આવે છે જયારે બીજી તરફ વરાછા વોર્ડ નં. 14ના વિસ્તારના 15,000થી વધુ નાગરિકોને ઘરદીઠ ડ્રેનેજની સુવિધા આજદિન સુધી મળી નથી તથા આટલી વસ્તીએ એકમાત્ર ” પે એન્ડ યુઝ ટોઇલેટ ” છે, તે પણ જર્જરિત છે.

અહી નવું ” પે એન્ડ યુઝ ટોઇલેટ ” બનાવવાનુ નકકી થયું પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલ્વેને સમાંતર રોડની પહોળાઇમાં વધારો કરવાના નામે તેમને વૈકિલ્પક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘરવિહોણાં કરવાના ભાગરૂપે નર્કાગાર સ્થિતિમાં રાખીને તેમને ઘરવિહોણાં કરવાના ષડયંત્રના ભાગરૂપે પ્રજાને રંજાડવા ” પે એન્ડ યુઝ ટોઇલેટ ” ના કામનો વર્કઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમજ છે તેને તોડવા વહીવટીતંત્રને હાથો બનાવેલ છે જે ગંભીર અને નિંદનીય હકીકત છે.

Most Popular

To Top