Sports

VVS લક્ષ્મણ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના વચગાળાના કોચ હશે

ભારત એશિયા કપમાં (Asia Cup) પોતાની પ્રથમ મેચ રવિવારે (28 ઓગસ્ટ) પાકિસ્તાન (Pakistan) સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયાના (Team India) મુખ્ય કોચ રાહુલ દ્રવિડને કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે ટીમની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મુશ્કેલ સમયમાં VVS લક્ષ્મણની (VVS Lakshman) મદદ લીધી છે. તેને યૂએઈમાં (UAE) ટીમ સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે. BCCIએ બુધવારે કહ્યું કે લક્ષ્મણને એશિયા કપ માટે ટીમનો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે.

લક્ષ્મણને આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વચગાળાનો કોચ પણ બનાવવામાં આવ્યો હતો. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા લક્ષ્મણ ઝિમ્બાબ્વેથી ભારત પરત આવવાના હતા પરંતુ તે યુએઈ પહોંચી ગયા છે. જે ખેલાડીઓ એશિયા કપ માટે પસંદગી પામ્યા નથી તેઓ સ્વદેશ પરત ફર્યા છે. લક્ષ્મણની સાથે દુબઈમાં વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડા અને અવેશ ખાન પણ હશે.

લક્ષ્મણ દુબઈ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયા છે. બીસીસીઆઈએ તેમને દ્રવિડના વિકલ્પ તરીકે દુબઈ મોકલ્યા છે. દ્રવિડ કોરોનામાંથી સાજા થયા બાદ ટીમ સાથે જોડાશે. લક્ષ્મણના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને બે મેચની T20 શ્રેણીમાં 2-0થી અને ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું.

બીસીસીઆઈએ દ્રવિડને કોરોના સંક્રમણ અંગે માહિતી આપી હતી
બીસીસીઆઈના સચિવ જય શાહે દ્રવિડના કોવિડ પોઝિટિવ હોવા અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા દુબઈ રવાના થાય તે પહેલા રાહુલ કોરોના ટેસ્ટમાં સંક્રમિત જોવા મળ્યા હતા. તેને હળવા લક્ષણો છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે. દ્રવિડ અત્યારે ટીમ સાથે UAE જશે નહીં અને પારસ મહામ્બ્રેને તેની ભૂમિકા સોંપવામાં આવશે. દ્રવિડ કોરોનામાંથી સાજા થયા બાદ ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે.

એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે
એશિયા કપ 2022 આ વર્ષે T20 ફોર્મેટમાં રમાશે અને તે 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. ટીમ ઈન્ડિયા દુબઈમાં આ મેચ જીતીને 2021માં હારનો બદલો લેવા માંગશે. ગયા વર્ષે દુબઈમાં જ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે હારી ગઈ હોય. હવે ભારત પાસે આ હારનો બદલો લેવાની તક છે.

Most Popular

To Top