Sports

વિરાટ કોહલીને કોરોના થયો? ઈંગ્લેન્ડ પ્રવાસ વચ્ચે BCCIએ આપ્યો આ જવાબ

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાનો પડછાયો છવાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા જ રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ હવે તે ફિટ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી માલદીવથી રજાઓ પર આવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ત્યાં સુધીમાં વિરાટ કોહલી ફિટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તે ટીમની સાથે ઈંગ્લેન્ડ પહોંચી ગયો હતો.

BCCI તરફથી આ જવાબ આવ્યો
વિરાટ કોહલીને કોરોના થયો હોવાના આ અહેવાલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરંતુ હવે બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના કોરોના પોઝિટિવ હોવાના મામલે અરુણ ધૂમલે કહ્યું કે તે મારી જાણકારીમાં નથી, તે સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ છે. તાજેતરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCIએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની તસવીરો ફરતી થઈ હતી, જેમાં તેઓ ફેન્સ સાથે તસવીરો ક્લિક કરી રહ્યા હતા.

મંગળવારે ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડમાં આકરી નેટ પ્રેક્ટિસ કરી, કોહલી પણ જોડાયો હતો
ઇંગ્લેન્ડ પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ છેલ્લા કેટલાક દિવસોથી અહીં કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસમાં જોતરાયેલી છે. ભારતીય ટીમ બોલીંગ કોચ પારસ મહામ્બ્રે અને બેટીંગ કોચ વિક્રમ રાઠોરની દેખરેખમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આજે ઋષભ પંત અને શ્રેયસ અય્યરને લઇને ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ટીમ સાથે જોડાઇ ગયા છે. દ્રવિડે પહોંચતાની સાથે જ ટીમના ખેલાડીઓનો ક્લાસ લીધો હતો.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ દ્રવિડના ટીમ સાથેના વાર્તાલાપના કેટલાક ફોટાઓ શેર કરવાની સાથે જ સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ સોહમ દેસાઇની દેખરેખમાં થયેલા સેશનનો પણ એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટીંગ પ્રેક્ટિસ કરતાં જોવા મળે છે, તેમની સાથે જ જસપ્રીત બુમરાહ બોલીંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ખેલાડીઓ ફૂટબોલ રમતા અને ટેનિસ બોલ વડે અલગ પ્રકારની રમત રમતા જોવા મળે છે. રાહુલ દ્રવિડે નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને એકત્ર કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.

Most Popular

To Top