SURAT

VIDEO: સુરતમાં ડુમસના દરિયા કિનારે ક્રેઈન પર 120 ફૂટ ઊંચે 20 ફૂટનો તિરંગો લહેરાવાયો

સુરત: આઝાદી કા અમૃત મહોત્સવના (AzadiKaAmritMahotsav) ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા હર ઘર તિરંગાની (HarGharTiranga) હાંકલ કરવામાં આવી છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત તો જાણે આખું તિરંગાના રંગે રંગાઈ ગયું છે. રોજ અલગ અલગ સમુદાય, ફિરકાઓ, સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આજે તા. 13 ઓગસ્ટથી લોકોના ઘર, ટેરેસ, દુકાનો પર પણ તિરંગા લહેરાતા જોવા મળી રહ્યાં છે. કોટ વિસ્તારમાં મહિધરપુરા, નવસારી બજાર, ગોલવાડ, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં ઘરે ઘર તિરંગા લહેરાવવામાં આવી રહ્યાં છે. ત્યારે દરિયા કિનારે ડુમસ ગામમાં વસતા યુવાનોએ આખો દરિયો તિરંગા સામે નતમસ્તક થાય તે રીતે તિરંગો લહેરાવ્યો છે.

ડુમસના યુવાનોએ 3 દિવસ માટે ક્રેઈન ભાડે લીધું
ડુમસ ગામમાં રહેતા 25 જેટલાં યુવાનો અનોખી રીતે આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવણી કરી રહ્યાં છે. આ યુવાનોએ દરિયા સામે ઊંચાઈ પર તિરંગો લહેરાવા માટે ક્રેઈન ભાડે રાખ્યું છે. 3 દિવસમાં ક્રેઈનનું 6 હજાર ભાડું ચૂકવશે. યુવાનોના આગેવાન વિરાજભાઈએ કહ્યું કે, એક મિત્રની ઈચ્છાપોરની ફેક્ટરીમાં 20 બાય 10 ફૂટનો તિરંગો જાતે બનાવ્યો છે. આ તિરંગાને ઊંચાઈ પર લહેરાવા માટે ક્રેઈન ભાડે લીધું છે. ડુમસના ડંકા ઓવારા મોટી બજાર પાસે દરિયા કિનારે ક્રેઈન મુકી 120 ફૂટ ઊંચે તિરંગો લહેરાવામાં આવ્યો છે. ત્રણ દિવસ વીકએન્ડ છે. ડુમસ ફરવા આવતા લોકો આ તિરંગાને જોઈ ચોક્કસ આનંદ અનુભવશે. ક્રેઈન પર 120 ફૂટ ઊંચે દરિયા કિનારે લહેરાતા તિરંગાને જોઈ એવું લાગે જાણે દરિયો પણ ભારતના રાષ્ટ્રધ્વજને સલામી ભરી રહ્યો છે.

સુરત પોલીસની પરેડ જોઈ વરાછાવાસીઓ જ્યાં હતાં ત્યાં જ અટકી ગયા
દર વર્ષે 15મી ઓગસ્ટે ઔપચારિક રીતે સરકારી કર્મચારી, વિદ્યાર્થી અને પોલીસ સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા હોવાનું જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે આઝાદીને 75 વર્ષ પૂરા થયા હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ દિવસ માટે હર ઘર તિરંગા અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા દેશવાસીઓને અપીલ કરી છે, તેનો ઉત્સાહ ચારેતરફ દેખાઈ રહ્યો છે. પોલીસ કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક પરેડ કરતા જોવા મળી રહ્યાં છે.

આજે સુરત શહેરના વરાછા વિસ્તારમાં કિરણ ચોક ખાતે પોલીસ દ્વારા તિરંગા પરેડનું આયોજન કરાયું હતું. 6 પોલીસ પ્લાટૂન, ટીઆરબી પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એનસીસી પ્લાટૂન, બાઈકર્સ પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, બેંડ પ્લાટૂન અને રાયોટ કંટ્રોલ પ્લાટૂન તથા સરથાણા વિસ્તારની વિવિધ સ્કુલમાંથી 1500 બાળકો દ્વારા તિરંગા પરેડમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તથા વી. ડી. ઝાલાવાડીયા તેમજ અન્ય અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

કતારગામમાં મંત્રીની આગેવાનીમાં રેલી નીકળી
આજે સવારે રાજ્યના મંત્રી વિનુ મોરડીયાની આગેવાનીમાં કતારગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં 35,000થી વધુ લોકો જોડાયા હતા. દેશભક્તિના નારા લગાવી લોકોએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો. વિનુ મોરડીયાએ કહ્યું કે, દેશ અત્યારે અમૃતકાળમાં છે, ત્યારે વડાપ્રધાનની અપીલના પગલે હર ઘર તિરંગા લહેરાવામાં આવી રહ્યાં છે. આજે એક જ અપીલ પર કતારગામના લોકો પણ તિરંગા યાત્રામાં સ્વયંભૂ જોડાયા છે. જે તેમની દેશ પ્રત્યેની ભક્તિને દર્શાવે છે.

અડાજણમાં શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરી રેલીમાં જોડાયા
કતારગામની જેમ અડાજણમાં પણ વહેલી સવારે તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અડાજણની અંકુર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની સાથે સાથે વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી. દેશના નેતાઓ તથા આઝાદીના લડવૈયાઓની વેશભૂષામાં આવેલા વિદ્યાર્થીઓએ શેરી નાટક પણ કર્યા હતા.

Most Popular

To Top