Dakshin Gujarat

વાપીમાં ચ્હાના બાકી નિકળતા પૈસા માટે થઈ એટલી મોટી બબાલ કે સળિયા ઉછળ્યા

વાપી: (Vapi) વાપીમાં ચ્હાના બાકી નિકળતા રૂપિયા બાબતે મોટી બબાલ થઈ હતી. જે આખરે જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ લીધું હતું અને બે પક્ષો વચ્ચે સળિયા ઉછળ્યા હતાં.

વાપીના ગીતાનગરમાં હસરતુન ઉર્ફે રેશ્મા મેહબુબઅલી અંસારી (ઉં.42) પરિવાર સાથે રહે છે અને તેઓ પુત્ર કબીર એહમદ સાથે જીઆઈડીસી (GIDC) ગુંજન વૈશાલી બ્રિજની બાજુમાં ચ્હાની લારી ચલાવે છે. ગઈકાલે તેઓ રાત્રીના સમયે ચ્હાની લારી (Tea Lorry) બંધ કરી રહ્યા હતા, ત્યારે વિશાલ ભંડારી અને એક બહેન ત્યાં આવ્યા હતા અને બંનેએ ચ્હા પીધી હતી. વિશાલ ભંડારી પાસે આગળની ઉધારી હોવાથી હસરતુને તેની પાસે ઉધારીના રૂ.1400 ની માંગણી કરી હતી. તેથી વિશાલે કોઈ પૈસા બાકી નથી અને મારે તમારી પાસેથી પૈસા નીકળે છે, એમ જણાવતા બંને વચ્ચે બોલાચાલી (Altercation) થઈ હતી.

  • વાપીમાં ચ્હાના બાકી પૈસાની ઉઘરાણી બાબતે સળિયા ઉછળ્યા
  • વિશાલ ભંડારી પાસે આગળની ઉધારી હોવાથી હસરતુને તેની પાસે ઉધારીના રૂ.1400 ની માંગણી કરી હતી

બાદમાં વિશાલ ભંડારીએ પત્ની આફરીન સઈદખાન (બંને રહે. ગીતા નગર, વાપી)ને ફોન કરતા તે અન્ય બે યુવકો સાથે આવી બોલાચાલી કરી હતી. આફરીને પથ્થર વડે કપાળના ભાગે તથા વિશાલ ભંડારીએ લાકડી વડે કબીરને મારમારી ઢીક્કામુક્કી કરી હતી. બાદમાં લોકટોળુ ભેગુ થઈ જતા તેઓ ચાલ્યા ગયા હતાં. ઈજાગ્રસ્ત બનેલા પિતા-પુત્રએ વાપી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ગયા હતા. ત્યારબાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે આફરીન સઈદખાન (ઉં.23, રહે. ગીતાનગર, વાપી મૂળ યુપી) ગઈકાલે તેઓ બહેનપણી સાથે વાપી ગુંજન વૈશાલી બ્રિજ નીચે ચ્હા પીવા માટે ગયા હતા, ત્યારે ચ્હા વેચનાર કબીર અહમદે બોલાચાલી કરી ઢીક્કામુક્કીનો મારમારી માથાના ભાગે સળિયા વડે મારતા ઈજા પહોંચી હતી. બાદમાં કબીરની માતા રેશ્મા મહેબુબ ત્યાં આવી અને હાથમાં બચકુ ભરી દીધું હતું. ઝઘડો થયા બાદ તેની બહેનપણી ગભરાઈને ચાલી ગઈ હતી. જ્યારે અર્ધબેભાન બનેલી આફરીનને હોસ્પિટલ દાખલ કરી હતી. બનાવ બાદ કબીર અહમદ મહબુબઅલી અને રેશ્મા મહબુબઅલી વિરૂધ્ધ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top