Dakshin Gujarat

વલસાડમાં રોડ પર નહીં, પરંતુ દરિયા કિનારે રેતીમાં થઈ મેરેથોન

વલસાડ: (Valsad) વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના દરિયા કિનારે સન્ડે સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલી બીચ (Beach) મેરેથોનમાં વહેલી સવારે 1191 સ્પર્ધકો મન મુકીને દોડ્યા હતા. સ્વાસ્થ્ય જાગૃતિ માટેના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વલસાડમાં શરૂ થયેલી બીચ મેરેથોન અન્ય કરતા અનોખી છે. આ મેરેથોન (Marathon) રોડ પર નહીં, પરંતુ દરિયા કિનારે રેતીમાં થાય છે. જેનો એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વલસાડની યુફિઝીઓ બીચ મેરેથોનમાં 21, 10, 5 અને 3 કિમીની કેટેગરી રાખવામાં આવી હતી. આ જુદી જુદી કેટેગરીમાં બાળકોથી લઇ 80 વર્ષ સુધીના વૃધ્ધો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડની આ મેરેથોનમાં ડાંગ જિલ્લાના કલેક્ટર ડો. વિપિન ગર્ગ 21 કિમી દોડ્યા હતા. આ સિવાય જિલ્લાના પીએસઆઇ, પોલીસ કર્મીઓ, ડોક્ટરો, ધંધાદારીઓ, નોકરિયાતોવાળા મોટી સંખ્યામાં મેરેથોનમાં ભાગ લઇ દોડ્યા હતા. મેરેથોનને સફળ બનાવવા સ્વયંસેવક તરીકે વલસાડના એનસીસી કેડેટ્સ અને ભીલાડ કોલેજની હોકી ટીમના ખેલાડીઓએ સેવા આપી હતી. મેરેથોનના આયોજનમાં સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશ નાયક, ચિંતન ત્રિદીપ, આશિષભાઈ, પ્રજ્ઞેશ પાન્ડે, વિનયભાઈ, ભગીરથભાઈ, કીર્તનભાઈ, જીતેનભાઈ, હિતેશભાઈ, યશભાઈ, અંકુરભાઈ સહિતના સભ્યોએ સક્રિય ભાગ ભજવ્યો હતો.

બીલીમોરાની સોમનાથ પ્રાથમિક શાળાના અમૃત મહોત્સવની ઉજવણી
બીલીમોરા : બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળાનાં 75’માં સ્થાપના દિને શનિવારે સાંજે 12 સાંસ્કૃતિક કૃતિઓ સાથે ઉજવણી કરાઈ હતી. સાંનિધ્ય અમૃત મહોત્સવ વિશેષાંકનું વિમોચન સાથે શિક્ષકો, દાતા, વ્યક્તિ વિશેષોનું બહુમાન કરાયું હતું. બીલીમોરા સોમનાથ માર્ગ ઉપર સાડા સાત દાયકાથી શિક્ષણની જ્યોત જગાવનારી પ્રાથમિક શાળાનો શનિવાર સાંજે અમૃત મહોત્સવ ઉજવાયો હતો. ગરબા, નાની તેરી મોરની, દેશભક્તિ ગીત, આયો રે શુભ દિન, કરાટે ડાન્સ, સ્ટોરી, દિલ હૈ છોટા સા, વાર્તા, પિરામિડ ડાન્સ, નાટક જેવી 12 રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ સાથે સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે 75 વર્ષ અગાઉ શિક્ષણની જ્યોત જગાવવા જમીન દાતા ગુલબાઈ વાસણીયા પરીવારના પૌત્ર ડો. વિરાફ સામ વાસણીયા (રહે. નવી મુંબઈ)નું વિશેષ સન્માન કરાયું હતું. તે સાથે ભૂતકાળમાં ફરજ અદા કરનારા નિવૃત અને હાલમાં કાર્યરત શિક્ષકોનું ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે આસુસિંગ ગનુસિંગ લબાના (પીચીભાઈ), વિજય પટેલ, શિવજી પટેલ, મગનભાઈ પટેલ, તેજલ જોષી, સુભાષ પટેલ, શાળા પરીવાર, વાલી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top