Dakshin Gujarat

લોન આપતી 21 એપ્લિકેશનને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવાઇ

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં ઓનલાઇન લોન (Online laon) આપી તગડું વ્યાજ વસુલી લોકોને ખોટી રીતે હેરાન કરી બ્લેકમેલ કરતી લોન એપ્લિકેશન (Loan Application) વિરૂદ્ધ વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જેના પગલે વલસાડ જિલ્લા પોલીસે (Police) આવી 14 એપ્લિકેશન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને 21 એપ્લિકેશન વિરૂદ્ધ રિપોર્ટ કરી તેમને ગુગલ પ્લે સ્ટોરમાંથી (Google play Store) હટાવવાનું કાર્ય કર્યું હતુ, એવું વલસાડના એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ વલસાડ રૂરલ પોલીસ મથકે (Police Station) યોજાયેલા લોકદરબારમાં જણાવ્યું હતુ.

વલસાડમાં વ્યાજખોરોને ડામવા માટે યોજાયેલા લોકદરબારમાં તેમણે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ વ્યાજખોરો સામે શિક્ષિત થવું જરૂરી છે. કોઇપણ ચમરબંધી હશે તો તેને પોલીસ છોડશે નહી. રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પણ માથાભારે વ્યાજખોરો છે. તેમની સામે પગલાં લેવામાં પણ પોલીસ ચૂકશે નહી. જો કોઇપણ ફરિયાદી કોઇપણ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ કરવા માંગશે અને તેને ડર હશે તો પોલીસ ખાનગીમાં તેમના ઘરે જઇને ફરિયાદ લઇ આવશે. તેમજ જરૂર પડે તો પોલીસ હથિયારધારી ગાર્ડ પણ ફરિયાદીની સુરક્ષા માટે આપશે. રૂરલ પોલીસ મથકના લોકદરબારમાં આ સિવાય બેંકો દ્વારા ધિરાણ આપવા માટે થતી હેરાનગતિ અને નાની બેંકો દ્વારા વસૂલાત માટે થતી દાદાગીરીની પણ ફરિયાદ થઇ હતી.

અનાજની દુકાનમાં થતી ગેરરિતી મામલે પણ મામલતદારે કોઇ પગલાં ભર્યા નહીં
વલસાડના ચીંચાઇ ગામે સુરતના સી.આર.પાટીલના મતવિસ્તારનો બાકડો આવી ગયો હતો. જે અંગે પોલીસને જાણ કરવા છતાં કોઇ પગલાં લેવાયા નહીં હોવાની ફરિયાદ પણ લોકદરબારમાં થઇ હતી. અહીંની સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરિતી સંદર્ભે પણ મામલતદાર દ્વારા કોઇ પગલાં લેવાયા નહીં હોવાની ફરિયાદ સરપંચના પતિએ કરી હતી. જેના જવાબમાં એસપી ઝાલાએ સરપંચ જાતે હાજર રહે એવી ટકોર કરી આ મામલે યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતુ.

વ્યાજખોર સામે પોલીસ પણ ફરિયાદી બની જ છે
વ્યાજખોરી માટે પોલીસે હાથ ધરેલા અભિયાનમાં વાપી જીઆઇડીસી પોલીસે બે કેસમાં જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. અહીં બે મોટા વ્યાજખોરો સામે કોઇ ફરિયાદી મળ્યા ન હતા. લોકો પોલીસ પાસે આવે અને ફરિયાદ કરે તો પોલીસ તેમને મદદ કરશે જ. જો તેમ છતાં કોઇ કિસ્સામાં પોલીસને જણાય તો પોલીસ આવા તત્વો સામે જાતે પણ ફરિયાદી બની રહી જ છે, એવું એસપી ડો. ઝાલાએ જણાવ્યું હતુ.

Most Popular

To Top