Dakshin Gujarat

વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારના ભાવિનો ગુરુવારે ફેસલો

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Election) 72.69 ટકા મતદાન (Voting) થયા બાદ હાલમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તા. 1 ડિસેમ્બરે 3.29ના ઘટાડા સાથે 69.40 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે તા. 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. સવારે 8 વાગ્યાથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કુલ 386 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે.

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તા. 1 ડિસેમ્બરે વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર 35 ઉમેદવારો માટે નિષ્પક્ષ અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જિલ્લાના નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદારોએ મતદાન કરતા કુલ મતદાન 69.40 ટકા નોંધાયું હતું. હવે તા. 8 ડિસેમ્બર મતગણતરી દિવસ કે જેની ઉમેદવારોથી માંડીને મતદારો પણ ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરિણામનો દિવસ આજે આવી પહોંચતા સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે ત્યારબાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે.

જિલ્લાની પાંચ બેઠકના કુલ 1395 મતદાન મથકો માટે એક વિધાનસભા સીટ દીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એમ કુલ 5 બેઠક માટે કુલ 70 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એક ટેબલ પર 3 કર્મચારીઓ મતગણતરી કરશે. જેમાં મતગણતરી સુપરવાઈઝર, મતગણતરી મદદનીશ અને માઈક્રો ઓબ્ઝર્વરનો સમાવેશ થાય છે. 178- ધરમપુર બેઠકના 290 મતદાન મથકો માટે 21 રાઉન્ડ, 179- વલસાડ બેઠકના 274 મતદાન મથકો માટે 20 રાઉન્ડ, 180- પારડી બેઠકના 247 મતદાન મથકો માટે 18 રાઉન્ડ, 181- કપરાડા બેઠકના 306 મતદાન મથકો માટે 22 રાઉન્ડ અને 182 ઉમરગામ બેઠકના 278 મતદાન મથકો માટે 20 રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થશે. આમ કુલ 101 રાઉન્ડમાં જિલ્લાની પાંચેય બેઠક પર 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થતા ઈન્તેજારીનો અંત આવશે. મતગણતરીથી માંડીને વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ દરમિયાન પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓનો કાફલો ખડેપગે તૈનાત રહેશે.

કઇ બેઠક પર કેટલા રાઉન્ડ
178- ધરમપુર બેઠકના 290 મતદાન મથકો માટે 21 રાઉન્ડ, 179- વલસાડ બેઠકના 274 મતદાન મથકો માટે 20 રાઉન્ડ, 180- પારડી બેઠકના 247 મતદાન મથકો માટે 18 રાઉન્ડ, 181- કપરાડા બેઠકના 306 મતદાન મથકો માટે 22 રાઉન્ડ અને 182 ઉમરગામ બેઠકના 278 મતદાન મથકો માટે 20 રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થશે.

વલસાડ જિલ્લાની પાંચ બેઠકમાં વલસાડ અને ધરમપુર ઉપર સૌની નજર
વાપી, વલસાડ : વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ૩૫ ઉમેદવારોમાં રાજ્ય સરકારના હાલના બે મંત્રી સહિતના ઉમેદવારોનો ગુરુવારે ઈવીએમ મશીનમાં મતગણતરી બાદ ભાવિનો ફેંસલો થઈ જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પારડીની બેઠક ઉપર ત્રીજી વખત ચૂંટણી લડ્યા છે. જ્યારે કપરાડાની બેઠક ઉપર રાજ્ય મંત્રી જીતુભાઈ છઠ્ઠી ચૂંટણી લડ્યા છે. તેમણે પેટા ચૂંટણી તથા ચાર ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ બંને મંત્રીના ભાવિનો પણ ગુરુવારે ફેંસલો થશે. જ્યારે ધરમપુર તેમજ વલસાડની બેઠક ઉપર આ વખતે ચૂંટણીમાં સારી રસાકસી રહી છે. ધરમપુરની બેઠક તો કટોકટ છે. જ્યારે વલસાડની બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ તથા આપ પાર્ટીને રસાકસી લાગી રહી છે. ભાજપના ધારાસભ્ય ભરતભાઈના ભાવિનો આજે ફેંસલો થશે. જ્યારે ઉમરગામની બેઠક ઉપર માજીમંત્રી રમણભાઈ પાટકરના ભાવિનો પણ ફેંસલો થશે. ધરમપુરની બેઠક ઉપર માજી સાંસદ કિશનભાઈ પટેલ તેમજ હાલના ભાજપ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થઈ જશે. અહીં આપના કમલેશભાઈ અને અપક્ષ કલ્પેશભાઈ શું કમાલ કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.

Most Popular

To Top