Dakshin Gujarat

ચીખલીના કૂકેરી પાસે ઇનોવા નહેરમાં ખાબકતા અમદાવાદના બે મિત્રના મોત

ઘેજ : ચીખલી – વાંસદા (Chikhli) રાજ્ય ધોરી માર્ગ (Highway) ઉપર કૂકેરી પાસે શેરડી ભરેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડીવાઇડર (Divider) સાથે અથડાઇને સામેના ટ્રેક પર પહોંચી સાપુતારાથી (Saputara) પરત જઇ રહેલા અમદાવાદ – ધોળકાના મિત્રોની ઇનોવા કારને ટક્કર મારતા ઇનોવા પલટી ખાઇ નહેરમાં ખાબકતા બે મિત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્યને નાની મોટી ઇજા થઇ હતી. અમદાવાદના (Ahmedabad) ધોળકાના મિત્રો શિરડી – શનિદેવ દર્શન કરી સાપુતારા રાત્રિ રોકાણ કરી આજે સવારે પરત ઘરે જઇ રહ્યા હતા તે દરમ્યાન કૂકેરી પાસે અકસ્માત સર્જાયો હતો.

  • ઇનોવા નહેરમાં ખાબકતા અમદાવાદના બે મિત્રના મોત
  • ચીખલીના કૂકેરી પાસે શેરડી ભરેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સામેના ટ્રેક પર પહોંચી ઇનોવા કારને ટક્કર મારી
  • અમદાવાદના ધોળકાના મિત્રો શિરડી – શનિદેવ દર્શન કરી સાપુતારાથી પરત જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો


પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી મનીષ ધીરુભાઇ પટેલ (રહે. ધોળકા મીઠીકૂઇ પાસે દેવતીર્થ સોસાયટી જી. અમદાવાદ) તેમના મિત્ર નરેન્દ્રભાઇ વિરમભાઇ ઠાકોર (રહે. ધુરજીપુરા તા. ધોળકા જી. અમદાવાદ) ની ઇનોવા કાર જીજે-૦૧ એમડબલ્યુ- ૩૫૨૫ માં અન્ય મિત્રો સાથે શીરડી જવા માટે પાંચમીના રોજ નીકળ્યા હતા. શીરડી રોકાયા બાદ સવારે સાંઇબાબા અને શનિદેવ ભગવાનના દર્શન કરી સાપુતારામાં રાત્રિ રોકાણ કરી આજે બુધવારના રોજ ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન વાંસદા – ચીખલી રાજ્યધોરી માર્ગ પર કૂકેરી ગામની સીમમાં શેરડી ભરીને આવી રહેલી ટ્રક જીજે-૧૬ – એક્ષ – ૯૩૬૮ ના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડીવાઇડર સાથે અથડાઇ રોંગસાઇડે આવી જઇને ઉપરોક્ત ઇનોવા કારને ટક્કર મારતા ઇનોવા કાર પલટી મારી નહેરમાં ખાબકી હતી.

ઉપરોક્ત માઇનોર કેનાલ હોવા સાથે પાણી પણ ઓછુ હતું. આ દરમ્યાન ઇનોવા કારમાં સવાર મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ઇનોવા કારમાં સવાર ઘનશ્યામ કાળુભાઇ ટોટા (આમલીયારા ગામ તા. ધોળકા જી. અમદાવાદ) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. સ્થાનિકોએ અન્ય ઇજાગ્રસ્તોને પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ચીખલીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દમ્યાન ફરજ પરના તબીબે પ્રકાશ રમણભાઇ પટેલ (રહે. ચલોડા ગામ ધોળકા જી. અમદાવાદ) ને મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત ઇનોવા કારમાં સવાર નારણ સરઘનભાઇ ભરવાડ તથા નરેન્દ્ર વિરોમભાઇ ઠાકોર, અરવિંદ રણછોડભાઇ ઠાકોરને પણ નાની મોટી ઇજા થઇ હતી. ઇનોવા કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. વધુમાં અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top