Columns

વડોદરાની યુવતી જાત સાથે લગ્ન કરવા માગે છે!
પણ દુનિયામાં એવાં એવાં લગ્નો થયાં છે, તમને ચક્કર આવી જશે

ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતી પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નમાં તેનાં માતા-પિતા વીડિયો કોલ દ્વારા સામેલ થશે, જ્યારે તેના નજીકના મિત્રો પણ આ લગ્નનો ભાગ બનશે. ક્ષમા કહે છે કે તે ક્યારેય લગ્ન કરવા માગતી ન હતી, પરંતુ હંમેશાં દુલ્હન બનવા માગતી હતી તેથી તેણે આ નિર્ણય લીધો છે. આ પ્રકારના લગ્નને સોલોગામી કહેવામાં આવે છે. ક્ષમાનો દાવો છે કે ભારતમાં આવા લગ્ન કરનાર તે પ્રથમ વ્યક્તિ હશે. જો કે, વિશ્વમાં સોલોગોમીનો આ પહેલો કિસ્સો નથી. બ્રાઝિલની એક મહિલાએ ઓગસ્ટ 2021માં પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. આ પછી નવેમ્બર 2021માં તેણે જાહેરાત કરી કે તેને કોઈ અન્ય મળી ગયું છે અને તેથી તેણે પોતાની સાથે છૂટાછેડા લેવા પડ્યા હતા.

દુનિયામાં આવા અત્રંગી લગ્નોની કોઈ કમી નથી. એવાં ઘણાં લોકો છે, જેમણે આપણને આંચકો લાગે એવાં એવાં લગ્ન કર્યાં છે. આજે વાત કરીએ આવા જ પાંચ લોકો અને તેના લગ્ન વિશે.સૌથી પહેલાં દુનિયામાં ચર્ચિત રહેલા કઝાકિસ્તાનના અનોખા લગ્નની. કઝાકિસ્તાનના યુરી ટોલોચકોએ 2020માં એક ડોલ (ઢીંગલી) સાથે લગ્ન કર્યા હતા! તેણે 2019માં લગ્ન માટે ડોલનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો અને તે પહેલાં તેણે તે ડોલને 8 વર્ષ સુધી ડેટ પણ કરી હતી. ઢીંગલીનું નામ માર્ગો હતું. યુરીએ પોતાના લગ્નનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. જાન્યુઆરી 2021માં યુરીએ કહ્યું કે જ્યારે ઢીંગલીને રિપેર કરવા મોકલી ત્યારે તેણે માર્ગો સાથે છેતરપિંડી કરી હતી! શું છેતરપિંડી કરી હતી? તો કહે યુરીભાઈને છોડીને તેનું અન્ય સાથે અફેર થઈ ગયું હતું! જાપાનના આ ભાઈ તો યુરીથી ચડે એવા નીકળ્યા હતા !જાપાનના નેને અનેગાસાકીએ એક રમતના સ્ત્રી પાત્ર સાથે લગ્ન કર્યા હતા! નેને કહે છે કે તેની ડિજિટલ પત્ની વાસ્તવિક પત્નીઓ જેવી નથી. તે તેના કરતાં વધુ સારું છે. તેમનું કહેવું છે, જો હું મેસેજનો જવાબ મોડો આપું તો તે ગુસ્સે થતી નથી.

જો કે, આ બધાથી અલગ ઓરિસ્સામાં 2006માં એક મહિલાએ સાપ સાથે લગ્ન કર્યા હતા! તે પણ જેવો તેવો નહીં કોબ્રા સાથે! મહિલાએ કહ્યું કે તેને સાપ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે હિંદુ વિધિ પ્રમાણે સાપ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં 2000થી વધુ લોકો સામેલ થયા હતા. લોકોએ કહ્યું કે, આ લગ્નમાં જવું તેમના માટે નસીબની વાત હતી. બ્રિટિશ અભિનેતા રોબર્ટ પેટિનસનના ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે. એટલા માટે કે લોકો તેની એક ઝલક મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 2013માં લોરેન એડકિન્સ નામની મહિલાએ દાવો કર્યો હતો કે તેણે રોબર્ટ પેટિનસનના કાર્ડબોર્ડ કટઆઉટ સાથે લગ્ન કર્યા હતા. લોરેન તેની ‘લવ ઈઝ ઓવરટેકિંગ મી’ નામની થીસીસ પર કામ કરી રહી હતી અને તે જ સમયે તે રોબર્ટ સાથે પ્રેમમાં પડ્યો હતો. લોરેન રોબર્ટના કાર્ડબોર્ડ કટઆઉટ સાથે હોલિવૂડ સાઇન પર ચઢી. જે બાદ લોકોને આ લગ્ન વિશે ખબર પડી હતી.

આજકાલ મોબાઈલ ફોન વગર જીવન અધૂરું લાગે છે.
આ વાત એરોન ચેર્વેનાકી નામના વ્યક્તિ દ્વારા હૃદય પર લેવામાં આવી હતી અને તેણે પોતાના મોબાઈલ ફોન સાથે લગ્ન કરી લીધા હતા. તેણે આ લગ્ન લાસ વેગાસમાં કર્યા હતા. આ વિશે તેણે કહ્યું કે, જો આપણે આપણી જાત સાથે પ્રામાણિક રહેવા જઈ રહ્યા છીએ. જ્યારે આપણે શાંત રહેવા માગીએ છીએ, જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, જ્યારે આપણે ખુશ હોઈએ છીએ અને સૂતાં પહેલાં પણ ફોનનો ઉપયોગ કરીએ છીએ અને તે મારા માટે એક સંબંધ છે. મારો મોબાઈલ મારો સાથી છે. તેથી મેં મારા સ્માર્ટ ફોન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું!

Most Popular

To Top