Vadodara

વડોદરા ફતેપુરા ચૌહાણ સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો

 વડોદરા: વડોદરામાં (Vadodara) રખડતા કૂતરાઓની રડારમ હવે નિવૃત કર્મચારીઓ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે કોર્પોરેશનના નિવૃત કર્મચારીને બચકાં ભર્યા બાદ સાંજે એજ સોસાયટીના કૂતરાએ અન્ય એક એસએસજીના નિવૃત કર્મચારીને પગના ભાગે બચકું (Dog bite) ભરતા સ્થાનિકોમાં કૂતરાઓને લઈ ભારે ફફડાટ ફેલાયો છે. 48 કલાક વીતી ગયા બાદ પણ તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સીટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યાંતો હવે રખડતા કૂતરાઓનો આતંક વધવા માંડ્યો છે.અને એમાંય વળી એક જ દિવસમાં સવાર સાંજ બે નિવૃત કર્મચારીઓને કૂતરાએ બચકાં ભરી ઈજા પહોચાડી હોવાની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હુજરાત ટેકરા તુલસાવાડી ખાતે રહેતા ઉ.વ.67 નટવરલાલ શિવાભાઈ મકવાણા પોતે નિવૃત કર્મચારી ( એસએસજી )નાઓને કૂતરાએ બચકું ભરી પગના ભાગે ઈજા પહોચાડી હતી.ગત રાત્રીએ તેઓ ચૌહાણ સોસાયટીમાંથી પસાર થઈ નાકા પાસે આવેલા પાનના ગલ્લા પર ગયા હતા.

જ્યાં પાન ખાઈ પરત ઘરે આવતી વેળાએ સોસાયટીમાં આવતા અચાનક કેટલા કૂતરાઓ તેમને જોઈ ભસવા લાગ્યા હતા.જેથી તેઓએ આ કૂતરાઓને હાથ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેવામાં અચાનક એક કૂતરાએ તેમની પર હુમલો કર્યો હતો અને પગના ભાગે બચકું ભરતા તેમની પેન્ટ પણ ફાટી ગઈ હતી.તેઓએ પણ જોરથી બુમરાણ મચાવતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને કૂતરાઓને ભગાડ્યા હતા.જ્યારે નટવર ભાઈના પગના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું.ઘરે જઈ તપાસ કરતા કૂતરાના તીક્ષ્ણ દાંત તેમના પગમાં વાગી ગયા હતા.તેઓને ગંભીર ઈજા પગના ભાગે પહોંચી હતી.સવાર અને સાંજ એમ કૂતરાઓએ બચકાં ભરવાની બનેલી બે ઘટનાઓથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘરમાંથી નિકળતા પણ લોકો ભય અનુભવી રહ્યા છે.

સોસાયટીમાં એક નહીં પણ પાંચથી વધુ કુતરાઓ છે
મહોલ્લામાંથી થઈ સોસાયટીમાં કોઈ પણ પસાર થાય છે ત્યારે આ કૂતરાઓ તેમની પાછળ ભસી દોડે છે.જેના કારણે ઘણી વખત વાહનચાલકોના વાહનો પણ સ્લીપ ખાઈ જાય છે.વહેલી સવારે અહીંથી સ્કૂલમાં નાના બાળકો પણ જતા હોય છે તેમની પાછળ પણ ઘણી વખત આ કૂતરાઓ દોડ્યા છે.એવા સમયે સ્થાનિક લોકો દ્વારા બાળકોને કૂતરાઓથી બચાવાયા છે.મુસ્લિમ સમાજના બાળકો અને બાળકીઓ પણ અહીંથી જ મદ્રેસામાં જતા હોય તો તેઓ પર પણ ઘણી વખત આ કૂતરાઓએ હુમલો કર્યો છે.જો વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે અમે ભોગ બન્યા છે. કાલે કોઈ બીજાનો વારો આવશે. : નટવરલાલ મકવાણા

એક બાદ એક બે ઘટના બની ગઈ પરંતુ પાલિકામાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈપણ વિસ્તારની મુલાકાતે આવ્યું નથી.રખડતા કૂતરાઓનો આતંક વધતા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જો ફરીથી કોઈ અન્યને કૂતરા બચકું ભરશે અને મોટી ઘટના બનશે તો જીમ્મેદાર કોણ ?

Most Popular

To Top