Gujarat

બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે – દાદા

ગાંધીનગર: 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટ (Vibrant summit) અંતર્ગત આજે અમદાવાદમાં બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બાયોટેકનોલોજી સેક્ટરની (Biotechnology sector) પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ (Technology of Hope) છે. ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) વિઝનરી લીડરશિપમાં વર્ષ 2004થી જ રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરના ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ધરાવતું એક રાજ્ય છે, એટલું જ નહીં, સાવલી નજીકનું બાયોટેકનોલોજી રિસર્ચ ઍન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટોપ થ્રીમાં સ્થાન મેળવતું રહ્યું છે. 100 જેટલા સ્ટાર્ટઅપ આ સેન્ટર દ્વારા તૈયાર થયા છે.

  • અમદાવાદ સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું
  • ફાર્મા ક્ષેત્રે 10000 કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઈન્ડ. આઉટપુટમાં 40થી 45 ટકા યોગદાન

તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ દેશમાં સ્વદેશી સાયન્સ ટેકનોલોજીથી લઇને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રોમાં ભારતની આગવી ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે. વિશ્વને ગુજરાત અને દેશની વ્યાપાર ઉદ્યોગ ક્ષમતાનો પણ પરિચય કરાવવા વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજ 2003માં વાવેલા તે આજે બે દાયકામાં વિકાસનું વટવૃક્ષ બન્યા છે.

મુખ્યમંત્રીએ ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે 10 હજાર કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 40થી 45% જેટલું યોગદાન આપે છે. રાજ્યમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટેક વર્કફોર્સ ઉપલબ્ધ છે. દેશમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સ્વર્ણિમયુગની શરૂઆત થઈ છે અને ગુજરાત એમાં પણ અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રી વર્ષ 2025સુધી 150 બિલિયન ડોલરની થશે : માંડવિયા
વર્ચ્યુઅલ માધ્યમથી આ ઇવેન્ટમાં જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બાયોટેકનોલોજી મિશન અને બાયોટેકનોલોજી પાર્કની સ્થાપના કરી હતી, 20 વર્ષ પહેલાં બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરવા વાળું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય હતું. ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રી વર્ષ 2025સુધી 150 બિલિયન ડોલર અને વર્ષ 2030 સુધી 300 બિલિયન ડોલરના લક્ષ્યાંક સાથે કાર્ય કરી રહી છે. ભારતમાં બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં 760 થી વધુ કંપનીઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલા 4240જેટલા સ્ટાર્ટઅપ સામેલ છે.

Most Popular

To Top