Dakshin Gujarat

મરોલીમાં રખડતા કુતરાંએ બચકાં ભરતાં ચાર વર્ષનાં માસૂમનું મોત

નવસારી: (Navsari) મરોલી ગામે રખડતા કુતરાએ (Dog) 4 વર્ષિય બાળકને કરડતા બાળકનું મોત નિપજ્યું હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. ત્યારે નવસારી જીલ્લામાં રખડતા કુતરાએ માસૂમ બાળકનો ભોગ લેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

  • મરોલીમાં રખડતા કુતરાંએ બચકાં ભરતાં ચાર વર્ષનાં માસૂમનું મોત
  • નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં કુતરાંનાં ત્રાસ સામે લોકોને રક્ષણ આપવા માંગ

મરોલી ગામે કુતરાંના કરડવાથી એક બાળકનું મોત નિપજ્યાંનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જલાલપોરના મરોલી ગામે તળાવ ફળિયામાં તનય અમિતભાઈ રાઠોડ (ઉ.વ. 4) તેના પરિવાર સાથે રહેતો હતો. ગત 10મીએ તનય ફળિયામાં રમી રહ્યો હતો. ત્યારે એક રખડતાં કુતરાંએ તનય ઉપર હુમલો કરી તેને બચકાં ભર્યાં હતાં. જેના પગલે તનયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિકોએ કુતરાંને ભગાડી તનયને મરોલી સી.એચ.સી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તનયને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડોકટરે મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. ગોપાલભાઈને સોંપી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નવસારી અને વિજલપોર શહેરમાં કુતરાં કરડવાના ઘણા બનાવો બન્યા છે. નવસારીમાં રખડતાં કુતરાંઓ લોકોને કરડી રહ્યાં છે. વિજલપોર શહેરમાં એક જ દિવસમાં રખડતા કુતરાં 13 લોકોને કરડયાં હતાં. જેથી લોકોએ રોષમાં આવી કુતરાંને મોતનાં ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પણ વિજલપોરમાં કૂતરાનો આતંક યથાવત રહ્યો હતો. નવસારીમાં વધી રહેલા રખતા કુતરાંનાં ત્રાસથી લોકોને બચાવવા તંત્ર નક્કર કામગીરી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

Most Popular

To Top